• રાજકોટ શહેર ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું
  • આ મીટીંગમાં આપા ગીગા ઓટલાનાં મહંત નરેન્દ્રબાપુ સોલંકી ખાસ હાજર રહ્યા
  • સાધુ સમાજ તેમજ OBCને પ્રતિનિધિત્વ આપવાની માંગ ઉઠાવી
  • વિધાનસભા 70 દક્ષિણ બેઠક પર તેઓ ટિકિટ માંગે તેવી શક્યતા સેવાઈ

WatchGujarat. શહેરનાં ભક્તિનગર નજીક શ્યામવાડી ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આપા ગીગા ઓટલાનાં મહંત નરેન્દ્રબાપુ સોલંકી ખાસ હાજર રહ્યા હતા. અને સાધુ સમાજ તેમજ OBCને પ્રતિનિધિત્વ આપવાની માંગ ઉઠાવી હતી. સોલંકીનાં અધ્યક્ષસ્થાને યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. અને વિધાનસભા 70 દક્ષિણ બેઠક પર તેઓ ટિકિટ માંગે તેવી શક્યતા સેવાઈ રહી છે. કારણ કે કડિયા સમાજમાં તેનું પ્રભુત્વ છે અને તેના માધ્યમથી તેઓ ચૂંટણી માટે ચક્રવ્યૂહની ચર્ચા કરી શકે છે.

ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનાં આ સંમેલનમાં બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો અને ભાઈઓ  જોડાયા હતા. જેમાં આપા ગીગા ઓટલાના મહંત અને ભાજપના અગ્રણી ઓબીસી નેતા નરેન્દ્ર સોલંકીએ ઘણા વર્ષોથી OBC સમાજને સૌથી વધુ અન્યાય થઈ રહ્યો હોવાનું જણાવી પાટીદાર કરતા OBCની વસ્તી 54 ટકા હોવા છતાં OBCને મુખ્યમંત્રી મળતા નથી,નું નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

નરેન્દ્ર સોલંકીએ ચૂંટણી અંગે જણાવ્યું હતું કે, સાધુ સમાજને પણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ 1947થી OBC સમાજ સાથે અન્યાય થતો આવ્યો છે. આ મુદ્દે અમે રજુઆત કરતા આવ્યા છીએ. તેમજ હજુ પણ રજુઆત કરીશું. ગુજરાતમાં મતની દ્રષ્ટિએ જ OBC સમાજ 54% વસ્તી ધરાવે છે. આમ છતાં સમાજના ભાગલા પાડવામાં આવે છે. સામાન્ય રીતે રાજસત્તા પર ધર્મસત્તા હોય પણ અહીં તો ધર્મસત્તાની કોઈ વાત પણ સાંભળતું નથી. પાટીદાર મુખ્યમંત્રી માંગ્યા એમને પ્રતિનિધિત્વ મળ્યું અમે રાજી થયા છીએ પણ બાકીના સમાજને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ. હવે સૌરાષ્ટ્રમાં કડિયા સમાજને પણ 5 ટીકીટ મળે તે માટે રજૂઆત કરવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.

નોંધનીય છે કે આપા ગીગા ઓટલાનાં મહંત નરેન્દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુ ગુજરાત રાજ્યના ઓ,બી,સી, નિગમના પૂર્વ ચેરમેન,પ્રદેશ ભાજપ (ઓબીસી)પૂર્વ મહામંત્રી, રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર,પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે અને હાલમાં ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટના પ્રમુખપદે તે કાર્યરત છે. ત્યારે 2022ની ચૂંટણી પહેલા તેમના દ્વારા કરવામાં આવેલી આ માંગની અવગણના દરેક પક્ષને મોંઘી પડી શકે એમ છે. ત્યારે હવે તેમની આ માંગને લઈને ક્યારે અને શું પ્રત્યાઘાતો આવે છે તે આવનારો સમય જ બતાવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud