• બે દિવસ પહેલા પંજાબમાં પીએમ મોદીનાં કાફલાને 15-20 મિનિટ રાહ જોવી પડી હતી
  • પીએમ મોદીની સુરક્ષામાં થયેલી આ ઘોર બેદરકારી અંગે ભાજપમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે
  • જ્યુબિલિ ગાર્ડન ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે મૌન ધારણા યોજી ફરી એકવાર આ ઘટનાને વખોડી કાઢવામાં આવી

WatchGujarat. શહેર-જિલ્લા ઉપરાંત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે. અને ભાજપનાં દિગ્ગજ નેતા નીતિન ભારદ્વાજ સંક્રમિત થતા હોમ આઇસોલેટ થયા છે. બીજીતરફ ખુદ સીએમ દ્વારા 15 જાન્યુઆરી સુધી પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. ત્યારે પણ શહેર ભાજપને જાણે કોઈ ચિંતા ન હોય તેમ મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા કરી મૌન ધરણા યોજીને પીએમ મોદી સાથે પંજાબમાં બનેલી ઘટના અંગે વિરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માટે કાર્યકરો અને આગેવાનોનાં ટોળા એકઠા કરનાર મંત્રી રૈયાણીએ લોકોને માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવાની અપીલ કરી હતી. સાથે જ વધતા સંક્રમણ અંગે સરકાર ચિંતિત હોવાનું કહ્યું હતું. જોકે લોકડાઉન થવાની શક્યતા નકારી કાઢી હતી.

બે દિવસ પહેલા પંજાબમાં પીએમ મોદીનાં કાફલાને 15-20 મિનિટ રાહ જોવી પડી હતી. અને ત્યારબાદ રેલી કર્યા વિના રવાના થવું પડ્યું હતું. પીએમ મોદીની સુરક્ષામાં થયેલી આ ઘોર બેદરકારી અંગે ભાજપમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત શહેર ભાજપ દ્વારા ગઈકાલે પણ મહા મૃત્યુંજય જાપ અને યુવા ભાજપ દ્વારા મશાલ રેલી કાઢવામાં આવી હતી. ત્યારે આજે જ્યુબિલિ ગાર્ડન ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે મૌન ધારણા યોજી ફરી એકવાર આ ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપનાં આગેવાનો અને કાર્યકરો સહિત મંત્રી રૈયાણી પણ ખાસ હાજર રહ્યા હતા.

આ તકે મીડિયા સાથેની વાતચીતમાં રાજ્યના મંત્રી અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરને લઈ સીએમ અને મંત્રીઓ સતત લોકોની ચિંતા કરી રહ્યા છે. દરેક જિલ્લામાં કેસો વધ્યા છે જેને લઈને સરકાર સહિત આરોગ્ય વિભાગ દ્વારા તમામ જરૂરી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. ડોક્ટર્સ અને દવાની અછત ન સર્જાય તે માટેની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લોકોએ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની જરૂર છે.

લોકડાઉન અંગે પૂછતાં તેમણે કહ્યું હતું કે, હાલ ધંધા રોજગાર બંધ કરવાની કોઈ વાત નથી. ત્રીજી લહેરને લઈને નિયંત્રણ હેઠળ જનજીવન ધબકતું રહેશે. હાલ કોરોના સંક્રમણ રોકવા ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. સાથે જ શાળાઓમાં પણ જરૂરી નિયમોના પાલન અંગે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. ત્રીજી લહેર પણ ઝડપથી પસાર થઇ જાય અને લોકો સ્વસ્થ રહે તે માટે સરકાર દ્વારા તમામ જરૂરી પગલાં લેવાઈ રહ્યા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud