• રામનાથપરા ખાતે કુલ રૂ. 48.50 લાખના ખર્ચે નવનિર્મિત ફૂલબજાર તથા કુલ રૂ. 03.40 કરોડના ખર્ચે શ્રી સંત તુલસીદાસ પ્રાથમિક શાળાનાં બિલ્ડીંગનું નવનિર્માણ કરવામાં આવ્યું
  • ખેડૂતોને ફૂલ વેંચવામાં સરળતા રહે તે માટે ફૂલબજારનું નિર્માણ કરવા બદલ મનપાની પ્રશંસા
  • જો કોઇ કાયદાને હાથમાં લે તો તેની સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ – શિક્ષણમંત્રી જીતુ વાઘાણી

WatchGujarat. ગુજરાતનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી બે દિવસથી રાજકોટની મુલાકાતે છે. ત્યારે આજરોજ ભાજપનાં સ્થાપના દિવસે તેમના હસ્તે મનપા દ્વારા ખાસ નવનિર્મિત શાળા અને ફૂલ બજારનાં બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ મુદ્દે પુછાયેલા એક સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, કોણ યુવરાજસિંહ અને કોણ જીતુ વાઘાણી ? કાયદો બધા માટે સરખો જ હોય છે. અને તેનો ભંગ કરનાર સામે ન્યાયતંત્ર તેમજ પોલીસ કાર્યવાહી કરશે. તો નરેશ પટેલનાં ભાજપમાં પ્રવેશ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, વાતો તેમજ ચર્ચાને લઈ સમાજના આગેવાન વિશે ટિપ્પણી કરવી અયોગ્ય છે.

મનપા દ્વારા શહેરનાં રામનાથપરા ખાતે કુલ રૂ. 48.50 લાખના ખર્ચે નવનિર્મિત ફૂલબજાર તથા કુલ રૂ. 03.40 કરોડના ખર્ચે શ્રી સંત તુલસીદાસ પ્રાથમિક શાળાનાં બિલ્ડીંગનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. આજરોજ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ બંને બિલ્ડીંગોનું લોકાર્પણ કર્યું હતું. અને ખેડૂતોને ફૂલ વેંચવામાં સરળતા રહે તે માટે ફૂલબજારનું નિર્માણ કરવા બદલ મનપાની પ્રશંસા કરી હતી. સાથે શાળાનાં લોકાર્પણ સમયે પણ તેમણે રાજ્ય સરકાર શિક્ષકોનો ખાસ ખ્યાલ રાખતી હોવાનું જણાવ્યું હતું. તેમજ સામાન્ય અને છેવાડાના માનવીની ઉન્નતિ થાય, તે માટેની ચિંતા – કાર્યો રાજ્ય સરકાર કરી રહી હોવાનો દાવો કર્યો હતો.

ગઈકાલે થયેલી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ મામલે તેમણે કહ્યું હતું કે, કોણ જીતુ વાઘાણી ? અને કોણ યુવરાજસિંહ ? કાયદો બધા માટે સમાન છે. જો કોઇ કાયદાને હાથમાં લે તો તેની સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. ભૂતકાળમાં બાવડા પકડીને સરકારી ભરતીઓ થતી હતી. છતાં જો કોઇ ભરતીમાં ગેરરિતી થઇ હશે તો કાર્યવાહી કરવાની સરકારની પૂરતી તૈયારી છે. પણ કોઇ વ્યક્તિ ખોટી રીતે પેપર ફૂટ્યાની વાત કરી યુવાનોને ગુમરાહ કરે તે અયોગ્ય છે. ગુજરાત સરકાર પરીક્ષાનું કામ સારી રીતે કરી રહી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

Facebook Comments Box

Videos

Our Partners