• ચીફ ઓફિસર અને પ્રમુખની ઓફિસમાં ચડ્ડો, કેપ્રી, બંડી જેવા ટૂંકા વસ્ત્રો પહેરી આવનારા પાસેથી દંડની વસુલાત કરાશે
  • મહિલા કર્મીઓ ક્ષોભજનક સ્થિતિમાં ન મુકાય તે માટે આ નિર્ણય લેવાયો
  • ચીફ ઓફિસર અને પ્રમુખની ચેમ્બર સહીત તમામ જગ્યાએ દીવાલ પર લાલ અક્ષરે નોટિસ લગાવી

WatchGujarat. ગુજરાતની એક નગરપાલિકાના ચીફ ઓફિસરે અને પ્રમુખની ઓફિસ પાસે ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આણંદ જિલ્લાની બોરિયાવી નગરપાલિકાના ચીફ ઓફિસર મિલાપ પટેલે આદેશ આપ્યો છે કે, નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની ઓફિસ પાસે ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ કરવો નહીં. ચીફ ઓફિસરે પ્રતિબંધ ફરમાવીને આવા કપડાં પહેરીને આવનારા પાસે દંડની વસુલાત કરવાનું ફરમાન જારી કર્યું છે.

આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરે મીડિયાને કહ્યું કે, નગરપાલિકામાં છેલ્લા કેટલાંક સમયથી કેટલાંક લોકો કોઇ કામ અર્થે આવે ત્યારે કેપરી કે ટૂંકા ચડ્ડા પહેરીને આવતાં હતા. જેથી ઓફિસમાં કામ કરતી મહિલા કર્મચારીઓ ક્ષોભ અનુભવતી હતી. ટૂંકા વસ્ત્રો પહેરીને પુરુષો જેમતેમ બેસતા હતા, જેથી જોનારને પણ શરમ અનુભવાતી હતી. આ બાબત અમારા ધ્યાને આવી હતી. મહિલા કર્મીઓ ક્ષોભજનક સ્થિતિમાં ન મૂકાય તે માટે આ નિર્ણય લેવાયો છે. નગરપાલિકામાં મહિલા કર્મચારીઓ સામે કેતલાક મુલાકાતીઓ ટૂંકા વસ્ત્રો પરિધાન કરી અસ્તવ્યસ્ત બેસ્ટ હોવાની ફરિયાદ મળ્યા પછી સૂચનાઓ આપવા છતાં કોઈ પાલન ના કરતા આ ફરમાન જારી કરવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર બોરીયાવી નગરપાલિકાના ચીફ ઓફિસરે તાત્કાલિક ચીફ ઓફિસર અને પ્રમુખની ચેમ્બર સહીત તમામ જગ્યાએ દીવાલ પર લાલ અક્ષરે નોટિસ લગાવી આવા વસ્ત્રો પહેરી કચેરીમાં ના આવવાની સૂચના લગાવી દીધી છે. પ્રમુખ કે ચીફ ઓફિસર ઓફિસમાં કોઇ પણ વ્યકિત કામ અર્થે આવે ત્યારે ટૂંકા વસ્ત્રો પહેરવા નહીં અને તેમ છતાં કોઇ ટુંકા વસ્ત્રો પહેરી આવેલા માલુમ પડશે તો તેઓની પાસેથી દંડ વસૂલવામાં આવશે એવી સૂચના લગાવી દેવાઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud