• આરોગ્ય વિભાગ દ્વારા આજે સવારે જસાણી સ્કૂલ, પી. ડી. એમ. કોલેજ પાસે, ગોંડલ રોડ ખાતેથી 15 થી 18 વર્ષના બાળકોને કોરોના સામેની વેક્સીન આપવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો
  • રાજકોટમાં જસાણી સ્કૂલ સહિત 71 શાળાઓમાં આરોગ્યની ટીમો દ્વારા વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે – મ્યુ. કમિશ્નર અમિત અરોરા
  • આરોગ્ય વિભાગનાં કહેવા મુજબ આ રસીકરણ બાદ પ્રથમ ડોઝ લેનાર વિદ્યાર્થીઓમાં સામાન્ય તાવ સહિતના લક્ષણ જોવા મળી શકે છે

WatchGujarat. ગુજરાત સરકારના આદેશ મુજબ, આજે શહેરની 71 શાળાઓમાં 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગોંડલ રોડની જસાણી સ્કૂલ ખાતે સવારે 10 વાગ્યે મ્યુ. કમિશ્નરની હાજરીમાં આ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. એ તકે શહેરમાં કુલ 80 હજાર જેટલા વિદ્યાર્થી હોવાનું જણાવી મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ માત્ર 6 દિવસમાં છાત્રોનાં રસીકરણનુ આ અભિયાન સફળતા પૂર્વક પૂરું કરી તમામ બાળકોને વેકસીનેટેડ કરવાનો દાવો કર્યો હતો.

મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા આજે સવારે જસાણી સ્કૂલ, પી. ડી. એમ. કોલેજ પાસે, ગોંડલ રોડ ખાતેથી 15 થી 18 વર્ષના બાળકોને કોરોના સામેની વેક્સીન આપવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે મનપાના પદાધિકારીઓ સહિત મ્યુ. કમિશ્નર અમિત અરોરા ખાસ હાજર રહ્યા હતા. જ્યાં વિદ્યાર્થીઓએ કંકુ ચોખા સાથે મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓનું સ્વાગત કર્યું હતું. બાદમાં આ રસીકરણ અભિયાનનો જોરશોરથી પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત આશરે 80,000 જેટલા બાળકોને કોરોના વિરોધી રસી આપવામાં આવનાર છે.

આ અંગે મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં જસાણી સ્કૂલ સહિત 71 શાળાઓમાં આરોગ્યની ટીમો દ્વારા વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. હાલ શહેરની 500થી વધુ શાળાઓમાં કુલ 80, હજાર જેટલા વિદ્યાર્થીઓ છે. અને આવતીકાલથી 400 જેટલી શાળાઓમાં આરોગ્યની વિભાગની 100 ટીમો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે. આ સિવાય જે વાલીઓ બાળકોને રસી આપવા તૈયાર નથી તેઓનું કાઉન્સલિંગ કરવામાં આવશે. અને માત્ર 6 દિવસમાં તમામ બાળકોને વેકસીન આપી 100 ટકા ટાર્ગેટ પૂર્ણ કરી લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગનાં કહેવા મુજબ આ રસીકરણ બાદ પ્રથમ ડોઝ લેનાર વિદ્યાર્થીઓમાં સામાન્ય તાવ સહિતના લક્ષણ જોવા મળી શકે છે. જેના કારણે વિદ્યાર્થી કે તેમના વાલીઓએ જરાપણ ચિંતા કરવાની જરૂર નથી. રસીની સાથે જ આ માટે દવાઓ પણ આપવામાં આવી રહી છે. જેના દ્વારા એકાદ-બે દિવસમાં જ જે-તે વિદ્યાર્થી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે. વિદ્યાર્થીઓમાં પણ કોરોનાની રસી લેવા માટે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અને સૌકોઈ વેકસીન લઈને કોરોનાને હરાવવા તત્પર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud