• મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શુક્રવારે હવાઈ માર્ગે સવારના 10-30 કલાકે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે
  • એરપોર્ટથી ધર્મેન્દ્રસિંહજી કોલેજ સુધી તેમનો ભવ્ય રોડ-શોનું આયોજન
  • ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં ખાસ ઉભા કરાયેલા સમીયાણામાં પંચાયત દિવસની ઉજવણી અને સુશાસન સપ્તાહની પૂર્ણાહુતિ સમારોહનો પ્રારંભ થશે

WatchGujarat. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી તા. 31ને શુક્રવારે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની મુલાકાતે  આવી રહ્યા છે. સુશાસન સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે રાજકોટની મુલાકાતે આવી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો એરપોર્ટથી ડી.એચ. કોલેજ સુધીના રુટ પર ભવ્ય રોડ-શો યોજાશે. આ રોડ-શોના રુટ પર ઠેર ઠેર બેનર-કટઆઉટ મૂકી તેઓનું કાઠીયાવાડી ભપકાથી સ્વાગત કરવામાં આવનાર છે. આ અંગેની જવાબદારી શહેરના વિવિધ ઉદ્યોગ સંગઠનોને સોંપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંત્રી અરવિંદ રૈયાણી, પંચાયત મંત્રી અર્જુનસિંહ ચૌહાણ તેમજ બ્રિજેશ મેરજા પણ સુશાસન સપ્તાહની પૂર્ણાહુતિ સમારોહમાં સામેલ થનાર છે. આ સમારોહ માટે જિલ્લા કલેક્ટર કચેરીમાં બે દિવસથી વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ શહેરના ઉદ્યોગ જગત અને સંગઠનો સાથે પણ લગાતાર બેઠકોનો દોર ચાલી રહ્યો છે. અને સીએમનાં શાહી સ્વાગત માટે જિલ્લા કલેક્ટર તંત્ર તેમજ ભાજપ ઉપરાંત વિવિધ ઉદ્યોગ સંગઠનો અને સમાજો તૈયારીમાં લાગી ગયા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હવાઈ માર્ગે સવારના 10-30 કલાકે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યારબાદ એરપોર્ટથી ધર્મેન્દ્રસિંહજી કોલેજ સુધી તેમનો ભવ્ય રોડ-શો આયોજીત કરવામાં આવેલ છે. તેમજ 11-30 કલાકે આ રોડ-શોનું સમાપન થયા બાદ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં ખાસ ઉભા કરાયેલા સમીયાણામાં પંચાયત દિવસની ઉજવણી અને સુશાસન સપ્તાહની પૂર્ણાહુતિ સમારોહનો પ્રારંભ થશે જે એક કલાક સુધી ચાલશે. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં સમરસ થનારી પંચાયતોને ચેક વિતરણ અને સરપંચોનું સન્માન થશે. આ ઉપરાંત ચૌધરી હાઇસ્કૂલમાં કરોડોના ખર્ચે તૈયાર કરાયેલ બલૂન હોસ્પિટલનું લોકાર્પણ મુખ્યમંત્રી પટેલના હસ્તે થશે. આ ઉપરાંત પંચાયત વિભાગના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવનાર છે.

નોંધનીય છે કે, મુખ્યમંત્રીનાં આ કાર્યક્રમથી બાળકોને દૂર રાખવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. જોકે કોલેજોના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં વધુને વધુ સામેલ થાય તે રીતનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ અંગેની તમામ તૈયારીઓને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાથે જ મુખ્યમંત્રીનાં સ્વાગતમાં કોઈ કચાશ ન રહે તે માટે કલેક્ટર અરૂણ મહેશ બાબુ જાતે તમામ તૈયારીઓ પર દેખરેખ રાખી રહ્યા છે. તો સ્થાનિક ભાજપનું મોવડી મંડળ પણ આ માટેની તૈયારીઓમાં લાગી ગયુ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud