• કોરોના પોઝિટિવ આવ્યા બાદ ઘભરાઈ જતા લોકો માટે પ્રેરણારૂપ કિસ્સો
  • અમારા બાળકોને માસ્ક ફરજીયાત પહેરાવી રાખતા, રોજ ગરમ પાણી , હળદળ વાળું દૂધ , આયુર્વેદિક દવા, ઉકાળા નિયમિત આપતા અને અમે પિતા હતા – માતા
  • લોકો જે કહે તે પણ મારા અનુભવ મુજબ, સરકારી તંત્રની કામગીરીથી મને પૂર્ણ સંતોષ છે – જયશ્રી બેન

WatchGujarat. હાલ કોરોનાની ત્રીજી લહેર જેવી પરિસ્થિતિ છે. મોટા સાથે યુવાનો અને બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે સરકારી તંત્ર પણ તેની સામે સજ્જ છે. કોરોના સમયે આરોગ્ય વિભાગની કામગીરીને લોકોએ સુપેરે વધાવી છે. હાલ મોટે ભાગે ખાનગી દવાખાના નહિ પરંતુ સરકારી દવાખાનાની સારવાર થકી લોકો પુનઃ સ્વાસ્થ્ય મેળવી રહ્યા છે. આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં મહિલા પ્રોફેસર જયશ્રીબેનનાં એક બાદ એક ત્રણ સંતાનો કોરોના પોઝીટીવ બન્યા હતા. જો કે તંત્ર દ્વારા ઘેરબેઠા સમયસર આપવામાં આવેલી સારવાર દ્વારા હાલ ત્રણેય બિલકુલ સ્વસ્થ થયા છે.

આ અંગે પ્રોફેસર જયશ્રીબેને કહ્યું હતું કે, મારા દસ વર્ષના પુત્રને ગત 10 જાન્યુઆરીએ કોરોના લક્ષણો જણાતા સરકારી હોસ્પિટલમાં આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરાવ્યો. જે પોઝિટિવ આવતા ડોક્ટર્સ દ્વારા તેને હોમ આઇસોલેશનમાં સારવાર લેવા સલાહ આપવામાં આવી હતી. અને અમે લોકોએ પૂરતી સાવચેતી સાથે ડોક્ટર્સ દ્વારા આપેલી સરકારી દવા થકી સારવાર શરુ કરી હતી. દરમિયાન થોડા દિવસો બાદ બંને દીકરીઓને પણ લક્ષણ જાણતા અમે તેના એન્ટિજન ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં બંને પુત્રી પોઝિટિવ આવતા ડોક્ટર્સ દ્વારા તેઓને પણ ઘરે જ સારવાર લેવા જણાવાયું હતું.

ત્યારબાદ બંને દીકરીઓને પણ હોમ આઇસોલેશનમાં રાખી ડોક્ટર્સની સૂચા મુજબ દવા આપવાનું શરુ કર્યું હતું. આ દરમિયાન રોજ આરોગ્ય વિભાગમાંથી ખબર અંતર માટે ફોન આવતા હતા. તબિયતમાં સુધારો હોવા છતાં ધન્વંતરી રથ અમારા રૂટ પર હોય એટલે ચોક્કસ ઘરે આવતી હતી. અને દવા, ઓક્સિજન, ટેમ્પરેચર ચેક કરવામાં આવતું હતું. 104 માં ફોન કરીએ તો ત્યાં પણ શાંતિથી જવાબ મળતો હતો. અને સ્ટાફના કોઈ વ્યક્તિને ફોન કરીએ ત્યારે તેમની ફરજ પુરી થઈ ચુકી હોવા છતાં તેઓ સૌમ્યતાથી જવાબ આપતા હતા.

તંત્ર દ્વારા ઘરેબેઠા આપવામાં આવેલી સઘન સારવાર દ્વારા આજે મારા ત્રણેય સંતાનો નેગેટિવ આવી ચુક્યા છે. જેનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે. આ માટે સરકારી વિભાગનો માનીએ તેટલો આભાર ઓછો છે. એકપણ રૂપિયાના ખર્ચ વગર મારા ત્રણેય સંતાનો એક પછી એક કોરોનામાંથી બહાર આવી ગયા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, લોકો જે કહે તે પણ મારા અનુભવ મુજબ, સરકારી તંત્રની કામગીરીથી મને પૂર્ણ સંતોષ છે.

જયશ્રીબેને સારવાર દરમ્યાન કરવામાં આવેલી વિશેષ કાળજી અંગે જણાવતા કહ્યું હતું કે, અમારા બાળકોને માસ્ક ફરજીયાત પહેરાવી રાખતા, રોજ ગરમ પાણી , હળદળ વાળું દૂધ , આયુર્વેદિક દવા, ઉકાળા નિયમિત આપતા અને અમે પિતા હતા. સાથે જ ઘરના બારી બારણાં ખુલ્લા રાખવા, હાથ વારંવાર ધોવા અને સોશિયલ ડિસ્ટન્સનું પણ ઘરમાં ચુસ્ત પાલન કરાયું હતું. જેને પગલે હું અને મારા પતિ કોરોના સામે બચી ગયા હતા. આ તકે ઘરબેઠા જ તંત્ર દ્વારા આપવામાં આવી રહેલી સારવારની પ્રશંસા પણ તેમણે કરી હતી.

Facebook Comments Box

Videos

Our Partners