• આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ
  • પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન આવે તે માટે ઓખા પોલીસે કરી સરાહનીય કામગીરી
  • દરિયા કિનારેથી વિદ્યાર્થીઓને અવરજવર માટે ઓખા મરીન પોલીસે સરકારી બોટની વ્યવસ્થા કરી
  • પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે ઓખા પોલીસે શુભેચ્છા પાઠવી

WatchGujarat. રાજયભરમાં વિધાર્થીઓની કારર્કિદીમાં મહત્વની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ છે. જેમાં રાજ્યના 14.98 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આજે પરીક્ષાના પહેલા દિવસે વિદ્યાર્થીઓમાં ઉત્સાહની લહેર જોવા મળી હતી. વિદ્યાર્થીઓ સમય પહેલા જ પોતાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા. ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખામાં દરિયાકિનારાની આસપાસના વિસ્તારમાં રહેતા બાળકોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે હેતુ થી ઓખા પોલીસ દ્વારા ખાસ સુવિધા ઊભી કરવામાં આવી હતી.

આજરોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે ઓખા પોલીસે સરાહનીય કામગીરી કરી છે. વિદ્યાર્થીઓ દરિયા કાંઠેથી પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે તે માટે ઓખા પોલીસે સરકારી બોટની વ્યવસ્થા કરી હતી. જેના કારણે અનેક બાળકોને અવરજવરમાં સરળતા મળી હતી. અને તેઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શક્યા હતા. ઓખા પોલીસની આ કામગીરીના કારણે વિદ્યાર્થીઓને ખુબ મદદ મળી હતી. આ ઉપરાંત ઓખા પોલીસ જવાનોએ પરીક્ષા આપવા જઈ રહેલા બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પણ પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈને બેઠક વ્યવસ્થા, પોલીસ વ્યવસ્થા, જાહેરનામાનો અમલ, બિલ્ડીંગો પર લાઈટ પાણીની વ્યવસ્થા, એસ.ટી.બસ સમયસર આવે તે તમામ વ્યવસ્થા અને તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.આજે ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે, જેમાં 14.98 લાખ વિદ્યાર્થી રાજ્યભરમાંથી પરીક્ષા આપવાના છે. રાજ્યમાં આજે ધોરણ 10ના 9.64 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે.

આ ઉપરાંત જામનગરમાં ધો.10 અને 12 ની પરીક્ષા માટે પરીક્ષા કન્ટ્રોલ સ્થળ જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી રહેશે. જેમાં પરીક્ષા કન્ટ્રોલરૂમ તા.27 માર્ચથી 12 એપ્રિલ સુધી સવારે 7 થી રાત્રીના 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જેના નંબર 0288-2553321 રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પરીક્ષા કન્ટ્રોલ રૂમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી 02833-235973 કાર્યરત રહેશે.

Facebook Comments Box

Videos

Our Partners