• સપ્તાહ પૂર્વે પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાની પહોંચી હોવાનું સામે આવ્યું
  • રાજકોટ-જામનગર જિલ્લાના ખેડૂતોને સૌથી વધુ નુકસાન
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનાં કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગર જિલ્લાના ધારાસભ્ય અને વતની છે

WatchGujarat. તાજેતરમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ તેમજ ગોંડલ સહિતનાં સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. જેમાં ખેડૂતોનાં કપાસ-મગફળી ઉપરાંત ડુંગળીનાં ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. એટલું જ નહીં અનેક સ્થળોએ ખેડૂતોની જમીનને પણ મોટું નુકસાન થતા જગતનાં તાતે માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. ત્યારે ભારતીય કિસાન સંઘ ખેડૂતોની વ્હારે આવ્યું છે. અને નવી સરકારની કેબિનેટ પાસે સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોને થયેલા નુકસાનનો ઝડપી સર્વે કરી વધુમાં વધુ સહાય ઝડપથી ચુકવવાની માંગ કિસાન સંઘે કરી છે.

કિસાન સંઘનાં પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, સપ્તાહ પૂર્વે પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાની પહોંચી હોવાનું સામે આવ્યું છે. જેમાં રાજકોટ-જામનગર જિલ્લાના ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે. આથી નવી સરકાર વહેલી તકે સર્વે પૂર્ણ કરી પૂરતી સહાય કરે તેવી અમારી માગ છે. ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં જલ્દીથી સર્વે પૂર્ણ કરી વહેલી તકે પૂરતી સહાય ખેડૂતોને આપવાની અપીલ પણ તેમણે કરી છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટા ભાગે કપાસ, મગફળી અને ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેને લઈને આ પાકને ભારે નુકસાન થયું છે. એટલું જ નહીં અનેક સ્થળે જમીનોનું પણ ધોવાણ થઈ ગયું હોવાથી ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ ખેતરો ધોવાય ગયા છે તો આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખી પૂરતી અને યોગ્ય સહાય જલ્દીથી ખેડૂતોને આપવામાં આવે તેવી અમારી ખેડૂત આગેવાન તરીકે માંગ હોવાનું પણ તેમણે કહ્યું હતું.

નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનાં કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગર જિલ્લાના ધારાસભ્ય અને વતની છે. ત્યારે તેઓ આ વિસ્તારની પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. અને તેમણે પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી છે. ત્યારે સર્વે બાદ યોગ્ય સહાય અપાવવામાં નવા કૃષિમંત્રી કેટલા સફળ નીવડે છે તેનાં પાર ખેડૂત આગેવાનોની મીટ મંડાયેલી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud