• રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી આગામી 13 ફેબ્રુઆરીએ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો
  • આ માટે પાંચ સભ્યોની કમિટી પણ બનાવવામાં આવી
  • આવતા સપ્તાહમાં ફોર્મ ભરવાથી માંડીને તારીખવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાશે
  • 1802 મતદારો સ્વરા મુક્ત અને ન્યાયી ચૂંટણી થશે-ચેરમેન વી.પી. વૈષ્ણવે

WatchGujarat. ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી આગામી 13 ફેબ્રુઆરીએ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે પાંચ સભ્યોની કમિટી પણ બનાવવામાં આવી છે. આ કમિટી આવતા સપ્તાહમાં ફોર્મ ભરવાથી માંડીને તારીખવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર કરશે. ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન વી.પી. વૈષ્ણવે આ અંગેની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થઇ રહી છે ત્યારે સમયસર ચૂંટણી યોજવા માટે કારોબારી સમિતિએ ફેબ્રુઆરીમાં નવી ટર્મ માટે ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે અને 13મી ફેબ્રુઆરીએ ચૂંટણી નક્કી કરવામાં આવી છે. ચેમ્બરના પૂર્વ પ્રમુખ એવા હિતેશ બગડાઈના અધ્યક્ષસ્થાને ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી છે. બંધારણની જોગવાઈ પ્રમાણે ત્રણ સભ્યોની ચૂંટણી સમિતિ હોય છે અન્ય બે સભ્યોમાં સુનિલ શાહ તથા એડવોેકેટ વારોતરીયા રહેશે જ્યારે રામભાઈ બરછા અને પરસોતમ પીપળીયા આમંત્રિત સભ્ય તરીકે સમિતિમાં રહેશે.

1802 મતદારો સ્વરા મુક્ત અને ન્યાયી ચૂંટણી થશે

વધુમાં તેમણે કહ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સમાં નવી ચૂંટણી માટે 1802 મતદારો છે. ગત ચૂંટણીમાં 4500 જેટલા મતદારો થયા હતા. પરંતુ તે વખતે સેંકડો મતદારો ઉમેરાયા હતા આ વખતે માત્ર એક્સ્ચ્યુલ મતદારો જ છે અને મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાય તેવી પ્રતિબધ્ધતા છે. 10મી તારીખે વર્તમાન કારોબારી સમિતિની આખરી બેઠક યોજાશે અને તેમાં ચૂંટણી સમિતિને ચાર્જ સોંપી દેવામાં આવશે. ચેમ્બર ઓફ કોમર્સની વર્તમાન કારોબારી સમિતિમાં કોઇ સ્વેચ્છાએ ચૂંટણી લડવાની ના પાડે તો અલગ વાત છે અન્યથા વર્તમાન બોડી ઝુકાવશે. કોઇ હરિફ પેનલ ઉભી થાય તો પ્રથમ સર્વસંમતિના પ્રયત્નો કરીને ચૂંટણી ટાળવાના પ્રયાસો કરાશે. આમ છતાં ચૂંટણી કરવાની થાય તો વર્તમાન બોડી લડી લેવા માટે તૈયાર છે.

ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ શરૂ કરવામાં ચેમ્બરનું મહત્વનું યોગદાન

છેલ્લા ત્રણ વર્ષની ટર્મમાં વર્તમાન બોડી કોરોના કાળમાં વેપારીઓને વેપાર-ધંધા શરુ કરાવવાથી માંડીને જીએસટી સહિતના અનેકવિધ પ્રશ્નોનો ઉકેલ લાવી છે. તેને ધ્યાનમાં લેતા આગામી ચૂંટણીમાં મતદારો વર્તમાન બોડીની કામગીરી તથા કાર્યક્ષમતાને નજરમાં રાખીને મત આપશે તે નિશ્ર્ચિત છે. આ તકે વી.પી. વૈષ્ણવે એવો દાવો કર્યો હતો કે રાજકોટને એરપોર્ટથી માંડીને અનેકવિધ સુવિધાઓ અપાવવામાં વેપારી મહાજને મુખ્ય ભાગ ભજવ્યો છે. ખાસ કરીને ઇન્ટરનેશનલ એરપોર્ટને 2010માં જ મંજૂરી મળી ગઇ હતી છતાં કામગીરી આગળ ધપતી ન હતી. ચેમ્બર ઓફ કોમર્સે જ સમગ્ર બીડુ ઝડપ્યું હતું અને કામ શરુ થાય તે માટે છેવટ સુધીના પ્રયત્નો કરીને સ્વપ્ન સાકાર કરાવવામાં સિંહફાળો આપ્યો છે.

ત્રણ વર્ષમાં વેપારીઓનાં 63 મહત્ત્વનાં પ્રશ્નો ઉકેલાયા, પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરાવીશું

આ સિવાય ત્રણ વર્ષ પૂર્વે માત્ર ત્રણ ફલાઈટ ઉડતી હતી અત્યારે 10થી વધુ વિમાનોની આવન-જાવન થાય છે. એરપોર્ટ સિવાય રેલવેના ડબલ ટ્રેક કાર્યમાં પણ ચેમ્બર ઓફ કોમર્સની ભુમિકા ચાવીરુપ રહી છે. આ કામ નિયમિત રીતે આગળ વધે તે માટે વેપારી મહાજન સતત વોચ રાખી રહ્યું છે. જીએસટીના પ્રશ્નો, ઉપરાંત નિકાસકારોની સમસ્યાઓ વગેરે 63 જેટલા મહત્વના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા છે. હજુ પ્રોફેશનલ ટેક્સનો પ્રશ્ન અટકેલો છે તે પણ ઉકેલાઇ જશે. ગમે તે ભોગે પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરાવીને વેપારી જગતને રાહત અપાવવામાં આવશે.

કન્ટેનર ડેપો-કન્વેન્શન સેન્ટર મેળવવા અને ત્રણેય વેપારી સંગઠનોને એક કરવા પ્રયાસ ચાલુ

એટલું જ નહીં હજુ કન્ટેનર ડેપો વગેરે પ્રશ્નો ઉભા છે. તેના માટે પણ ચેમ્બર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નવા રેસકોર્સ પાસેની કન્વેન્શન સેન્ટર માટે જમીનની માંગ રજૂ કરી દેવામાં આવી છે. નવી મોટી જીઆઈડીસી માટે પણ રજૂઆત કરવામાં આવી છે. હોદેદારો વખતોવખત ગાંધીનગર જઇને સરકાર પાસે સમસ્યાઓના ઉકેલ માટે પ્રયત્નો કરતા જ રહે છે. સાથે જ રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સ ઉપરાંત ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ સહિત ત્રણ વેપારી સંગઠનો છે. આ ત્રણેય સંગઠનની મર્જ કરીને એક મહાસંગઠન ઉભું કરવાની દિશામાં પ્રયત્નો શરુ કરવામાં આવ્યા હોવાનું અને આ માટે બે બેઠકો થઈ ચૂકી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા, મંત્રી નૌતમભાઈ બારસીયા ઉપરાંત શિવલાલ બારસીયા, અતુલ કામાણી, નિલેશ ભાલાણી, ગિરીશ પરમાર સહિતના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud