• ખુદ કેન્દ્રના 7 જાહેર સાહસો સરકારની નીતિને ગાંઠતા નથી
  • સંખ્યાબંધ કંપનીઓ સામે કાર્યવાહીને બદલે સરકાર લેટર લખીને સંતોષ
  • 42 કેમિકલ એકમો સામે વર્ષ 2021માં 267 ફોજદારી કેસ કરાયા

WatchGujarat. ગુજરાતમાં ઉદ્યોગોમાં 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવાની નીતિનો ખાનગી જ નહિ પરંતુ સરકારના એકમો ય અમલ કરતાં નથી. ગુજરાતના કેન્દ્ર સરકારના 27 જાહેર સાહસો પૈકી 7 એકમો સ્થાનિકોને નોકરીએ રાખવાની નિયત ટકાવારી જાળવતાં નથી. અમદાવાદ જિલ્લામાં સાણંદ ખાતે કોલગેટ પામોલિવ, હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર પ્રા.લિ. પણ આ યાદીમાં સામેલ છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે આ માહિતી આપી છે.

મીડિયા અહેવાલ મુજબ અમદાવાદમાં સ્થાનિકોને રોજગારી આપતાં નથી તેવા એકમોમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ઓએનજીસી- ચાંદખેડા, સેન્ટ્રલ વેર હાઉસિંગ, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, મેટસો મિનરલ્સ, છાજેડ ફૂડ, સુઝુકી મોટર, ફોર્ડ ઈન્ડિયા, ગ્રાઝીયાનો ટ્રાન્સમિશન, તાતા મોટર્સ, એટીઈ એન્ટરપ્રાઈઝ, સિક્યોર મેટર્સ, એએલપી નિસીકાવા તદુપરાંત ગાંધીનગરમાં ગ્રાઉન્ડ ફોર્સ પંપ ઈન્ડિયા સામેલ છે. સ્થાનિકોને રોજગારી મળે તે દિશામાં શું કાર્યવાહી કરાઈ તેવા સવાલના જવાબમાં સરકારે કહ્યું કે, ઉદ્યોગોને આ અંગે પત્રથી જાણ કરવામાં આવે છે, ભરતી મેળા યોજાય છે તેમાં આ સંદર્ભે પ્રયાસો કરાય છે. બેચરાજી નજીક આવેલી મારુતિ સુઝુકી કંપની પણ સ્થાનિકોને રોજગારી આપતી નથી. દેવભૂમિ દ્વારકામાં ઘડી કંપની પણ સામેલ છે.

42 કેમિકલ એકમો સામે વર્ષ 2021માં 267 ફોજદારી કેસ કરાયા

અમદાવાદમાં કેમિકલ એકમોમાં વર્ષ 2020માં 739 અને 2021માં 816 વખત ઈન્સ્પેક્શન કરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં 2020માં 29 કારખાના સામે 94 ફોજદારી કેસ અને 2021માં 42 કારખાના સામે 267 ફોજદારી કેસ કોર્ટમાં દાખલ કરાયા છે. કામદારોની સલામતી સહિતના ધોરણો જળવાતા ન હોવાથી કાર્યવાહી કરાઈ છે.

ઔદ્યોગિક એકમોમાં ટાંકી સાફ કરતાં સાત કામદારે જીવ ગુમાવ્યો

અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ઔદ્યોગિક એકમોની ટાંકી સાફ કરતાં સાત કામદારનાં મોત થયા છે, જે પૈકી વર્ષ 2020માં 6 અને 2021માં એક કામદારનું મોત થયું છે. રાજ્યના શ્રમ મંત્રીએ વિધાનસભામાં આ માહિતી આપી છે.

અમદાવાદમાં શ્રામ કાયદાના ભંગની 5,831 ફરિયાદ

અમદાવાદ શહેરમાં ઔદ્યોગિક એકમોમાં શ્રમ કાયદાનો ભંગ થતો હોવાની બે વર્ષમાં 5831 ફરિયાદો મળી છે, જે પૈકી 3678 ઔદ્યોગિક એકમોની તપાસ કરવામાં આવી છે. પગાર ચુકવણીમાં વિલંબ સહિતની ફરિયાદો આમાં સામેલ હોવાનું મીડિયા અહેવાલમાં સામે આવ્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners