• સ્મીમેર હોસ્પિટલમાં સિનિયર રેસિડન્ટ તબીબો દ્વારા રેગીંગનો વધુ એક વિવાદ સામે આવ્યો
  • જુનિયર ડોક્ટરને સ્મીમેર કેમ્પસમાં દોડાવી દોડાવીને સજા આપવામાં આવી હોવાનો વિડીયો વાયરલ
  • ચાર રેસિડન્ટ તબીબોને 60 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા, કેમ્પસમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ

WatchGujarat. વખતોવખત વિવાદમાં રહેલી સ્મીમેર હોસ્પિટલમાં રેગીંગનો વધુ એક વિવાદ સામે આવ્યો હતો. જેમાં સિનિયર રેસિડન્ટ તબીબો દ્વારા જુનિયર ડોક્ટરને સ્મીમેર કેમ્પસમાં દોડાવી દોડાવીને સજા આપવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો બાદ તેના ઘેરા પ્રત્યાઘાત તબીબ જગતમાં પડ્યા હતા. જોકે વિવાદનો આ મામલો બહુ ચગતા આખરે ચાર સિનિયર તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ચાર રેસિડન્ટ તબીબોને 60 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે તેમને કેમ્પસમાં પણ પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

10 દિવસની તપાસને અંતે કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે જુનિયર તબીબો દ્વારા રેગિંગની ફરિયાદ ન કરવામાં આવતાં બિનવ્યવસાયીક વર્તનને આધારે નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં તારીખ 19માર્ચના રોજ ચાર સિનિયર તબીબોએ બે જુનિયર તબીબોને લોબીમાં દોડવાની સજા કરી હતી. આ સમગ્ર પ્રકરણમાં બિનવ્યવસાયીક વર્તન માટે જવાબદાર ચાર સિનિયર રેસિડેન્ટ તબીબ વિદીત, હર્ષ, ધ્રુવ અને ઉત્સવને 60 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તબીબો હવે બે મહિના સુધી સ્મીમેર હોસ્પિટલમાં શૈક્ષણિક અને ક્લીનીક કાર્યવાહી કરી શકશે નહીં તેમજ ભવિષ્યમાં જો તેઓ પોતાનું વર્તન નહીં સુધારે તો વધુ કડક પગલાં ભરવાનું પણ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

જો કે, તપાસ કમિટી સામે હાજર થયેલા અને ઘટનાનો ભોગ બનેલા જુનિયર ડોક્ટરો દ્વારા કોઈપણ પ્રકારની ફરિયાદ કરવામાં આવી નહતી. જેથી સિનીયર રેસિડેન્ટ ડોક્ટરો વિરૂદ્ધ કેવા પગલાં ભરવામાં આવશે તે મુદ્દે સૌની મીટ મંડાઈ હતી. આજે તપાસ કમિટી દ્વારા જે રિપોર્ટ ફાઈનલ કરવામાં આવ્યો છે તેમાં આખા પ્રકરણમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો વિરૂદ્ધ સખ્ત પગલાં ભરવામાં આવ્યા છે. સસ્પેન્ડ તબીબો માટે કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તપાસ કમિટી દ્વારા તેમને બે મહિના સુધી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners