• સીએમ પટેલ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ રાજકોટ આવી પહોંચ્યા
  • સીઆર પાટીલે એરપોર્ટ ખાતે ટૂંકું પ્રવચન આપ્યું
  • હોમટાઉન હોવા છતાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નહીં ડોકાતા ફરી એકવાર જૂથવાદની ચર્ચાઓ ઉઠી
  • કોરોનાની ત્રીજી લહેર અને ઓમીક્રોનનાં ખતરા વચ્ચે આજે ઘોડેસવાર, વિન્ટેજ કાર અને બેન્ડવાજા સાથે મુખ્યમંત્રીનો ભવ્ય રોડ શો યોજાયો

WatchGujarat.  રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત રાજકોટની મુલાકાતે છે. ત્યારે સીએમ પટેલ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ રાજકોટ આવી પહોંચ્યા હતા. અને મુખ્યમંત્રીનાં ભવ્ય રોડ-શોમાં પણ હાજર રહી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ રોડ-શોમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની ગેરહાજરીને લઈને સવાલો ઉઠયા હતાં. તો આ ભવ્ય રોડ-શોમાં પોલીસ જ ચોકીદારની ભૂમિકામાં જોવા મળી હતી. અને અનેક મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ અપેક્ષા અનુસાર આ રોડ-શોમાં કોરોનાનાં માસ્ક ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં તમામ નિયમોના લીરેલીરા ઉડયા હતા.

સીઆર પાટીલે એરપોર્ટ ખાતે ટૂંકું પ્રવચન આપ્યું હતું. જેમાં તેમણે મુખ્યમંત્રીનું સ્વાગત કરવાનાં રાજકોટનાં અંદાજની પ્રશંસા કરી હતી. આ દરમિયાન હોમટાઉન હોવા છતાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નહીં ડોકાતા ફરી એકવાર જૂથવાદની ચર્ચાઓ ઉઠી હતી. ત્યારબાદ કિસાનપરા ચોક નજીકથી રોડ-શો છોડીને પાટીલ તેના કાર્યક્રમ અનુસાર ભૂચર મોરી જવા રવાના થયા હતા. જ્યારે રોડ-શો પૂરો કરીને ભુપેન્દ્ર પટેલ ધર્મેન્દ્રસિંહજી કોલેજ પહોંચ્યા હતા. જ્યાં પૂર્વ સીએમ રૂપાણી તેમજ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી પટેલ સાથે મુલાકાત કરી તેમનું સ્વાગત કર્યું હતું. ટૂંકમાં જ્યાં સુધી પાટીલ હાજર હતા ત્યાં સુધી રૂપાણી દૂર રહ્યા હોવાની છાપ ઉપસી છે. જો કે આ અંગે ભાજપનાં નેતાઓએ તો રૂપાણી બહારગામથી આવતા હોય લેઈટ થયા હોવાનો લુલો બચાવ કર્યો હતો.

કોરોનાની ત્રીજી લહેર અને ઓમીક્રોનનાં ખતરા વચ્ચે આજે ઘોડેસવાર, વિન્ટેજ કાર અને બેન્ડવાજા સાથે મુખ્યમંત્રીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં ભૂપેન્દ્ર પટેલ અને પાટીલે ખુલ્લી જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. દરમિયાન જીપ ફરતે પોલીસ ચોકીદાર બનીને આગળ વધી હતી. મુખ્યમંત્રીની સાથે 100 ગાડીનો કાફલો તેમજ 1000 બાઇકચાલકો પણ જોડાયા હતા. અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા કોરોનાનાં નિયમો ભુલાઈ ગયા હતા. એટલું જ નહીં જાણે કોરોનાને ખુલ્લું આમંત્રણ આપવામાં આવતું હોય તેવા દ્રશ્યો પણ રોડ-શોમાં જોવા મળ્યા હતા.

Facebook Comments Box

Videos

Our Partners