• બાંધકામ બાકી હોવાથી દર્દીઓને દવાઓ તેમજ રિપોર્ટ માટે હાલાકી ભોગવવી પડે તેમ છે
  • દર્દીઓને દવા આપવા માટે મેડિકલ સ્ટોર ઉપલબ્ધ નહીં હોય કેમ કે કોન્ટ્રાક્ટર કંપનીએ મેડિકલ સ્ટોરનું કામ પૂર્ણ કર્યું નથી
  • લેબોરેટરી રૂમમાં દરવાજા ફિટ કરવાના બાકી હોવાથી કોઈ દર્દીનો લેબ ટેસ્ટ પણ કરી શકાશે નહીં

 WatchGujarat.ગુજરાતની સૌપ્રથમ એઈમ્સ હોસ્પિટલમાં આવતીકાલથી ઓપીડી શરૂ કરી દેવામાં આવનાર છે. જો કે આ ઓપીડી સાવ ધડ – માથા વગરની હશે તેમ કહેવામાં અત્યારે કોઈ અતિશ્યોક્તિ લાગી રહી નથી. કારણ કે, હાલ એઇમ્સ માટે ડૉક્ટર્સની ફોજ તૈયાર છે. પરંતુ બાંધકામ બાકી હોવાથી દર્દીઓને દવાઓ તેમજ રિપોર્ટ માટે હાલાકી ભોગવવી પડે તેમ છે. આ પાછળ બિલ્ડિંગનાં નિર્માણ માટે કેન્દ્ર સરકારે નીમેલી હોસ્પિટલ સર્વિસીઝ કન્સલ્ટન્સી કોર્પોરેશન લિમિટેડ (HHCC) જવાબદાર છે.

એઈમ્સના સૂત્રોએ જણાવ્યા મુજબ, હાલ એઈમ્સની ઓપીડીમાં દર્દીઓની સારવાર કરવા માટે ડૉક્ટરોની ટીમ તૈનાત રહેશે. પરંતુ દર્દીઓને દવા આપવા માટે મેડિકલ સ્ટોર ઉપલબ્ધ નહીં હોય કેમ કે કોન્ટ્રાક્ટર કંપનીએ મેડિકલ સ્ટોરનું કામ પૂર્ણ કર્યું નથી. ઉપરાંત લેબોરેટરી રૂમમાં દરવાજા ફિટ કરવાના બાકી હોવાથી કોઈ દર્દીનો લેબ ટેસ્ટ પણ કરી શકાશે નહીં. જો કે હાલ ડૉક્ટરોને બેસવા માટે 5 રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. અને કાલથી દર્દીઓ એઈમ્સમાં આવીને આ ડૉક્ટરોને મળી શકશે. પરંતુ એઈમ્સ સુધી પહોંચવા માટે બસ સહિતની કોઈ સુવિધા હજુ ચાલુ થઈ ન હોવાથી દર્દીઓએ પોતાની રીતે પહોંચવું પડશે.

લેબોરેટરી સહિતના વિભાગોમાં ઉપયોગમાં લેવા માટે દિલ્હીથી તમામ પ્રકારના સાધનો મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ તેને ઈન્સ્ટોલ કરવાની અત્યારે જગ્યાઓ નહીં હોવાથી ઈન્સ્ટોલેશન શક્ય નથી. બાંધકામ બાકી હોય ફર્નિચર પણ ફિટ કરી શકાય તેમ નથી. ત્યારે હાલ તો એઈમ્સ બિલ્ડિંગમાં તબીબી વિદ્યાર્થીઓ માટે ક્લાસીસ સિવાય બીજું કશું જ લોકોપયોગી કામ શરૂ થાય તેવી સંભાવના દેખાતી નથી. હાલ ENT, ગાયનેક, સર્જરી, ફેફસા-કિડની સહિતનાં સ્પેશ્યાલિસ્ટ તબીબો તૈનાત કરાયા છે. પરંતુ આ ડૉક્ટરો માત્ર નિદાન જ કરી શકશે સસ્તા ભાવે દવાઓ કે કોઈ પ્રકારનો ટેસ્ટ કરાવવા માટે લેબોરેટરી સહિતની વ્યવસ્થા જ થઈ શકી નથી.

કોન્ટ્રાક્ટર કંપનીએ 6 મહિનામાં ત્રણ તારીખ આપી છે. અને એકમાં પણ કામ પૂરૂ કરી શકી નથી. કંપનીએ સૌ પહેલાં કહ્યું હતું કે નવેમ્બર મહિના સુધીમાં ઓપીડી બિલ્ડિંગનું કામ પૂરું થઈ જશે. એટલે 1 ડિસેમ્બરથી ઓપીડી શરૂ કરવા તૈયારી કરાઈ હતી. જો કે નવેમ્બર સુધીમાં કામ પૂરું નહીં થતાં કંપનીએ 15 ડિસેમ્બરની અને ત્યારબાદ 27 ડિસેમ્બરની મુદત આપી હતી. પણ આજે 30 ડિસેમ્બર આવી ગઈ હોવા છતાં કામ પૂરું થયું નથી. જેને લઈને હવે તેની ફરિયાદ કેન્દ્ર સરકારને કરવામાં આવશે. એઈમ્સ પૂરપાટ ઝડપે શરૂ થશે ત્યારે તેનું ઉદ્ઘાટન રંગેચંગે કરવાનો એઈમ્સની ટીમનો નિર્ધાર છે. અને આ ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે થાય તે માટે કવાયત ચાલી રહી છે.

એઈમ્સ માટે 17 નોન એકેડેમિક સિનિયર તબીબોના નામ જાહેર : 3 ડોકટર સિવિલ હોસ્પિટલના

રાજકોટ એઇમ્સ દ્વારા નોન એકેડેમિક સિનીયર રેસિડેન્ટ ડૉક્ટરની ભરતીમાં નિમણૂક પામેલા 17 ડોક્ટર્સની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં પીડીયુ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સિનીયર રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા પેથોલોજી વિભાગમાં ડૉ. ઋશાંગ દવે, માઇ ક્રોબાયોલોજી વિભાગમાં ડૉ. કિલ પરમાર તથા સર્જરી વિભાગમાં ડૉ. રાહુલ ખોખરની નિમણૂક થઈ છે. આ સિવાયનાં તબીબોમાં પેથોલોજીમાં રિધ્ધિ પરમાર, કોમ્યુનિટી એન્ડ ફેમિલી મેડિસનમાં સિવા પેનતાપતિ, ડર્મેટોલોજીમાં જય મોઢા, રેડિયોલોજીમાં અનુરાગ મોદી, ઇ. એન. ટી.માં પાયલ વાઢેર, એનેસ્થેસિયો- લોજીમાં મિલન દવે, ઓબસ્ટેટ્રીકસ એન્ડ ગાયનેકોલોજીમાં મેધાવી શર્મા, પલ્મોનરી મેડીસીનમાં અનેરી પારેખ, જનરલ સર્જરીમાં રાહુલ ખોખર, ઓર્થોપેડીકસમાં ઉમંગ વડેરા, જનરલ મેડિસીનમાં કરણ વાછાણી, પીડિયાટ્રીકસમાં દેવહુતી ગોધાણી, સાયક્યાટ્રીમાં દિશા વસાવડા, ડેન્ટીસ્ટ્રીમાં હિરલ કારીયા અને પ્રલ પુજારીની પસંદગી થઈ છે. ઉલ્લેખનીય છે કે આ નોન એકેડેમિક સિનીયર રેસિડેન્ટ ડૉક્ટરની આશરે 20 જેટલી ભરતી માટે ઈન્ટરવ્યુ ગત સપ્તાહે યોજાયા હતા. જેમાં ગુજરાત તથા અન્ય રાજ્યોની વિવિધ મેડિકલ કોલેજના આશરે 50થી વધુ MD/MS ડૉક્ટર ઉમેદવારોએ ભાગ લીધો હતો.

Facebook Comments Box

Videos

Our Partners