• જંકશન પ્લોટમાં આવેલ ગુરુનાનક કોમ્પ્લેક્ષમાં વાહે ગુરુ કી સેન્ટર નામની દુકાન આવેલી છે
  • આજે સાંજે 5 વાગ્યા આસપાસ ફરજીતસીંગ અને સરજીતસીંગ નામના બે શખ્સો બળજબરીથી દુકાનમાં ઘુસી ગયા
  • કૌટુંબિક ભાઈ સત્યસિંગને આડેધડ છરી-બેલાનાં ઘા ઝીંકતા સત્યસિંગ લોહીલુહાણ થઈ ઢળી પડ્યો

WatchGujarat. શહેરના જંકશન પ્લોટમાં ભર બજારે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં સમી સાંજે  વાહે ગુરુ કી સેન્ટરમાં આવી બે કૌટુંબિક ભાઈઓએ છરી અને બેલાના ઘા ઝીકી યુવકની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીઓ પોલીસનાં હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે. જો કે હત્યાનું કારણ હજુસુધી સામે આવ્યું નથી.

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, જંકશન પ્લોટમાં આવેલ ગુરુનાનક કોમ્પ્લેક્ષમાં વાહે ગુરુ કી સેન્ટર નામની દુકાન આવેલી છે. આજે સાંજે 5 વાગ્યા આસપાસ ફરજીતસીંગ અને સરજીતસીંગ નામના બે શખ્સો બળજબરીથી દુકાનમાં ઘુસી ગયા હતા. અને ત્યાં બેઠેલા તેના કૌટુંબિક ભાઈ સત્યસિંગને આડેધડ છરી-બેલાનાં ઘા ઝીંકતા સત્યસિંગ લોહીલુહાણ થઈ ઢળી પડ્યો હતો. બાદમાં લોકો-વેપારીઓ એકઠા થઇ જતાં આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ અને 108નો કાફલો પણ દોડી ગયો હતો. અને સત્યસિંગને સારવાર માટે ખસેડી લેવાયો હતો. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે પોલીસની પ્રાથમિમ તપાસમાં મૃતકના કૌટુંબિક ભાઈઓએ જ કાળા કલરના મોટરસાયકલ પર આવી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. આ સાથે મૃતક અને બંને આરોપીઓ જામનગર રોડ પર આવેલ ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટરમાં રહેતા હોવાનું જાણવા મળતા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners