• રાજકોટના લક્ષ્મીનગર અંડરબ્રીજનું આજે સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું હતું
  • ભાજપમાં જૂથવાદને લઈને સવાલો ઉઠવા લાગતા મંત્રી અરવિંદ રૈયાણી મીડિયા સમક્ષ આવ્યા
  • પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનાં નામની બાદબાકી કરવામાં આવી નથી. આ પત્રિકામાં કોનું-કોનું નામ લખવું તેનો નિર્ણય મેયર ચેમ્બરમાંથી  લેવામાં આવતો હોય છે – મંત્રી અરવિંદ રૈયાણી

WatchGujarat. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે આજે 42 કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા લક્ષ્મીનગર અંડરબ્રીજનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ તકે મુખ્યમંત્રી દ્વારા બ્રીજનું CDS બીપીન રાવત બ્રીજ નામાંકન કરવામાં આવ્યું હતું. જો કે આ કાર્યક્રમ માટે છપાવવામાં આવેલી આમંત્રણ પત્રિકામાંથી પૂર્વ CM વિજય રૂપાણીનાં નામની બાદબાકી થતા વધુ એકવાર ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો હતો. આ અંગે રૂપાણી બહારગામ હોવાથી નામ નહીં લખ્યું હોવાનો લુલો બચાવ મંત્રી રૈયાણી દ્વારા કરાયો હતો.

રાજકોટના લક્ષ્મીનગર અંડરબ્રીજનું આજે સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું હતું.  પરંતુ આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં પૂર્વ સીએમ  વિજય રૂપાણીનું નામ લખાયું નહોતું. જ્યારે અન્ય તમામ ધારાસભ્ય સહિત વિપક્ષના નેતાનુ નામ પણ લખવામા આવ્યુ હતું. જેને લઈને રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યુ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના ધારાસભ્ય પણ હોવા છતા તેમનુ નામ આમંત્રણ પત્રિકામાં નહીં લખવામાં આવતા અનેક સવાલો ઉઠયા હતા.

રાજકોટ ભાજપમાં જૂથવાદને લઈને સવાલો ઉઠવા લાગતા મંત્રી અરવિંદ રૈયાણી મીડિયા સમક્ષ આવ્યા હતા. અને જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનાં નામની બાદબાકી કરવામાં આવી નથી. આ પત્રિકામાં કોનું-કોનું નામ લખવું તેનો નિર્ણય મેયર ચેમ્બરમાંથી  લેવામાં આવતો હોય છે. તેઓ હાજર નહીં હોવાથી નામ લખવામાં આવ્યુ નથી. બાકી વિજયભાઈ પક્ષ માટે આદરણીય જ છે. અને ભાજપમાં કોઈ જૂથવાદ નથી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ રાજકોટ ભાજપમાં જૂથવાદ સામે આવી ચુક્યો છે, બે મહિના પહેલા રાજકોટ ભાજપમાં સ્નેહ મિલનોના સિલસિલા સાથે આંતરિક જુથવાદની ચર્ચાએ જોર પકડયું હતું. ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેમાં સત્તામાં બેઠેલા MP રામભાઈ મોકરિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા અને MLA ગોવિંદભાઈ પટેલનું નામ જોવા નહીં મળતા ભાજપનો આંતરવિગ્રહ સામે આવ્યો હતો. જેના બાદ સીઆર પાટીલને જાહેરમાં ખુલાસો કરવો પડ્યો હતો કે, રાજકોટ ભાજપમા કોઈ જૂથવાદ નથી.

Facebook Comments Box

Videos

Our Partners