• પાર-તાપી-નર્મદા લિંક યોજના હાલ પૂરતી સ્થગિત કરાવનો કેન્દ્ર સરકારનો નિર્ણય
  • આ યોજનાના અસરગ્રસ્ત આદિવાસીઓના ઉગ્ર વિરોધના પગલે નિર્ણય લેવાયો
  • રિવર લિંક યોજનાના વિરોધમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ગાંધીનગર પહોંચ્યા હતા
  • ભાજપના આદિવાસી એમપી-એમએલએ, રાજ્યકક્ષાના મંત્રી નરેશ પટેલ પણ આદિવાસીઓના સમર્થનમાં હાજર રહ્યાં

WatchGujarat. તાજેતરમાં પાટનગર ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં આદિવાસીઓ ભેગા થઈ પાર-તાપી-નર્મદા લિંક યોજના સામે ઉગ્ર વિરોધ દાખવ્યો હતો. જેને પગલે હવે કેન્દ્ર સરકારે પાર-તાપી-નર્મદા લિંક યોજના સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે ભાજપના જ કેટલાક આદિવાસી નેતાઓ, ધારાસભ્યો અને મંત્રીએ પણ આદિવાસીઓના વિરોધના પક્ષમાં સૂર પુરાવ્યો હતો.

આદિવાસીઓના વિરોધને પગલે પાર-તાપી-નર્મદા લિંક યોજના સ્થગિત

મીડિયા અહેવાલ મુજબ ગઈ કાલે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને દિલ્હી ખાતે ગયેલા ગુજરાતના ભાજપના આદિવાસી સાંસદો તથા ધારાસભ્યોના પ્રતિનિધિમંડળ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાણાં મંત્રી નિર્મલા સિતારામન તથા સિંચાઈ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા આ મુદ્દે એક ખાસ બેઠક યોજાઈ હતી. જેમાં પાર-તાપી-નર્મદા લિંક યોજના હાલ પુરતી આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે. આ બેઠક અંગે મંત્રી નરેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, દર વખતે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસને આ યોજના યાદ આવે છે. કોંગ્રેસના નેતાઓ આદીવાસીઓને ગેરમાર્ગે દોરીને રાજકીય લાભ લેવા માગે છે. આ વખતે પણ ટ્રાઈબલ પટ્ટામાં આંદોલન કરાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્નો કોંગ્રેસે કર્યા છે.

શું છે સમગ્ર મામલો

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા 2022-23ના બજેટમાં પાર-તાપી-નર્મદા રીવર લીન્ક યોજનાનો સમાવેશ કર્યો હતો. જેની જાહેરાત લોકસભામાં કરતા દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટી પરના ગામોમાં ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. આ યોજના હેઠળ ધરમપુરના પૌખેડ, ચાસમાંડવા સહિતના ગામોમાં સૂચિત ડેમને લઈને હજારો પરિવારો વિસ્થાપિત થઈ જશે તેવા ડરને કારણે પૈખેડ ડેમ હટાવ સમિતિના નેજા હેઠળ પાર-તાપી-નર્મદા રીવર લીન્ક યોજનાનો વિરોધ શરૂ થયો હતો. ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં મહત્વની કહેવાય તેવી અને વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા, ડાંગ, વાંસદા સહિતના આદિવાસી પટ્ટી પરના ગામોને આ યોજના અસર કરતી હતી.

આદિવાસીઓના ઉગ્ર વિરોધ બાદ બહુ મોડે-મોડે ડેમેજ કંટ્રોલ કરવા મેદાને ઉતરેલા ગુજરાત સરકારના મંત્રીઓએ ડેમ બનવાનો નથી અને કોઈ વિસ્થાપિત થવાના નથી તેવું જાહેરમાં નિવેદન આપવા છતાં આદિવાસી નેતાઓ વાત માનવા તૈયાર નહોતાં. નોંધનીય છે કે ગુજરાત સરકારે રજૂ કરેલા બજેટ 2022-23માં પણ આ યોજના અંગે કોઈ જોગવાઈ કરી નથી.

આ તમામ બાબતોને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે પાર-તાપી-નર્મદા રીવર લીન્ક યોજના સ્થગિત કરી દેવાનો નિર્ણય લીધો હોવાનું સાંસદ ડૉ.કે.સી. પટેલ તથા ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે મીડિયાને જણાવ્યું હતું. દેખીતી રીતે જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં આદીવાસીઓનો આક્રોશ ભાજપને રાજકીય નુકસાન કરાવી શકે તેવી પણ ગણતરી આ નિર્ણય પાછળ હોય તેમ માનવાના પુરતા કારણો છે.

Facebook Comments Box

Videos

Our Partners