• રખડતાં ઢોરનાં ત્રાસ વચ્ચે હડકાયા કુતરાના આતંકથી લોકોમાં અફરાતફરી મચી
  • કૂતરાએ નાનાં બાળકો સહિત 15થી વધુ લોકોને બચકાં ભર્યાં હતાં
  • તમામને હડકવાવિરોધી રસી મુકાવવા માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા
  • આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા

WatchGujarat.રાજ્યમાં રખડતાં ઢોરના ત્રાસ વચ્ચે કુતરાનો ત્રાસ વધ્યો છે. રખડતા ઢોરના આંતકનાં કારણે અનેક લોકોને ઇજા પહોંચી છે તો વળી અમુક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે .ત્યારે મોરબીમાં હડકાયા કૂતરાનો આતંક એટલો વધ્યો છે કે કૂતરાએ નાનાં બાળકો સહિત 15થી વધુ લોકોને બચકાં ભર્યાં હતાં. સોસાયટીમાં અંદર ઘૂસીને નાના બાળકોને બચકાં ભરતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે હડકાયા કૂતરાનો આતંક જોવા મળ્યો હતો. મહેન્દ્રનગર ગામ પાસે આવેલી પ્રભુકૃપા ટાઉનશિપ નજીક એક કૂતરુ હડકાયું થયુ હતુ. આ હડકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો હતો. નાનાં નાનાં ભૂલકાં મળી 15 જેટલા લોકોને હડકાયા કૂતરાએ બચકાં ભર્યાં હતાં, જેથી તમામને હડકવાવિરોધી રસી મુકાવવા માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે હડકાયો કૂતરો એક બાદ એક લોકોને બચકાં ભરી રહ્યો છે, જેને લઈ ભારે અફરાતફરી મચી હતી.

મોરબીમાં હડકાયા કૂતરાએ બાળકો સહિત મહિલાઓને બચકાં ભરતાં ચકચાર મચી છે. આ કૂતરાએ હજુ બીજા અન્ય લોકોને ઝપટમાં લીધા હોવાની પણ શક્યતા જોવા મળી રહી છે. આ વિસ્તારમાં હડકાયા કૂતરાએ આતંક ફેલાવતાં લોકોમાં ફફડાટ મચી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના કોઈ ને કોઈ વિસ્તારમાં હડકાયા કૂતરાઓ આતંક મચાવીને લોકોને બચકાં ભરે છે. આ ગંભીર બાબત સામે જવાબદાર તંત્ર પાસે આવા હડકાયા કૂતરાને પકડવા માટેના કોઈ સાધનો જ નથી. તેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners