• સ્ટે.કમીટીની મીટીંગમાં ચેરમેન પુષ્કર પટેલે નવા ભળેલા વોર્ડ નં.9ના મુંજકા અને વોર્ડ નં.1ના વિસ્તારો માટે રૂા. 7.65 કરોડના પાઇપલાઇન કામોને મંજૂરી આપી
  • હરીવંદના કોલેજ આસપાસના વિસ્તારના સાડા પાંચ હજાર જેટલા લોકોને આવતા વર્ષથી DI પાઇપલાઇન મારફત શુધ્ધ પાણી પહેલી વખત પહોંચતું થઇ જશે
  • અર્બન હેલ્થ સોસાયટીને ગ્રાન્ટ ફાળવશે સરકાર મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય સેવાઓ વધુ મજબુત કરવા સરકારે અર્બન હેલ્થ અંતર્ગત આરોગ્ય કેન્દ્રોમાં નવા સેટઅપ મંજૂર કર્યા છે

WatchGujarat. મનપા કચેરી ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં જુદા-જુદા વિકાસ કાર્યોની 38 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. આ પૈકીની મહતવની કહી શકાય તેવી દરખાસ્તમાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આદેશ મુજબ, હોટલ-રેસ્ટોરન્ટ-થિયેટર તેમજ જીમનો ત્રણ કરોડનો વેરો માફ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે જ શહેરમાં નવા ભળેલા પાંચ વિસ્તારોમાં DI પાઇપલાઇન માટે 7.5 કરોડ ફાળવાયા છે. તેમજ 100 નવી ટીપર વાન ખરીદવા માટે થયેલી દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.

મહાનગરમાં દાયકાઓ જુની પાણીની ખખડેલી લાઇન બદલાવીને આધુનિક ડીઆઇ પાઇપલાઇન નેટવર્ક પાથરવા ગત વર્ષના બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે મળેલી સ્ટે.કમીટીની મીટીંગમાં ચેરમેન પુષ્કર પટેલે નવા ભળેલા વોર્ડ નં.9ના મુંજકા અને વોર્ડ નં.1ના વિસ્તારો માટે રૂા. 7.65 કરોડના પાઇપલાઇન કામોને મંજૂરી આપી છે. આ મીટીંગમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા પદાધિકારીએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.9ના મુંજકામાં 100 થી 300 એમએમ ડાયાની પાઇપલાઇન નાખવાના કામ માટે 3.83 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. જે કામ દોઢ કિ.મી.ની લંબાઇમાં કરવામાં આવનાર છે.

આ ઉપરાંત હરીવંદના કોલેજ આસપાસના વિસ્તારના સાડા પાંચ હજાર જેટલા લોકોને આવતા વર્ષથી DI પાઇપલાઇન મારફત શુધ્ધ પાણી પહેલી વખત પહોંચતું થઇ જશે. અગાઉ મુંજકાના જ ટીટોડીયાપરા સહિતના વિસ્તારો માટે પણ પાઇપલાઇન મંજૂર કરવામાં આવી હતી. આ જ વોર્ડમાં આવેલા પ્રશીલ પાર્ક અને સંજય વાટિકામાં પણ ડીઆઇ લાઇન માટે 1.09 કરોડ મંજૂર કરાયા છે. જેનો લાભ 1200 જેટલા લોકોને મળવાનો છે. વોર્ડ નં.1ના જામનગર રોડ, ઘંટેશ્વર, નાગેશ્વર વિસ્તારના પાણી પુરવઠાના કામ માટે પણ 1.46 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 1માં રૈયાધાર, મચ્છુનગર, પીપીપી આવાસથી એફસીઆઇ ગોડાઉન તરફ રત્નમ, બ્રહ્મનાદ સહિતના વિસ્તારના સાડા ત્રણ હજાર લોકો માટે 1.08 કરોડના ખર્ચે પાઇપલાઇન પથરાશે તો રૈયાધારની ઇન્દ્રપ્રસ્થ સોસાયટી માટે પણ 17 લાખ આજની મીટીંગમાં મંજૂર કરાયા છે.

હોટલ-રેસ્ટોરન્ટ-થિયેટર અને જિમનો એક વર્ષનો ત્રણ કરોડનો વેરો માફ

કોવિડ મહામારી અંતર્ગત મનપા વિસ્તારમાં આવેલ હોટલ, રીસોર્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, સિનેમા ઘર, મલ્ટીપ્લેક્ષ, જીમને એક વર્ષના મિલ્કત વેરામાંથી મુકિત આપવાની દરખાસ્ત આજની મીટીંગમાં મંજૂર કરવામાં આવી છે. રાજય સરકારે પોણા ત્રણસો જેટલી આવી મિલ્કતોની વેરા માફીની 3 કરોડની રકમ મનપાને તાજેતરમાં મોકલાવ્યા બાદ આ નિર્ણય કરાયો છે. આ ઉપરાંત ઘરે-ઘરે જઈને કચરાનો નિકાલ કરતી ટીપરવાન જર્જરિત થઈ હોવાથી 100 નવી ટીપરવાનો ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. તો વોર્ડ નં.9 યુનિ. કર્મચારી સોસાયટી, વોર્ડ નં.11માં મોટા મવા, પેન્ટાગોન, કોજીકોર્ટ યાર્ડ એપાર્ટમેન્ટ પાછળ, વોર્ડ નં.4ના ભગવતીપરામાં જય નંદનવનમાં ભૂગર્ભ કામ માટે 53.50 લાખ મંજૂર કરાયા છે.

જુદા જુદા વોર્ડમાં કોન્ટ્રાકટ મારફત સફાઇ કામગીરી માટે 11.70 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. સાથે જ વોર્ડ નં.12ના મવડી મેઇન રોડ વિસ્તારમાં ડામર કામ માટે 2.95 કરોડ, વોર્ડ નં.18માં તાલુકા શાળાથી રિધ્ધિ સિધ્ધિ નાલા સુધી મેટલીંગ માટે 1.21 કરોડ, સ્વાતિ 80 ફુટ રોડથી વોટર ટેન્ક સુધી મેટલીંગ સુધી 1.50 કરોડ, વોર્ડ નં.18ના ઔદ્યોગિક વિસ્તારોમાં મેટલીંગ માટે 52.19 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આજની મીટીંગમાં હોસ્પિટલ ચોક બ્રીજ માટે જમીન સંપાદન બદલ રેલવેને 1.94 કરોડ ચુકવવા, આરોગ્ય સેવામાં એજન્સીના 179 કર્મચારી માટે 73 લાખ, કન્ટ્રકશન અને ડિમોલીશન વેસ્ટ માટે પીપીપીથી પ્લાન્ટ નાખવા કોન્ટ્રાકટ આપવા, ફુટબોલ એસો.ને સહયોગ, રંગોળી સ્પર્ધાના ઇનામ વિતરણ ખર્ચ, જાગનાથમાં વોંકળો પાકો કરવા સહિતના કામોને મંજૂરી આપવામાં આવી હતી.

આરોગ્ય કેન્દ્રોમાં 14 ડોકટરો સહિત વધુ 237 હેલ્થ વર્કર્સની નિયુકિત થશે

અર્બન હેલ્થ સોસાયટીને ગ્રાન્ટ ફાળવશે સરકાર મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય સેવાઓ વધુ મજબુત કરવા સરકારે અર્બન હેલ્થ અંતર્ગત આરોગ્ય કેન્દ્રોમાં નવા સેટઅપ મંજૂર કર્યા છે. લોકોની આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ થાય તે અંગેની દરખાસ્તની માહિતી આપતા ચેરમેન પુષ્કર પટેલે કહ્યું હતું કે શહેરમાં આવેલા 21 આરોગ્ય કેન્દ્રોમાં મંજૂર થયેલી વર્ગ-2 અને વર્ગ-3ની જગ્યાનું મહેકમ મંજૂર કરવાનું થાય છે. અર્બન હેલ્થ સોસાયટી હેઠળ રાજય સરકારની ગ્રાન્ટમાંથી તમામ આરોગ્યલક્ષી ખર્ચ કરવામાં આવે છે. જે સેવામાં હવે ડોકટર સહિતની ટીમનો ઉમેરો થશે. આ ખર્ચ રાજય સરકારની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે. અને આરોગ્ય કેન્દ્રોમાં વધુ 14 મેડીકલ ઓફિસર, 7 લેબ ટેકનીશ્યન, 9 ફાર્માસિસ્ટ, લેડીઝ અને જેન્ટસ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ વર્કર સહિતની 237 જગ્યાઓ પર નવી ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે.

Facebook Comments Box

Videos

Our Partners