• ફિલ્મી સ્ટોરી જેવી ઘટના પણ પોલીસની ગંભીર બેદરકારી
  • વેસ્માથી મળેલી લાશ નાગુલાલ ગાયરીની હોવાની પોલીસે ઓળખ કરી તેની સાથે કામ કરતા બેની ધરપકડ બાદ ચાર્જશીટ પણ કરી દીધી હતી
  • તપાસ કરનાર PI દંડ પેટે બંને નિર્દોષ શખ્સને 50-50 હજાર વળતર ચૂકવે : કોર્ટનો આદેશ

WatchGujarat.  નવસારીનાં વેસ્મા ગામે પાંચ વર્ષ અગાઉ એક શ્રમજીવીની હત્યા કરવામાં આવી હતી. જેમાં પોલીસે બે શખ્સોને પકડીને હત્યાનાં ગુનામાં જેલમાં ધકેલી દીધા હતા. કોર્ટમાં આ કેસ શરૂ થતા જેની હત્યા થઈ હતી. તે શખ્સ કોર્ટ સમક્ષ ફિલ્મી ઢબે હાજર થતાં ચકચાર મચી હતી.

મીડિયા અહેવાલ મુજબ, કોર્ટે આરોપી લેખાયેલા બંન્ને શખ્સોને નિર્દોષ જાહેર કરી પોલીસ ઈન્સ્પેક્ટરને બંન્ને શખ્સોને દંડ પેટે રૂ.50-50 હજારનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો. મરનાર શખ્સ જો જીવંત છે. તો હત્યા કરાયેલી લાશ કોની હતી? પોલીસની તપાસ સામે ખૂબ મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. પાંચ વર્ષ અગાઉ નવસારી નજીક વેસ્મા ગામે આવેલી ને.હા.નં.48 પર ઈબ્રાહીમ દિલેરનાં ખેતરનાં શેઢા પાસે એક બિનવારસી લાશ મળી હતી.

પોલીસે આ લાશ મૂળ મધ્યપ્રદેશનાં શ્રમજીવી યુવાન કે જે આરકે સિસોદ્રા ગામે આવેલી મેજીક્રેટ કંપનીમાં કામ કરતો નાગુલાલ કારસીંગ ગાયરીની હોવાની ઓળખ થઇ હતી. અને તેની હત્યાના ગુનામાં તેની સાથે કંપનીમાં કામ કરતા મદન સુખલા પીપલાદી (ઉ.વ.20) અને સુરેશ ઉર્ફે નાચણ જીયાણી બાટેલા (ઉ.વ.21, બંન્ને રહે.પલસુત જી.બડવાની મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.

મરનારની લાશ પરિવારને સોંપતા તે પોતાના વતનમાં લઈ જઈ અંતિમ સંસ્કાર કરી દીધા હતા. બીજી તરફ નવસારી રૂરલ પોલીસનાં તપાસકર્તા તે સમયનાં પોલીસ ઈન્સ્પેકટર પ્રદીપસિંહ ગોહિલે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. દરમિયાન નાગુલાલ ગાયરી જે પોતાનાં સંબંધીનાં ગામે રહેતો હતો.

તેને ખબર પડી કે તેના પરિવારે તેની શોકસભા રાખી છે? આથી તે પોતાના ઘરે ગયો હતો. અને પોતે જીવિત હોવાનું જણાવી તમે કોની લાશનાં અંતિમ સંસ્કાર કાર્યા હતા? એવો પ્રશ્ન પૂછતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આથી પરિવાર સાથે નાગુલાલ નવસારી રૂરલ પોલીસમાં આવ્યો હતો. પોતે નાગુલાલ હોવાનાં કાગળ પુરાવા રજુ કર્યા હતા. પરંતુ પોલીસે આ વાતની કોઈ ગંભીરતા લીધી ન હતી.

આથી નાગુલાલ નવસારી કોર્ટમાં હાજર થઈને પોતાનાં જરૂરી ડોક્યુમેન્ટ કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. આમ જેની હત્યા થઈ હતી. તે શખ્સ પોતે પુરાવા સહિત હાજર થતા સમગ્ર હત્યા કેસ ફારસરૂપ બની જતાં ન્યાયાધીશ સારંગા વ્યાસ તપાસકર્તા પોલીસ ઈન્સ્પેકટર ઉપર ભડક્યા હતા. તેમણે આ હત્યાકેસમાં આરોપી દર્શાવેલા મધ્યપ્રદેશનાં મદન પીપલાદી અને સુરેશ બાટેલાને નિર્દોષ જાહેર કરી છોડી મુકવા હુકમ કર્યો હતો.

અને પોલીસ તપાસની ઝાટકણી કાઢી નિર્દોષ લોકોને પાંચ વર્ષ સુધી જેલમાં હત્યાના ગુનાના કલંક સાથે રાખી તેમને સામાજિક રીતે માનસિક અને શારીરિક ત્રાસ સહન કરવા બદલ તપાસ અધિકારીને દંડ બંન્ને શખ્સોને વળતર પેટે રૂ.50-50 હજાર એક મહિનામાં ચુકવવાનો હુકમ કર્યો હતો.

તપાસ અધિકારીએ સાચી હકીકત જાણ્યા બાદ પણ કોર્ટથી છુપાવી

હત્યા કરાયેલો શખ્સ જ્યારે જીવિત પોલીસ સમક્ષ પુરાવા સહિત રૂબરૂ હાજર થયો હતો. ત્યારે પોલીસ કોર્ટ સમક્ષ તપાસમાં થયેલી ભૂલનો સ્વીકાર કરીને કેસ કાઢી નાંખવા માટે સી-સમરી દાખલ કરી શકી હોત. પરંતુ તપાસ અધિકારીએ કોર્ટ સમક્ષ સાચી હકીકત જાણવા છતાં છુપાવી હતી. અને જેની હત્યા જ થઈ નથી તેના કેસમાં નિર્દોષ લોકોને સજા અપાવવા માટે કેસ ચાલુ રાખવા ન્યાયાધીશે દંડ તરીકે રૂ.50-50 હજાર ભોગ બનનારને વળતર તરીકે ચુકવવા હુકમ કર્યો છે. જે સમગ્ર પોલીસ બેડા માટે કલંકરૂપ ઘટના છે.

તા.14-7-2016ની રાત્રે શું બન્યું હતું?

નવસારીનાં આરક સિસોદ્રા ગામે સીમેન્ટ બ્લોક બનાવતી મેજીક્રેટ કંપનીમાં મધ્યપ્રદેશનાં શ્રમજીવી કામ કરીને ત્યાંજ કાચા બનેલા ઘરોમાં રેહ છે. હત્યા કેસમાં પોલીસે આરોપી બનાવેલા મદન પીપલાદી, સુરેશ બાટેલા તેમજ પોલીસ ચોપડે જેની હત્યા થઈ હતી તે નાગુલાલ ગાયરી પણ રહેતા હતા.

નાગુલાલ ગાયરીનાં તેની પત્ની સાથે છુટાછેડા થયા હોવાથી તે એકલો જ રહેતો હતો. જ્યારે મદન અને સુરેશ તેમની પત્ની સાથે રહેતા હતા. તા.14-7-2016નાં રોજ રાત્રે નાગુલાલ કામ ઉપરથી આવીને પોતાની ખોલીમાં સૂઈ ગયો હતો. પરંતુ રાત્રે ભૂખ લાગતા તે ઉઠીને મદનની ખોલીમાં ખાવાનું લેવા ગયો હતો.

અંધારામાં નીચે સુતેલી મદનની પત્નીને તેનો પગ લાગતા તે જાગી ગઈ હતી. આથી ગભરાયેલો નાગુલાલ ખોલીમાંથી અંધારામાં ભાગી ગયો હતો. તેને મનમાં ડર લાગ્યો કે મદનની પત્ની તેને ઓળખી લીધો હોવાથી સવારે મદન ઝઘડો-મારામારી કરવા આવશે. આથી તે રાતોરાત કંપની છોડી વતનમાં ભાગી જઈ સંબંધીના ઘરે રહેવા લાગ્યો હતો.

દરમિયાન વેસ્મા હાઈવે પાસે એક અજાણ્યા શખ્સની હત્યા કરાયેલી લાશ મળી હતી. જેનો દેખાવ અને લંબાઈ વગેરે નાગુલાલ સાથે મેચ થતી હતી. નાગુલાલ ગાયબ હતો. તપાસ દરમિયાન પોલીસને તા.14-7-2016ની રાત્રિની ઘટનાની જાણ થઈ હતી. અને પોલીસે મદન અને સુરેશને નાગુલાલની હત્યાના આરોપમાં ધરપકડ કરી લીધી હતી.

પોલીસની થીયરી મુજબ નાગુલાલ એકલો હતો. અને તે મદનની પત્નીની છેડતી માટે રાતના અંધારામાં તેના ઘરમાં ઘુસ્યો હતો. જ્યાં મદનની પત્નીની બૂમાબૂમથી જાગી ગયેલા મદન અને સુરેશ તેને મારા માર્યો અને નાયલોન દોરીથી ગળે ફાંસો આપી તેની હત્યા કરી હતી. અને લાશને વેસ્મા હાઈવે નજીક ફેંકી દીધી હતી!

Facebook Comments Box

Videos

Our Partners