• કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાએ મનપા સામે ગંભીર આરોપો લગાવ્યા
  • “શહેરમાં પ્રથમ ડોઝનું 100% વેકસીનેશન પૂર્ણ થયું હોવાનો મનપાનો દાવો સદંતર ખોટો”
  • ડમી સર્ટિફિકેટ જનરેટ કરાયા હોવાના આક્ષેપો પણ લગાવાયા

મહાનગરપાલિકા દ્વારા પ્રથમ ડોઝનું 100% વેકસીનેશન પૂર્ણ કરી લેવાયું હોવાનો દાવો પખવાડિયા કરતા વધુ સમય પહેલા કરાયો હતો. જો કે આ દાવો થયો ત્યારથી જ તેની સામે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસનાં સ્થાનિક દિગ્ગજ નેતા હેમાંગ વસાવડા દ્વારા મનપાનો આ દાવો ખોટો હોવાનું જણાવાયું છે. અને ડમી સર્ટિફિકેટ જનરેટ કરાયા હોવાના આક્ષેપો પણ લગાવાયા છે. જો કે મેયર ડો. પ્રદીપ ડવે તમામ આક્ષેપો ફગાવી દીધા છે. અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા તમામ આરોપો ખોટા હોવાનું જણાવ્યું છે.

જાણો શું કહે છે ગુજરાત કોંગ્રેસનાં નેતા ડોક્ટર હેમાંગ વસાવડા

ગુજરાત કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાએ મનપા સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, શહેરમાં પ્રથમ ડોઝનું 100% વેકસીનેશન પૂર્ણ થયું હોવાનો મનપાનો દાવો સદંતર ખોટો છે. કોર્પોરેશન દ્વારા ડમી સર્ટિફિકેટ જેનરેટ કરી 100% વેક્સીનેશનનો દાવો કરવામાં આવી રહ્યો છે. અને સરકાર તેમજ તંત્ર દ્વારા ચાલી રહેલી મિલીભગત દ્વારા લોકોને ગુમરાહ કરી ખોટા માર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં શહેરમાં અનેક લોકો એવા છે કે, જેણે કોરોનાની વેકસીનનો એકપણ ડોઝ લીધો નથી. મનપા દ્વારા ખોટા આંકડાઓને આધાર બનાવી આ જાહેરાત કરાઈ હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે. આ માટેની ન્યાયિક તપાસ કરવાની માંગ પણ તેમણે કરી છે.

બીજીતરફ આ મામલે રાજકોટનાં મેયર ડૉ. પ્રદીપ ડવે પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે વસાવડાનાં આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમજ 11.65 લાખ લોકોને વેકસીન આપી રાજકોટ મનપા વિસ્તારમાં 100% વેક્સીનેશનની કામગીરી પૂર્ણ થઇ હોવાનો દાવો કર્યો છે. સાથે રાજ્ય સરકારે આપેલો ટાર્ગેટ મનપાએ પૂર્ણ કર્યો હોવાનું જણાવ્યું છે. એટલું જ નહીં પોતાના ધ્યાને કોઈ ડમી સર્ટિફિકેટની ફરિયાદ પણ આવી નહીં હોવાનું જણાવ્યું છે. સાથે જ કહ્યું છે કે, કોંગ્રેસ દ્વારા આરોગ્ય તંત્રને પ્રોત્સાહન આપવાનાં બદલે જે ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તે ખરેખર દુઃખની વાત છે.

ઉલ્લેખનીય છે કે, મ્યુનિ. કોર્પોરેશનમાં કોવિડના મૃતક દર્દીઓનું પ્રમાણપત્ર આપવા માટેનાં ફોર્મ વિતરણમાં આજે પણ લોકોની ભીડ જોવા મળી હતી. મનપા હજુ આ સાદા ફોર્મ ઓનલાઇન મુકવા વિચારી રહી છે ત્યારે લોકોને ધકકા ખાવાને બદલે સામાન્ય ફોર્મની ઝેરોક્ષ કરાવી લેવા અનુરોધ પણ તંત્રવાહકોએ કર્યો છે. છેલ્લા ચાર દિવસમાં મનપામાંથી આવા 1028ફોર્મ ઉપડયા છે. ત્યારે સવાલ એ થાય છે કે, તંત્રનાં ચોપડે શહેરમાં કોરોનાથી માત્ર 458 લોકોના મોત નિપજ્યા છે. છતાં આટલા લોકોએ ફોર્મ ઉપાડતાં મોતનાં આંકડાઓ સામે પણ શંકા ઉઠી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud