• રીબડા ગામના ગેઈટ સામેથી ગઈકાલે જીન્સ-ટી-શર્ટ પહેરેલી અને અંદાજે 25 વર્ષની જણાતી અજાણી યુવતીની લાશ મળી હતી
  • લાશનું નિરિક્ષણ કર્યા પછી બનાવ અકસ્માતે મોત, આપઘાત કે હત્યાનો છે તે સ્પષ્ટ નહી થતા પોલીસે લાશને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે ખસેડી
  • સાજેદા ઉર્ફે સાજુએ ત્રણેક વર્ષ પહેલા સંદિપ પટેલ સાથે પોતાના લગ્ન થઈ ગયાનું જાહેર કર્યું હતું. જો કે વાસ્તવમાં બંનેના લગ્ન થયા ન હતા

WatchGujarat. ગોંડલના રીબડા ગામ પાસેથી ગઈકાલે એક અજાણી યુવતીની લાશ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બનાવ હત્યાનો હોવાનો ઘટસ્ફોટ થયો છે. એટલું જ નહીં મૃતક યુવતીને બીજા કોઈએ નહી પરંતુ તેના પતિ તરીકે સાથે રહેતા પ્રેમીએ જ કરી હોવાનું અને બાદમાં લાશ ફેંકી દીધાનું બહાર આવ્યું છે. જેના આધારે પોલીસે આરોપી પતિ કમ પ્રેમી સંદિપ સગપરીયાને સકંજામાં લઇ વધુ તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત મુજબ, રીબડા ગામના ગેઈટ સામેથી ગઈકાલે જીન્સ-ટી-શર્ટ પહેરેલી અને અંદાજે 25 વર્ષની જણાતી અજાણી યુવતીની લાશ મળી હતી. જેને પગલે ગોંડલ તાલુકા પોલીસનો કાફલો ત્યાં દોડી ગયો હતો. લાશનું નિરિક્ષણ કર્યા પછી બનાવ અકસ્માતે મોત, આપઘાત કે હત્યાનો છે તે સ્પષ્ટ નહી થતા પોલીસે લાશને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. બીજીતરફ ગોંડલ તાલુકા પોલીસ મૃતક યુવતીની ઓળખ મેળવવા માટે મથતી હતી. ત્યાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આ બનાવ હત્યાનો હોવાનું શોધી કાઢયું હતું. એટલુ જ નહી મૃતક યુવતીના પતિ કમ પ્રેમીએ જ તેને મોતને ઘાટ ઉતારી દીધાની માહિતી મળી જતા મૃતક યુવતીના પતિ સંદિપ છગન સગપરીયાને સકંજામાં લઈ પુછપરછ શરૂ કરી છે.

પોલીસનાં જણાવ્યા પ્રમાણે આ મૃતક યુવતીનું નામ સાજેદા ઉર્ફે સાજુ ઉર્ફે સંજના ફિરોઝભાઈ સમા છે. તેની ઉંમર 20 વર્ષ આસપાસ છે. સાજેદા ઉર્ફે સાજુએ ત્રણેક વર્ષ પહેલા સંદિપ પટેલ સાથે પોતાના લગ્ન થઈ ગયાનું જાહેર કર્યું હતું. જો કે વાસ્તવમાં બંનેના લગ્ન થયા ન હતા. આમ છતા બને લીવ ઈન રીલેશનશીપની જેમ સાથે રહેતા હતા. એટલુ જ નહી બંનેને સંતાનમાં પુત્રની પણ પ્રાપ્તી થઈ હતી. જે હાલ દોઢેક વર્ષનો છે. બુધવારે મોડી સાંજે સંદીપ સજુને એકટીવા પર લઈ રીબડા પહોંચ્યો હતો. જયાં બંને વચ્ચે બોલાચાલી થયા બાદ સંદિપે ગળુ દબાવી તેની હત્યા કરી નાખ્યાની પ્રાથમિક તપાસમાં પોલીસને માહિતી મળી છે.

પોલીસે વધુ તપાસ કરતા એવું પણ જાણવા મળ્યું છે કે સંદિપને સજુના એકથી વધુ શખ્સો સાથે આડાસંબંધ હોવાની શંકા જતા હત્યા કરી નાખી છે. ક્રાઈમ બ્રાન્ચે સંદિપને સકંજામાં લીધા બાદ ગોંડલ તાલુકા પોલીસને સોંપી દે તેવી શકયતા છે. શરૂઆતમાં સાજુની ગોંડલ રોડ પરના એક એપાર્ટમેન્ટમાં હત્યા કરાયા બાદ લાશ રીબડા ફેંકી દેવાયાની માહિતી પોલીસને મળી હતી. જોકે પોલીસે જણાવ્યું કે હત્યા જયાંથી લાશ મળી ત્યાં જ થયાનું અત્યાર સુધીની તપાસ દરમ્યાન જાણવા મળ્યું હોવાથી કેસમાં ગોંડલ તાલુકા પોલીસ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરે તેવી સંભાવના છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud