- પોલીસે ટેકનીકલ એનાલીસીસ પર વધારે ધ્યાન કેન્દ્રીત કરીને તપાસ શરૂ કરી છે
- પતિએ પહેલા પરીવારને બેહોશ કર્યા બાદમાં તેમની હત્યા કરી હોવાનું અનુમાન
- પોલીસ પીએમ રીપોર્ટ પર નજર રાખી રહી છે
WatchGujarat.રાજ્યમાં ભારે ચર્ચીત કેસને લઇને મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ વિરાટનગરમાં એક જ પરીવારના ચાર સભ્યોની હત્યા કરી ફરાર થયેલા પતિને શોધવા માટે પોલીસની અલગ અલગ ટીમો ત્રણ રાજ્યોમાં મોકલવામાં આવી છે. આરોપી પતિના લોકેશનને પણ ટ્રેક કરવામાં આવતુ હોવાથી સતત ફરતું ફરતુ હોવાનુ સામે આવી રહ્યુ છે. જેના કારણે પોલીસે ટેકનીકલ એનાલીસીસ પર વધારે ધ્યાન કેન્દ્રીત કરીને તપાસ શરૂ કરી છે સાથે જ પોલીસને એવી શંકા છે કે, પતિએ પહેલા પરીવારને બેહોશ કર્યા બાદમાં તેમની હત્યા કરી હોવાનું અનુમાન છે. પોલીસ પીએમ રીપોર્ટ પર નજર રાખી રહી છે.
મળતી માહિતી મુજબ ઓઢવના વિરાટનગરમાં આવેલી દિવ્યપ્રભા સોસાયટીના મકાન નંબર 30માં એક પરીવારના 4 સભ્યોની હત્યા કરાયેલી હાલતમાં ગઇ કાલે મોડી રાત્રે મૃતદેહ મળી આવ્યા હતા. જેના પગલે પોલીસના કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પીએમ માટે મોકલી આપી તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પતિ વિનોદ પત્ની સોનલ , દિકરા ગણેશ, દિકરી પ્રગતી અને પત્નીની નાની સુભદ્રા ની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. જેના કારણે પોલીસે પતિ વિનોદને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.
ક્રાઈમ બ્રાંચ સહિતની એજન્સીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન પરિવાર 15 દિવસ પહેલા જ દિવ્યાપ્રભા સોસાયટીમાં રહેવા આવ્યા હોવાનું સામે આવ્યુ હતુ. જેના કારણે પોલીસે આ પરિવાર પહેલા ક્યાં રહેતો હતો તે અંગે તપાસ કરી હતી. પરિવાર પહેલા નિકોલ રહેતો હતો. સગા સંબંધીઓની પુછપરછમાં બહાર આવ્યું હતું કે, પતિ વિનોદ અને પત્ની સોનલ વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા હોવાનું સામે આવ્યુ હતુ. પતિ વિનોદ પત્ની સોનલના ચારિત્ર પર શંકા રાખતો હોવાથી રોજબરોજ ઝઘડાઓ થતા હતા. જેના પગલે પોલીસને શંકા હતી કે, વિનોદે જ તેના પરિવારની હત્યા કરીને ફરાર થઈ ગયો હશે. જેથી પોલીસે હાલ તો તેને શંકાના દાયરામાં લઈ તેને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી.
વિનોદના મોબાઈલના લોકેશનના આધારે તેને ટ્રેક કરવાનું પણ શરૂ કરી દીધુ હતુ. જો કે વિનોદનુ લોકેશન અલગ અલગ જગ્યાઓ પર બતાવતુ હતુ. જેથી પોલીસે વિનોદને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યોમાં ટીમોને મોકલી આપી છે. સાથે જ પોલીસે સંબંધીઓની પણ પુછપરછ હાથધરી છે.વિનોદે અલગ અલગ રૂમમાં એક એક સભ્યોની હત્યા કરી હોવાનું અનુમાન છે. કેમ કે, ત્રણ મૃતદેહ અલગ અલગ બેડરૂમમાં જ્યારે બાળકનો મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યા હતા. પોલીસને શંકા છે કે, વિનોદે તેના પરીવારને બેહોશ કરીને અલગ અલગને મોતને ઘાટ ઉતારી દીધા હશે.
પોલીસે મૃતક પરીવારના સંબંધીઓની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યુ હતુ કે, 20 દિવસ પહેલા પરીવાર જ્યારે નિકોલમાં રહેતો હતો ત્યારે પતિ પત્ની વચ્ચે મોટો ઝઘડો પણ થયો હતો અને વિનોદે સોનલ સાથે મારઝુડ પણ કરી હતી. જો કે ત્યાર બાદ પરીવાર વિરાટનગરમાં રહેવા ચાલી આવ્યો હતો.
પોલીસે ઘરમાં કોઈને પ્રવેશ આપ્યો નથી પોલીસે એફએસએલની મદદ લીધી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે કબ્જે કર્યા છે. જોકે હત્યામાં વપરાયેલું હથિયાર પણ મળી આવ્યું નથી. પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. જોકે હજુ સુધી હત્યાનું કારણ પણ પોલીસ શોધી શકી નથી.
પોલીસે આરોપીને પકડવા માટે સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, ઝોન 5 ડીસીપીની એલસીબી ટિમ સહિત ની ટિમો કામે લાગી છે. તેવામાં સોનલની માતાની પોલીસે પૂછપરછ લરી તેમાં બહાર આવ્યું હતું કે, વિનોદ તે વખતે પણ છરો લઈને ફરતો હતો. ઘરમાંથી એક છરાનું કવર મળી આવ્યું છે.પોતાની સાસુનું મકાન તેની દીકરી એટલે પોતાની પત્નીને નામે કરી દે તે માટે સાસુ સાથે ઝઘડો કરતો હતો એક વખત સાસુ પર જીવલેણ હુમલો પણ કર્યો હતો. વિનોદ પત્ની સાથે વારંવાર ઝઘડો કરી તેને પણ માર મારતો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે 26મી તારીખે વિનોદે ઘરમાં સાસુ સહિત તમામ લોકોને જમવા માટે આમંત્રણ આપ્યું હતું. તે દિવસે સાસુ મોડા પહોંચ્યા અને ઘરમાં દીકરી વડસાસુ અને બાળકોની હત્યા કરી વિનોદ ભાગી ગયો હતો.