• મોરબીમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે પાકિસ્તાનના ડ્રગ માફિયા ખાલિદ બખ્શની ભૂમિકા સામે આવી રહી છે
  • એટીએસના ડીવાયએસપી કક્ષાના અધિકારી ઉપરાંત સ્થાનિક પોલીસને સાથે રાખીને રવિવારની રાત્રે દરોડો પાડવામાં આવ્યો
  • પોલીસે ઝડપાયેલા આ બન્ને શખ્સો કોણ છે? તેઓ કોના કહેવાથી આ કામ કરતા હતા ? તે સાહિતનાં મુદ્દે પૂછપરછ શરૂ કરી

WatchGujarat. ડ્રગ્સ માફિયાઓ પર ગૃહ વિભાગની સર્જિકલ સ્ટ્રાઇક યથાવત છે. ત્યારે સલાયા બાદ હવે મોરબીનાં ઝીંઝુડાથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે. જુદા-જુદા બે મકાનમાં તપાસ બાદ 120 કિલો ડ્રગ્સનો આ જથ્થો ઝડપી પાડવામાં ATSની ટીમ તેમજ મોરબી SOGને સફળતા મળી છે.  ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી આ અંગેની જાણકારી આપી છે. સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર મોરબીમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે પાકિસ્તાનના ડ્રગ માફિયા ખાલિદ બખ્શની ભૂમિકા સામે આવી રહી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

રવિવારે મોડી રાતે પણ નવલખી પોર્ટ પાસેના ઝીંઝુડા ગામમાંથી 120 કિલોના જથ્થાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યુ છે. ગુજરાત એટીએસ અને મોરબી SOG દ્વારા આ મસમોટા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેની બજાર કિંમત 500 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. આ ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે, મોરબીથી 35 કિલોમીટર દૂર દરિયાકાંઠે આવેલા ઝીંઝુડા ગામમાં કેટલાક શખ્સો માદક પદાર્થની હેરાફેરીમાં સંડોવાયેલા છે.

આ અંગેની તપાસ બાદ એટીએસના ડીવાયએસપી કક્ષાના અધિકારી ઉપરાંત સ્થાનિક પોલીસને સાથે રાખીને રવિવારની રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં મોડી રાતે ગામમાં અધિકારીઓની ગાડીઓના કાફલા ખડકી દેવામાં આવ્યા હતા. અને ઘરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાંથી આ ડ્રગ્સ ઝડપાયુ હતું. આ અંગે  રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને માહિતી આપતા ગુજરાત ATSને અભિનંદન પાઠવ્યા છે. હાલ પોલીસે ઝડપાયેલા આ બન્ને શખ્સો કોણ છે? તેઓ કોના કહેવાથી આ કામ કરતા હતા ? તે સાહિતનાં મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud