• તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો અને શહેરા સંગઢનના કાર્યકરો તથા દુકાનદારોએ સૂત્રોચ્ચાર કરી ખુશી મનાવી
  • શહેરાના મામલતદાર મેહુલ ભરવાડની ડાંગ આહવા બદલી થતાં લોકોમાં ખુશીનો માહોલ
  • અગાઉ પણ શહેરા તાલુકાના ટીડીઓ સહિત ચાર લાંચ કેસમાં ઝડપાતા આ રીતે જ ઉજવણી કરવામાં આવી હતી

WatchGujarat. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની મામલતદાર કચેરી ખાતે આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરા મામલતદાર કચેરી બહાર લોકોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરી હતી. આ ઉજવણીનું કારણ જાણીને કોઈને પણ આશ્ચર્ય થશે. કોઈ તહેવાર કે ઉત્સવ માટે નહીં પરંતુ મામલદારની બદલી થતાં લોકોએ આ રીતે ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે શહેરા તાલુકાના મામલદાર મેહુલ ભરવાડની તાજેતરમાં જ ડાંગના આહવા ખાતે બદલી કરવામાં આવી છે. આ વાતની જાણ થતાં સ્થાનિકોની ખુશીનો પાર નહોતો રહ્યો. અગાઉ પણ શહેરા તાલુકાની ટીડીઓ ઝરીના અન્સારી સહિત ચાર લાંચ કેસમાં ઝડપાતા લોકોએ આ રીતે જ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

લોકોએ ફટાકડા ફોડ્યા અને મામલતદાર કચેરીની બહાર મીઠાઈ પણ વહેંચાઈ

આ દ્રશ્યો જોતા અંદાજો લગાવી શકાય છે કે લોકો તાલુકાના અધિકારીઓથી કેટલાં ત્રાસી ગયા હશે કે તેમની બદલી થવા પર આ રીતેની ઉજવણી કરવામાં આવી રહી છે. અશ્ચર્યની વાત તો એ છે કે આ ઉજવણીમાં સ્થાનિક લોકોની સાથે સરપંચ, શહેરા તાલુકા પંચાયતના સભ્યો, પંચમહાલ જીલ્લા પંચાયતના સભ્યો, શહેરા સંગઠનના કાર્યકરો તથા દુકાનદારો પણ સામેલ હતા. આ પરથી લાગી રહ્યુ છે કે માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ કચેરીમાં કામ કરતાં લોકો પણ અધિકારીઓથી ત્રસ્ત છે. જેથી જ મામલતદાર મેહુલ ભરવાડની ડાંગના આહવા બદલી થતાં તમામ લોકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેથી જ તમામ લોકોએ મામલતદાર પટાંગણમાં સુત્રોચ્ચાર કરીને ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ખુશીની લાગણી વ્યકત કરી છે.

અગાઉ પણ આ રીતે જ તાલુકા પંચાયત કચેરીની બહાર ઉજવણી કરાઈ હતી

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ શહેરા તાલુકા પંચાયતમાં છેલ્લા ચાર માસથી તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ઝરીના અન્સારી રૂ. બે લાખની લાંચના કેસમાં એસીબીના હાથે આવી ગયાં હતાં અને લાંચની રકમ સ્વીકારવા ગયેલા તાલુકા પંચાયતના કરાર આધારિત ત્રણ કર્મચારીઓ પણ એસીબીના સકંજામાં આવી ગયા હતા. જે બાદ પણ આ રીતે જ પંચાયતના સભ્યો અને સ્થાનિકોએ એકત્રિત થઈ ટીડીઓ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ખુશી મનાવી હતી.

પરંતુ આ ઘટનાથી સરકારી અધિકારીઓને લઈને અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે. મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી જેવા ઉચ્ચ કક્ષાના અધિકારીઓની કામગીરીથી લોકોમાં નારાજગી છે. જેથી જ તેમની બદલી થવા પર લોકો તહેવારની જેમ ઉજવણી કરી રહ્યા છે. માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ તેમની સાથે કાર્ય કરતાં કર્મચારીઓ પણ તેમના થઈ ત્રસ્ત થઈ ગાય હશે તેવું લાગી રહ્યું છે. જો રીતેની જ પરિસ્થિતિ રહેશે તો આવનાર સમયમાં સામાન્ય નાગરિકનો સરકાર પરથી વિશ્વાસ પણ ઉઠી જશે તેવી શક્યતાઓ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud