• કોરોના કાળમાં શાળાઓ ખોલવા અને બંધ કરવા અંગે અંગે રાજ્ય સરકાર દ્વારા પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવાતો હોય છે – જીતુ વાઘાણી
  • શિક્ષણને નુકસાન ન થાય અને બાળકોનું આરોગ્ય પણ સારું રહે તે જોઈને શાળાઓ શરૂ કરવામાં આવશે
  • FRC શાળા સંચાલકો તેમજ વાલીઓને સાંભળીને કોઈપણ નિર્ણય કરે છે

WatchGujarat.  દેશભરમાં 73માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરનાં પોલીસ હેડક્વાર્ટર ખાતે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં દેશભક્તિનાં આ પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જીતુ વાઘાણીનાં હસ્તે તિરંગો લહેરાવાયો હતો. તો પોલીસ જવાનોએ પરેડ યોજી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ તકે ખાનગી શાળાઓમાં થયેલા ફી વધારા અંગે વાઘાણીએ જણાવ્યું હતું કે, ફી વધારો FRC નો નિર્ણય છે. જેની રચના હાઇકોર્ટનાં આદેશ અનુસાર કરવામાં આવી છે. આ બાબતમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. જ્યારે કન્યાઓની શાળામાં પુરુષ પ્રિન્સિપાલની નિમણુંક કરવી ગેરકાયદે છે કે નહીં તેની તપાસ કરવાની ખાતરી તેમણે આપી હતી.

જીતુ વાઘાણીનાં જણાવ્યા મુજબ, કોરોના કાળમાં શાળાઓ ખોલવા અને બંધ કરવા અંગે અંગે રાજ્ય સરકાર દ્વારા પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવાતો હોય છે. આગામી દિવસોમાં શિક્ષણને નુકસાન ન થાય અને બાળકોનું આરોગ્ય પણ સારું રહે તે જોઈને શાળાઓ શરૂ કરવામાં આવશે. કોરોના કાળમાં ગ્રામ્ય ઉપરાંત શહેરી વિસ્તારનાં વિદ્યાર્થીઓને લર્નિંગ લોસ થયો છે. તેમાં પણ એક કલાક વધારે શાળાઓ ચાલુ રાખવામાં આવશે. અને રાજ્યનો વિદ્યાર્થી ક્યાંય પાછો પડે નહીં તેના માટે તમામ જરૂરી પગલાં રાજ્ય સરકાર દ્વારા લેવાશે.

શાળાઓમાં થયેલા ફી વધારા અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, આપ જાણો છો તેમ FRC એક સ્વતંત્ર બોડી છે. જેની રચના નામદાર હાઇકોર્ટ દ્વારા કરવામાં આવી છે. FRC શાળા સંચાલકો તેમજ વાલીઓને સાંભળીને કોઈપણ નિર્ણય કરે છે. ત્યારે ફી વધારામાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. 4 ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે પુરુષની નિમણુંક અંગે વાઘાણીએ કહ્યું હતું કે, સામાન્ય રીતે ગર્લ્સ હાઈસ્કૂલમાં મહિલા પ્રિન્સિપાલની નિમણુંક કરવાની પ્રણાલી હોય છે. પણ આવો નિયમ છે કે નહીં તેની તપાસ બાદ યોગ્ય નિર્ણય કરવામાં આવશે.

Facebook Comments Box

Videos

Our Partners