• શાપર વેરાવળમાં રેડિકો ઓટો મેન્શનની બાજુમાં કારખાનાની ઓરડીમાં રહેતી 30 વર્ષીય શબનમકુમારી સંતોષ ચૌહાણ નામની પરિણીતાને પડોશમાં રહેતો સોનુ નામનો શખ્સ હેરાન કરતો
  • વારંવાર નશામાં ધૂત થઈ બારીમાંથી ડોકા કાઢી છેડતી કરતા આ શખ્સને શબનમકુમારીએ આમ કરવાની ના પાડી
  • ઉશ્કેરાયેલા સોનુએ  તેના ભાઇ શંભુ સાથે મળી લોખંડના સળીયાથી હુમલો કરી દીધો

WatchGujarat. શાપર વેરાવળમાં કારખાનાની ઓરડીમાં પતિ સાથે રહેતી મુળ બિહારની પરિણીતાની હત્યા થયાની ઘટના સામે આવી છે. જેમાં યુપીનો એક શખ્સ બારીમાંથી ડોકા કાઢી છેડતી કરી હેરાન કરતો હોઇ તેને ટપારતાં આ શખ્સે તેના ભાઇ સાથે મળી પરિણિતા પર લોખંડના સળીયાથી હુમલો કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી. બનાવને પહલે સારવારમાં ખસેડાયેલી પરિણીતાનું મોત નિપજતાં ત્રણ સંતાનો માતા વિહોણા થયા છે. હાલ શાપર પોલીસે હત્યા કરનારા પૈકીના એકને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

જાણવા મળી રહેલી વિગત મુજબ, શાપર વેરાવળમાં રેડિકો ઓટો મેન્શનની બાજુમાં કારખાનાની ઓરડીમાં રહેતી 30 વર્ષીય શબનમકુમારી સંતોષ ચૌહાણ નામની પરિણીતાને પડોશમાં રહેતો સોનુ નામનો શખ્સ હેરાન કરતો હતો. વારંવાર નશામાં ધૂત થઈ બારીમાંથી ડોકા કાઢી છેડતી કરતા આ શખ્સને શબનમકુમારીએ આમ કરવાની ના પાડી હતી. જેને લઈને ઉશ્કેરાયેલા સોનુએ  તેના ભાઇ શંભુ સાથે મળી લોખંડના સળીયાથી હુમલો કરી ગંભીર ઇજા કરતાં તેણીને પ્રથમ શાપર અને બાદમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.

આ અંગે મૃતકનાં પતિ સંતોષ ચૌહાણે જણાવ્યું હતું કે હું સન્ની એન્ટરપ્રાઇઝમા઼ કામ કરુ છુ઼. રાતે પોણા દસેક વાગ્યે કારખાને હતો ત્યારે સાળાનો દિકરો પવન મને બોલાવવા આવ્યો હતો અને કહ્યું હતું કે તમારા પત્નિ સાથે સોનુ અને તેનો ભાઇ શંભુ ઝઘડો કરે છે. આથી હું અને બીજા બે સાથી કર્મચારી ઘરે આવ્યા હતાં. આ વખતે ઝઘડો ચાલુ હોઇ મેં સોનુ અને શંભુને ઝઘડો ન કરવા સમજાવતાં બંને વધુ ઉંશ્કેરાયા હતાં. અને મારી પત્નિને વાળ ખેંચી ઢસડી પછી લોખંડના સળીયાથી હુમલો કરતાં મારી પત્નિ શબનમને માથામાં ગંભીર ઇજા થતાં તે લોહીલુહાણ થઇ પડી ગઇ હતી.

દરમિયાન દેકારો મચી જતાં બીજા લોકો ભેગા થતાં સોનુ અને શંભુ ભાગી ગયા હતાં. જોકે અમે શબનમને પહેલા શાપર અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ અહીં સારવાર દરમિયાન તેણીનું મોત નિપજ્યું છે. સંતોષે વધુમાં જણાવ્યું હતું કે મારી નોકરી સવારથી રાત સુધી હોઇ મોટે ભાગે શબનમ ઘરે એકલી રહેતી હતી. જેને લઈને સોનુ વારંવાર દારૂ પી મારી પત્નિની પજવણી કરી હેરાન કરતો હતો અને બારીમાંથી ડોકા કાઢી છેડતી કરતો હતો.

ગત રાતે પણ મારી પત્નિ ઓરડીમાં એકલી હતી ત્યારે સોનુએ બારીમાંથી ડોકુ કાઢતાં તેણે આવું કરવાની ના પાડતાં તેણે પત્નિ સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન હું સમજાવવા આવતાં વધુ ઝઘડો કર્યો હતો અને મારી નજર સામે સળીયાના ઘા ફટકારી દીધા હતાં. શાપર પોલીસ દ્વારા મૃતકની લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતક  શબનમકુમારીનાં લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતાં. અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. આ ઘટનાને પગલે ત્રણેય સંતાનો મા વિહોણા થઇ જતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud