• સાંઢની માફક ધસી આવતા ટેન્કરે હડફેટે લેતા બાઈક ચાલકનું મોત નિપજ્યું
  • ગોઝારા અકસ્માતમાં બાઈક પર સવાર પેઢલા ગામના યુવકનું મોત નિપજ્યું
  • યુવાન આજે સવારે પોતાનું મોટર સાયકલ લઈને વાડીએ જતો હતો

 WatchGujarat.જેતપુરની પેઢલા ચોકડી પાસે માતેલા સાંઢની માફક ધસી આવતા ટેન્કરે હડફેટે લેતા બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. રુંવાડા ઉભા કરી દેતી આ ઘટના સીસીટીવીમાં કેદ થતા તેનો વિડીયો પણ સામે આવ્યો છે. આ ગોઝારા અકસ્માતમાં બાઈક પર સવાર પેઢલા ગામના યુવકનું મોત નિપજ્યું છે. જોકે અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટેન્કર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત અનુસાર, પેઢલા ગામનો 28 વર્ષીય હિતેશ રવજીભાઈ મકવાણા નામનો યુવાન આજે સવારે પોતાનું મોટર સાયકલ લઈને વાડીએ જતો હતો. હિતેશ ગામમાંથી હાઈવે પર રસ્તો ક્રોસ કરતો હતો. બરાબર આ સમયે જ ધોરાજી તકરફથી પુરપાટ ઝડપે આવતા ટેન્કર હિતેશનાં બાઇકને હડફેટે લેતા તે બાઈકની સાથે ૫૦ ફૂટ ધસડાયો હતો.

અકસ્માત બાદ ટેન્કર ત્યાં રેઢું મૂકીને ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બીજીતરફ સ્થાનિકો દ્વારા જાણ કરાતા 108 અને પોલીસ સહિત હિતેશનાં સંબંધીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. તેમજ લોહીલુહાણ હાલતમાં રહેલ હિતેશને તાત્કાલિક સારવારમાં સરકારી હોસ્પીટલ લઈ જવાયો હતો. જો કે ગંભીર ઇજાને લઈ રસ્તામાં જ હિતેશનું મોત નિપજતાં ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

બનાવને પગલે મૃતકના નાનાભાઈ પરસોતમભાઈએ ટેન્કર ચાલક સામે માનવ જીંદગી જોખમાય તે રીતે માતેલા સાંઢની જેમ પુરપાટ ઝડપે ટેન્કર ચલાવીને અકસ્માત સર્જી હિતેશભાઈનું મોત નિપજાવ્યાની ફરીયાદ નોંધાવી છે. સ્થાનિકોનાં જણાવ્યા અનુસાર અહીં ટોલનાકા ઓથોરિટી દ્વારા ત્રણ દિવસથી રોડ પર કામ ચાલુ કર્યા વગર આડશ ઉભી કરવામાં આવી છે. જેને કારણે અકસ્માત સર્જાય છે.

Facebook Comments Box

Videos

Our Partners