• વોર્ડ નં. 9માં હરિનગર મેઈન રોડ પર એક જ પરિવારના બે પુરુષ જેમાં એકની ઉંમર 73 અને બીજાની ઉંમર 35 વર્ષ છે
  • વોર્ડ નં. 10માં શારદાનગરમાં રહેતા એક જ પરિવારના 56 વર્ષ અને 29 વર્ષના બે મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • દિવાળીનાં તહેવારો દરમિયાન રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ઉપર ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેને પગલે પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે – મ્યુ. કમિશ્નર અમિત અરોરા

WatchGujarat. શહેરમાં દિવાળીના તહેવારો બાદ કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ગઇકાલે એક જ દિવસમાં ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે વધુ 2 પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. પોઝિટિવ તમામ વ્યક્તિઓએ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે અને ટ્રાવેલ હિસ્ટ્રી પણ ધરાવતા નથી. આથી લોકલ ટ્રાન્સમિશનનો ખતરો મંડરાઇ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

શહેરના વોર્ડ નં. 9માં હરિનગર મેઈન રોડ પર એક જ પરિવારના બે પુરુષ જેમાં એકની ઉંમર 73 અને બીજાની ઉંમર 35 વર્ષ છે. આ બંનેને રોગના લક્ષણો દેખાતા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા અને ત્યાં સેમ્પલ લેવાયા હતા. ખાનગી લેબમાં સેમ્પલ મોકલાતા રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો હતો. આ બંનેએ રસીના બંને ડોઝ લીધા હોવાનું ચોપડે નોંધાયું છે. બીજી તરફ વોર્ડ નં. 10માં શારદાનગરમાં રહેતા એક જ પરિવારના 56 વર્ષ અને 29 વર્ષના બે મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બંનેએ પણ રસી લીધી હોવાનું સામે આવ્યું છે. આ બંને પરિવારમાં કોઇ પણ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતું નથી.

ઉપરાંત મંગળવારે રેસકોર્સ નજીક રહેતા 55 વર્ષીય પુરુષ અને મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ બંને તાજેતરમાં અમદાવાદ અને બાદમાં વલસાડ જઈ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે બંનેએ રસીનાં બે-બે ડોઝ લઈ લીધા હોવાથી તબિયત સ્થિર છે. અને બંનેને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં કુલ કેસની સંખ્યા 42,852 થઈ છે. જો કે વધુ બે દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા હાલ માત્ર 8 એક્ટિવ કેસ છે.

આ અંગે મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, દિવાળીનાં તહેવારો દરમિયાન રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ઉપર ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેને પગલે પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. આ ઉપરાંત ભીડવાળા વિસ્તારોમાં પણ ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. સાથે-સાથે જે પોઝીટીવ કેસ આવ્યા છે તેમના કોન્ટેક્ટનું પણ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સતર્ક હોવાનું પણ તેમણે કહ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud