• ગત મોડીરાત્રે ચેતન ઉર્ફે હરીશ મેણંદભાઈ રાઠોડ નામનો યુવક માધાપર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો
  • દરમિયાન પીધેલી હાલતમાં રોંગ સાઈડમાં આવતા છોટા હાથી વાહન સાથે એક્ટિવા અથડાતા બોલાચાલી થઈ
  • યુવરાજસિંહે યુવકને રિવોલ્વરથી માથામાં માર મારતાં યુવક ભાગવા લાગ્યો ત્યારે તેને ડરાવવા હવામાં ચારેક રાઉન્ડ ફાયરિંગ કર્યું

WatchGujarat. શહેર પોલીસ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકોને પકડવામાં વ્યસ્ત છે. બીજીતરફ ગુનેગારોમાં જાણે પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં વાહન અથડાવાની બાબતમાં એક યુવકની હત્યા થઈ હતી. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં વાહન સામસામે આવી જવા મુદ્દે પોતે રોંગ સાઈડમાં હોવા છતાં પણ લુખ્ખાઓ દ્વારા યુવક સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં હવામાં ચારેક રાઉન્ડ ફાયરિંગ કરીને યુવકને રિવોલ્વર વડે માથામાં માર મારવામાં આવતા ઘાયલ થયેલા યુવકને સારવાર માટે ખસેડી લેવામાં આવ્યો છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત અનુસાર ગત મોડીરાત્રે ચેતન ઉર્ફે હરીશ મેણંદભાઈ રાઠોડ નામનો યુવક માધાપર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પીધેલી હાલતમાં રોંગ સાઈડમાં આવતા છોટા હાથી વાહન સાથે એક્ટિવા અથડાતા બોલાચાલી થઈ હતી. દરમિયાન સચિન બાબરીયા, દીપક બાબરીયા, યુવરાજસિંહ ચુડાસમા, બ્રીજરાજસિંહ ચુડાસમા અને વીરભદ્રસિંહ જાડેજા, સહિત 5 જેટલા શખ્સોએ આ યુવકને ઢોર માર માર્યો હતો. જેમાં યુવરાજસિંહે આ યુવકને રિવોલ્વરથી માથામાં માર મારતાં યુવક ભાગવા લાગ્યો હતો. ત્યારે તેને ડરાવવા હવામાં ચારેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

ઘટનાની જાણ થતાં લોકો એકઠા થવા લાગ્યા હતા. જેને લઈને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતાં. આ અંગે સ્થાનિક લોકોએ જાણ કરતા પોલીસ અને 108 ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ઘાયલ યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે પાંચેય શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ગણતરીની કલાકોમાં પોલીસે આ કામના બધા આરોપીઓને સકાંજામાં લઈ લીધા હોવાનું હાલ જાણવા મળ્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners