• કોરોનાની નવી ગાઈડલાઈન અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગત રોજ જાહેરાત કરી હતી
  • રાજ્યના આઠ મહાનગરોમાં 7 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત રાખવાનો સરકારે નિર્ણય કર્યો
  • કર્ફ્યુ બાબતે રાજ્ય સરકારનો પરિપત્ર આજે બહાર પાડવામાં આવ્યો છે
  • કોરોનાની નવી ગાઈડલાઈન અંગેના આ પરિપત્રમાં જાહેરમાં થૂકવા પર દંડ વસૂલવાનો આદેશ

WatchGujarat. રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણે ધ્યાને રાખીના સરકાર દ્વારા વિવિધ નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. જેમાં ગત રોજ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા 8 શહેરોમાં રાતના 11થી સવારના 5 વાગ્યાનો રાત્રિ કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત સરકારના આ નિયંત્રણો અંગે આજે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં એક બાબતને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં એકાએક કોરોના કેસ વધતા તંત્ર સફાળુ જાગ્યું છે. જેને પગલે એક પછી એક કડક નિયંત્રણો રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવી રહ્યા છે. આજે રાજ્ય સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત મુજબ જણાવ્યું છે કે, આગામી 7 જાન્યુઆરી સુધી રાજ્યના આઠ મહાનગરોમાં રાતના 11થી સવારના 5 વાગ્યાનો રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે જાહેરમાં થૂંકવાની બાબત પર પરિપત્રમાં ખાસ ઉલ્લેખ કરાયો છે.

રાજ્ય સરકારના આ પરિપત્રમાં જણાવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ જાહેરમાં થૂંકતા ઝડપાશે તો તેની પાસેથી દંડ વસૂલવામાં આવશે. આ નવા નિયમના કારણે હવે પોલીસ તંત્ર અને આરોગ્ય તંત્રના કામનું ભારણ વધશે. હવે તેમણે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની સાથે સાથે લોકો જાહેરમાં થૂંકે નહીં તે અંગેનું પણ ધ્યાન રાખવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે ભારતભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી હતી ત્યારે સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક અને જાહેરમાં ન થૂંકવા અંગે નિયમો લાવવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં આ નિયમો ફરી લાદવામાં આવ્યા છે જેથી લોકોને ચેતવાની જરૂર છે.

મહત્વનું છે કે ગત 29મી ડિસેમ્બરે કોરોના વિસ્ફોટ થતાં જ સરકાર દોડતી થઈ છે. જેને પગલે વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા આ કડક નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. હાલ કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટને લઈને લોકોમાં દહેશત જોવા મળી રહી છે. કોરોના કેસ વધતા જ મહારાષ્ટ્ર અને દિલ્હીની સરકારોએ રાજ્યમાં નિયંત્રણો લાદી દીધાં છે. જાહેરમાં ફરજિયાત માસ્ક પહેરવા પર લોકોમાં ઘણી બેદરકારી જોવા મળી છે. ત્યારે હવે જાહેરમાં થૂંકવા અંગે આવેલા આ નવા નિયમનું લોકો પાલન કરે છે કે કેમ તે જોવાનું રહ્યું.

Facebook Comments Box

Videos

Our Partners