• રાજકોટ જિલ્લામાં ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ હોય તેમ દિવસેને દિવસે કોરોનાના કેસ વધવા લાગ્યા છે
  • રાજકોટ શહેરમાં રવિવારે એક સાથે 24 કેસ નોંધાયા, જ્યારે 13 લોકોને રજા આપવામાં આવી
  • ત્રીજી લહેરની તૈયારીઓ અંતર્ગત જિલ્લા કલેક્ટર, સાંસદ અને ધારાસભ્ય સહિત અમે મુવેબલ હોસ્પિટલની મુલાકાત લીધી – સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદી

WatchGujarat. શહેરમાં ઓમીક્રોનનો પગપેસારો થયા બાદ પ્રથમ વખત સારા સમાચાર આવ્યા છે. જેમાં સૌપ્રથમ પોઝીટીવ આવેલા દર્દીનાં બંને રિપોર્ટ નેગેટિવ આવતા ગાઈડલાઈન અનુસાર આગામી એક-બે દિવસમાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. જોકે હાલ અન્ય એક લંડનની યુવતી ઓમીક્રોન વોર્ડમાં સારવાર લઈ રહી છે. જો કે શહેરમાં છેલ્લા એકાદ સપ્તાહમાં કોરોનાનાં કેસોમાં મોટો વધારો નોંધાયો છે. જેને લઈને વહીવટી તેમજ સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ થઈ ગયું છે. જે અંતર્ગત ડો.આર.એસ. ત્રિવેદી અને જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મુવેબલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સાથે જ સમરસ હોસ્ટેલ મળીને હાલ 3,000 બેડની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.

આ અંગેની વિગતો આપતા સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદીએ કહ્યું હતું કે, ત્રીજી લહેરની તૈયારીઓ અંતર્ગત જિલ્લા કલેક્ટર, સાંસદ અને ધારાસભ્ય સહિત અમે મુવેબલ હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત ત્રીજી વેવ માટે સિવિલ હોસ્પિટલ તૈયાર છે. આ સિવાય ચૌધરી હાઈસ્કૂલ, કેન્સર હોસ્પિટલમાં તેમજ સમરસ હોસ્ટેલ સહિત કુલ 3000 બેડ હાલમાં તૈયાર છે. આ ઉપરાંત ઑક્સિજન અને વેન્ટીલેટરની પૂરતી સગવડતા પણ ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.

ઓમીક્રોન અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, હાલમાં 100 બેડનો એક સ્પેશિયલ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં એકતરફ પોઝીટીવ અને બીજીતરફ શંકાસ્પદ દર્દીને રાખવામાં આવનાર છે. અત્યાર સુધી શહેરમાં 2 પોઝીટીવ અને ત્રણ શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા છે. જે પૈકી ખુશીની વાત છે કે, પ્રથમ પોઝીટીવ આવેલ દર્દીનાં બંને RTPCR રિપોર્ટ નેગેટિવ આવી ચુક્યા છે. અને આ દર્દીને આગામી એકાદ દિવસમાં ડિસ્ચાર્જ માટેની તૈયારીઓ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ હોય તેમ દિવસેને દિવસે કોરોનાના કેસ વધવા લાગ્યા છે. રાજકોટ શહેર અને ગ્રામ્યમાં 24 કલાકમાં 36 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ વધી ગઇ છે. કોરોનાનો સૌથી વધારે ખતરો બાળકો પર મંડરાશે તેવું ડોક્ટરોનું કહેવું સાચુ પડી રહ્યું છે. ગઇકાલે ગ્રામ્યમાં 12 કેસમાં 8-10 વર્ષના 5 બાળકો કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમજ શહેરમાં 24 કેસમાંથી 4 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતા.

રાજકોટ શહેરમાં રવિવારે એક સાથે 24 કેસ નોંધાયા હતા. જ્યારે 13 લોકોને રજા આપવામાં આવી હતી. શહેરમાં છેલ્લા સાત મહિના બાદ 24 કેસ નોંધાયા છે. છેલ્લે 11 જૂનના 24 કેસ નોંધાયા હતા. ત્યારબાદ કેસમાં ઘટાડો થતો ગયો હતો. જિલ્લામાં નવેમ્બરથી કેસમાં વધારો થઈ રહ્યો છે. અને છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36 નવા કેસ નોંધાયા છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 114 પર પહોંચી ગઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud