• 45 વર્ષિય વેપારીને સામાન્ય શરદીના લક્ષણો દેખાતા તેઓએ કોરોના રિપોર્ટ કરાવ્યો, રિપોર્ટ પોઝીટીવ આવ્યો
  • અન્ય જગ્યાએ આવેલા ટેસ્ટીંગ બુથમાં વધુ એક વખત સેમ્પલ આપતા રિપોર્ટ નેગેટીવ આવ્યો
  • આજે ICMRની વેબ સાઈટમાં તેમનો આ રિપોર્ટ નેગેટિવ દર્શાવવામાં આવ્યો છે
  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ દાખલ દર્દીઓની સંખ્યા 71 છે અને તેમાંથી 15ને ઓક્સિજન પર રાખવાની જરૂર પડી

WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા મનપાએ ઠેર-ઠેર ટેસ્ટિંગ શરૂ કર્યા છે. પરંતુ તેમાં પણ ગરબડો થતી હોવાનું સામે આવ્યું છે. જેમાં વેપારીને અડધો કલાકમાં જુદા-જુદા બે બુથ પરથી પોઝીટીવ તેમજ નેગેટિવ રિપોર્ટ મળ્યા હતા. જ્યારે અન્ય દર્દીનો રિપોર્ટ પોઝીટીવ છતાં પણ ICMR ની સાઈટમાં તેને નેગેટિવ દર્શાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈ લોકોમાં મનપાની ટેસ્ટિંગ પ્રક્રિયાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

પ્રથમ બનાવની વાત કરીએ તો શહેરના રૈયા રોડ પરના શિલ્પન ઓનેક્સ એપાર્ટમેન્ટમાં રહેતા 45વર્ષીય વેપારી ભરતભાઇ મથુરભાઇ રાવલને બે દિવસથી સામાન્ય શરદી હોય રવિવારે સવારે 11.20 વાગ્યે તેઓ રૈયા રોડ પર આવેલા મનપાના ટેસ્ટિંગ બૂથે પહોંચ્યા હતા. ત્યાં હાજર સ્ટાફે ભરતભાઇનું સેમ્પલ લીધું હતું અને તેઓ કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. કોરોનાના કોઇ ખાસ લક્ષણ ન હોવા છતાં પોઝિટિવ રિપોર્ટ આવતા ભરતભાઇને રિપોર્ટ પર શંકા ઊઠી હતી. અને તેઓ આકાશવાણી ચોક પાસેના ટેસ્ટિંગ બૂથ પર પહોંચ્યા હતા. આ બૂથ પર તેણે ફરીથી સેમ્પલ આપ્યું હતું. અને તેમના આશ્ચર્ય વચ્ચે ત્યાંના સ્ટાફે સેમ્પલનું પૃથક્કરણ કરી ભરતભાઇને 11.50 મિનિટે કોરોના નેગેટિવનો રિપોર્ટ આપ્યો હતો. 30 જ મિનિટમાં નેગેટિવ રિપોર્ટ મળતાં ભરતભાઇએ અગાઉનો પોઝિટિવ રિપોર્ટ બતાવતા આકાશવાણી ચોક પાસેના ટેસ્ટિંગ બૂથનો સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો. જો કે તેમણે પોતાના દ્વારા અપાયેલો નગેટિવ રિપોર્ટ સાચો હોવાનું કહ્યું હતું.

બીજા બનાવમાં ગઈકાલે નંદનવન આરોગ્ય કેન્દ્ર ખાતે 59 વર્ષીય હિતેન્દ્રભાઇ પંડ્યાએ ટેસ્ટ કરાવતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે આજે ICMRની વેબ સાઈટમાં તેમનો આ રિપોર્ટ નેગેટિવ દર્શાવવામાં આવ્યો છે. ત્યારે ટેસ્ટિંગની આ ગોલમાલને પગલે લોકોમાં ટેસ્ટિંગ બાબતે શંકા ઉત્પન્ન થઈ રહી છે. એક જ દર્દીનો કાગળ પર કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ICMRની વેબ સાઈટમાં ઓનલાઇન રિપોર્ટ નેગેટિવ દર્શાવવામાં આવતા મનપા સામે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ દાખલ દર્દીઓની સંખ્યા 71 છે અને તેમાંથી 15ને ઓક્સિજન પર રાખવાની જરૂર પડી છે આ સિવાયના દર્દીઓની હાલત હાલ સ્થિર છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો આક તેના કરતા ક્યાંય વધારે જોવા મળ્યો છે. આમ છતાં બીજી લહેરની સરખામણીએ હોસ્પિટલાઇઝેશનની સંખ્યા ખૂબ જ ઓછું છે તેથી તંત્રને રાહત થઈ છે.

Facebook Comments Box

Videos

Our Partners