• મારુ બિલ સામાન્ય રીતે રૂ.1000-1500 આસપાસ આવતું હોય છે. જેના બદલે હાલ આટલું મોટું બિલ શા માટે અપાયું તે પણ મોટો સવાલ છે – રાજપરા નવનીતભાઈ
  • એટલો વપરાશ પણ 1BHKનાં ક્વાર્ટરમાં થવો શક્ય જ નથી
  • નવીનભાઇએ જણાવ્યું કે, 15000માં નોકરી કરું છું. અને એક વર્ષ મારો આખો પગાર આપું ત્યારે આ બિલ ભરી શકાય

WatchGujarat. પીજીવીસીએલ તંત્ર દ્વારા આડેધડ બિલો ફટકારવાનાં કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. તાજેતરમાં એક 1BHKનાં ફ્લેટ ધારકને 10 લાખ જેટલું બિલ ફટકારવાની ઘટના સામે આવી હતી. ત્યારે ફરી આવી એક ઘટના સામે આવી છે. જેમાં આવાસ યોજનાનાં ક્વાર્ટરમાં રહેતા વ્યક્તિને રૂ. 1,84,161નું બિલ ફટકારવામાં આવ્યું છે. આટલી મોટી રકમનું બિલ મળતા ક્વાર્ટર ધારકને ઝાટકો લાગ્યો હતો. અને આ અંગે પીજીવીસીએલનાં અધિકારીઓને રજુઆત પણ કરી હતી. જેને લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ત્વરિત પગલાં લેવાને બદલે મીટરની ચકાસણી કરવા કહેતા અનેક સવાલો ઉઠયા છે.

આ અંગે ભોગ બનનાર રાજપરા નવનીતભાઈએ કહ્યું હતું કે, હું સામાન્ય માણસ છું. અને આવાસ યોજનાનાં સરકારી ક્વાર્ટરમાં રહુ છું. પીજીવીસીએલ તંત્ર દ્વારા મને રૂ. 1.84 લાખનું બિલ આપવામાં આવ્યું છે. મારુ બિલ સામાન્ય રીતે રૂ.1000-1500 આસપાસ આવતું હોય છે. જેના બદલે હાલ આટલું મોટું બિલ શા માટે અપાયું તે પણ મોટો સવાલ છે. આ બિલની રકમ ભરી શકવાની મારી કોઈ પરિસ્થિતિ જ નથી. સાથે એટલો વપરાશ પણ 1BHKનાં ક્વાર્ટરમાં થવો શક્ય જ નથી. આ પીજીવીસીએલ તંત્રની બેદરકારી છે. જે સ્વીકાર કરવાને બદલે મીટર ચેકીંગ કરવાનું જણાવાયું છે.

અત્યાર સુધી હું રેગ્યુલર બિલ ભરતો હતો. પણ આ બિલ મળતા મેં અધિકારીઓને રજુઆત કરી છે. જ્યાં મને જણાવવામાં આવ્યું કે, મારુ મીટર બદલી અપાશે. બાદમાં જૂનું મીટર લેબોરેટરીમાં મોકલાશે. અને ચેકીંગ દરમિયાન જો આ બિલ સાચું હોવાનું સામે આવશે તો બિલ ભરવાનું રહેશે. ત્યારે લેબોરેટરીમાં શુ અને કેવું ચેકીંગ થશે અને તેનું જે કંઈપણ પરિણામ આવે આ બિલ મારે કેવી રીતે ભરવું ? હું રૂ. 15000માં નોકરી કરું છું. અને એક વર્ષ મારો આખો પગાર આપું ત્યારે આ બિલ ભરી શકાય. પરંતુ એવું કરું તો પરિવારનું ગુજરાન કેમ ચલાવવું ?

Facebook Comments Box

Videos

Our Partners