• ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીએ પોતાના ધંધાના વિકાસ માટે ફરિયાદી અનિલભાઈ ધનરાજભાઇ જેઠાણી સાથેના સંબંધોના કારણે જુદી જુદી રકમ હાથ ઉછીની લીધી હતી
  • ત્રણ જુદા જુદા ચેકો કુલ રૂપિયા 22.50 લાખ પરત કરવા માટે ફરીયાદીને આપ્યા હતા
  • ચેક લખનારના ખાતામાં અપૂરતી રકમ હોવાની નોંધ સાથે બેન્કમાંથી પાછા ફરતા અનિલભાઈ દ્વારા વકીલ મારફતે રાજકુમાર સંતોષીને કાનૂની નોટિસ આપવામાં આવી

WatchGujarat. બોલીવુડ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી ચેક રિટર્ન અંગેના બે કેસમાં દોષી જાહેર થયા છે. અને નામદાર કોર્ટ દ્વારા રૂ. 22.5 લાખના ચેક રિટર્ન થવાના જુદા-જુદા બે કેસમાં એક-એક વર્ષની સજા ફટકારાઈ છે. સાથે ફરિયાદીને બે મહિનામાં ચેકની રકમ ચૂકવવા આદેશ પણ કોર્ટ દ્વારા કરાયો છે. અને જો તેમાં કસુર કરે તો વધુ એક-એક વર્ષની સજાનો હુકમ પણ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફથી વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રવીણભાઇ એચ. કોટેચા, રવિભાઈ સેજપાલ, રજની કુકડીયા, હરેશ મકવાણા, ચિંતન મહેતા, મોહિતભાઈ, દિવ્યેશ રૂડકીયા, અજયસિંહ ચુડાસમા, નિલય પાઠક અને પુર્વેશ કોટેચા રોકાયા હતા.

આ કેસની વિગત મુજબ બોલીવૂડ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીએ પોતાના ધંધાના વિકાસ માટે ફરિયાદી અનિલભાઈ ધનરાજભાઇ જેઠાણી સાથેના સંબંધોના કારણે જુદી જુદી રકમ હાથ ઉછીની લીધી હતી. અને તે અંગે ત્રણ જુદા જુદા ચેકો કુલ રૂપિયા 22.50 લાખ પરત કરવા માટે ફરીયાદીને આપ્યા હતા. જે ચેક લખનારના ખાતામાં અપૂરતી રકમ હોવાની નોંધ સાથે બેન્કમાંથી પાછા ફરતા અનિલભાઈ દ્વારા વકીલ મારફતે રાજકુમાર સંતોષીને કાનૂની નોટિસ આપવામાં આવી હતી. છતાં કોઈ જવાબ નહીં મળતા રાજકુમાર સંતોષી સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ રાજકોટની અદાલતમાં રૂપિયા 17.5 લાખ તેમજ 5 લાખની એમ જુદી જુદી બે ફોજદારી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.

આ બન્ને કેસો રાજકોટ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન.એચ.વસવેલીયાની અદાલતમાં ચાલ્યા હતા. જેમાં આરોપીએ કોર્ટમાં ફરિયાદીએ મારા કોરા ચેકનો દુરૂપયોગ થયો છે અને મેં રકમો ચૂકવી આપેલ છે, અને કોઈ નાણાકીય વ્યવહાર બાકી નથી, એવો વિરોધાભાસી બચાવ લેવામાં આવ્યો હતો. આ કેસ દરમિયાન બેંકનો પુરાવા લેવાયો હતો. બેંક અધિકારી દ્વારા ફરિયાદની હકિકતોને સમર્થન અપાયું હતું. આ ઉપરાંત ફરીયાદી તરફે દલીલ કરવામાં આવી હતી કે આરોપી દ્વારા અગાઉ અપાયેલા ચેકો પણ રિટર્ન થયા હતા, તે વખતે નવા ચેકો બદલી આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ફરિયાદીના ધારાશાસ્ત્રી દ્વારા આ બાબતે હાઇકોર્ટ – સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરી આરોપીને તકસીરવાર ઠરાવી યોગ્ય નસીહત આપવા રજૂઆતો કરવામાં આવી હતી. જે ધ્યાને લઇને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન. એચ. વસવેલિયાની કોર્ટમાં બોલીવુડ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ તકસીરવાર ઠરાવી એક વર્ષની કેદ અને ચેકની રકમ ફરિયાદીને વળતર તરીકે 60 દિવસમાં ચૂકવી આપવા, તેમજ જો ન ચૂકવી આપે તો વધુ એક-એક વર્ષની સજાનો હુકમ કર્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners