• રાજકોટ મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ મસાલા માર્કેટમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
  • શ્રીરામ મસાલા માર્કેટમાંથી મરચા અને હળદર સહિત અખાદ્ય મસાલાનો 350 કિલો જેટલો જથ્થો મળી આવ્યો
  • ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે કરાયેલા આ ચેકીંગ દરમિયાન જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે
  • આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારનું ચેકીંગ હાથ ધરાશે

WatchGujarat. હાલ મસાલાની સિઝનને લઈને શહેરમાં ઠેર ઠેર મસાલા માર્કેટો ધમધમતી થઈ છે. ત્યારે મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ મસાલા માર્કેટમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન નાનામૌવા નજીક આવેલી શ્રીરામ મસાલા માર્કેટમાંથી મરચા અને હળદર સહિત અખાદ્ય મસાલાનો 350 કિલો જેટલો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે કરાયેલા આ ચેકીંગ દરમિયાન જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મનપાનાં નાયબ આરોગ્ય અધિકારી પંકજ રાઠોડનાં જણાવ્યા મુજબ, મરચા, ધાણાજીરૂ, હળદર સહિત મસાલામાં ભેળસેળ ન થાય એ માટે છેલ્લા બે દિવસથી સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજરોજ નાનામૌવા ખાતેની શ્રીરામ મસાલા માર્કેટમાં ચેકીંગ શરૂ કરાયું હતું. દરમિયાન ભાવેશ વિરાણી નામના વેપારીના મંડપમાંથી જીવાતથી ખદબદતા અને ફૂગવાળા સુકા મરચાનો અંદાજે 264 કિલો જથ્થો મળી આવ્યો હતો. સાથે-સાથે સ્થળ પરથી મરચા પાવડરમાં નાખવા માટે રખાયેલો ઓઇલ બેસ ઘાતક કેમીકલ કલર પણ મળી આવ્યો હતો. ઉપરાંત ભેળસેળયુક્ત 88 કિલો મરચા પાવડર, 19 કિલો ભેળસેળયુક્ત હળદર સહિત કુલ 350 કિલો જથ્થાનો નાશ કરાયો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે પણ શહેરની મેલડીમા મસાલા માર્કે, મેલીમાં મરચા ભંડાર, સતાધાર મરચા પાવડર, શ્રીરામ મરચા ભંડાર, બાપા સીતારામ મરચા ભંડાર, શક્તિ મરચા ભંડાર, મા મોગલ મસાલા ભંડારમાં ચેકીંગ કરીને વિવિધ મસાલાના 60 જેટલા નમૂના લેવામા આવ્યા હતા. અને આ નમૂના લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર વેપારીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારનું ચેકીંગ ચાલુ રાખવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.

ત્યારબાદ માલિક ભાવેશભાઇની પૂછપરછ કરતા તેણે આ જથ્થો દરજી બજારનાં વેપારી જયપ્રકાશભાઈ મનહરભાઇ સાતા પાસેથી લીધો હોવાનું જણાવતા મનપાની ટીમો ત્યાં દોડી ગઈ હતી. અને ટેસ્ટીંગ વાન દ્વારા ટેસ્ટ કરતા ધણાજીરૂ, તથા હળદર પાવડરમાં કલરની ભેળસેળ જોવા મળી હતી. આ અંગે માલિકને પૂછતા તેમણે જણાવેલ કે આ જથ્થો ગોંડલથી મંગાવી જુદાજુદા માર્કેટમા વેંચે છે. સ્થળ પર અંદાજીત ત્રણ ટન જથ્થો મળી આવેલ છે. આ વેપારી દ્વારા 100 થી 150 રૂપિયાનાં ભાવે મસાલો સસ્તા ભાવે ખરીદેલ છે.

વેપારી દ્વારા 170 થી 180 ના ભાવે લારી ગલ્લા તથા મસાલા માર્કેટમાં લાયસન્સ વગર આ જથ્થો વેંચવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. હાલ આરોગ્ય વિભાગે સ્થળ પરથી 1.) મરચા પાવડર, 2.) હળદર, અને 3.) ધાણાજીરૂનાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે નમુના લેવામા આવ્યા છે. તથા ત્રણ ટન જથ્થો જેની અંદાજીત કિંમત 3,60,000 સીઝ કરવામાં આવેલ છે. અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું હતું.

Facebook Comments Box

Videos

Our Partners