• સયાજીગંજ પોલીસ સ્ટેશનના કર્મીઓની પ્રસશંનીય કામગીરી સામે આવી
  • મહિલા આરોપીની પુછપરછ દરમિયાન તેને પ્રસવપીડા થતા હોસ્પિટલ લઈ જવાઈ, જ્યાં તેને એક દિકરીને જન્મ આપ્યો
  • મહિલા અને તેની દિકરીની તબીયત ખુબ સારી અને હાલ તેઓ તંદુરસ્ત છે
  • પોલીસે નિસ્વાર્થ ભાવે કરાતી સેવા એજ ખરી માનવતાનું સુંદર ઉદાહરણ આપ્યું

WatchGujarat. માનવતાના ઘણા બધા ઉદાહરણ આપણે જોયા હશે, પરંતુ નિસ્વાર્થ ભાવે કરાતી સેવા એજ ખરી માનવતા કહેવાય છે. આવી એક ઉદાહરણ રૂપ કામગીરી વડોદરા પોલીસે કરી બતાવી છે. પોલીસ ગુનેગારો ઉપર કડકાઈ પુર્વક કાર્યવાહી કરે છે. તેમજ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાડવી રાખવા પણ પોલીસ દિવસ રાત એક કરી પોતાની ફરજ બજાવે છે. આ બધા વચ્ચે અનેક એવા પડકારો આવતા હોય છે જ્યાં પોલીસે ફરજ નહીં પરંતુ માનવતાને પ્રાથમિક્તા આપી કામગીરી કરવી પડતી હોય છે. આવી જ એક ઉદાહરણ રૂપ પોલીસની કામગીરી સામે આવી છે.

વડોદરાના એસ.ટી ડેપો પર ગત તા.11 નવેમ્બરના રોજ બસમાં ચઢતી મહિલાની નજર ચુકવી તસ્કરોએ તેના થેલામાંથી રૂ. 3.82 લાખના સોનાના દાગીના સેરવી લીધા હોવાનો મામલો સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરી ચોર દંપત્તિને તા.20મીએ ફતેગંજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ દંપત્તિ દાહોદના પર્વત ભાભોર તથા નીશા ભાભોર હોવાનુ તપાસમાં જાણવા મળ્યુ હતું. આરોપી નીશા ભાભોર સગર્ભા હતા અને તેઓને નવમો મહિનો પુરો થઈ ગયો હતો.

મહિલાને પોલીસ સ્ટેશન લાવી તેની પુછપરછ કરતા સમયે તેને અસહ્ય સુવાવડનો દુખાવો ઉપડયો હતો. જે અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશના PI આર.જી.જાડેજાના સુચનથી શી-ટીમના કર્મીઓએ સમય સુચકતા વાપરી મહિલાને તાત્કાલિક એસ.એસ.જી હોસ્પિટલમાં એડમીટ કરાવી હતી. જ્યાં સયાજીગંજ પોલીસ સ્ટેશનનાં કર્મીઓ પોતાના પરિવારના સભ્ય તરીકેની માવજાત લઈ મહિલા સાથે રહ્યા હતા. આ દરમિયાન મહિલાને એક દિકરીનો જન્મ થયો હતો. હાલ મહિલા અને તેની દિકરીની તબીયત ખુબ સારી અને તેઓ તંદુરસ્ત છે. જરૂર પડે ત્યારે કાયદાકીય રીતે તેમજ માનવતાના ધોરણે સયાજીગંજ પોલીસે પ્રસશંનીય કામગીરી કરી છે.

સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનના PI આર.જી.જાડેજા એ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ચોરીના ગુનામાં પકડાયેલ મહિલા આરોપી ગર્ભવતી હતી. ગુનાને લઈ પુછપરછ કરતી વેળાએ મહિલાને પ્રસવપીડા થવા લાગી હતી. તેને ધ્યાને લઈ તાત્કાલીક શી-ટીમ તથા મહિલા પોલીસ કર્મીઓને સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જવા સુચના આપવામાં આવી હતી. સયાજીગંજના પોલીસ સ્ટેશનના કર્મીઓ મહિલા સાથે એક પરિવાર તરીકે રહ્યા હતા. અને તેને એક દિકરીને જન્મ આપ્યો હતો. આ બાદ જ્યારે મહિલાની તબીયત સંપર્ણ સ્વસ્થ થઈ જશે તે પછી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud