• દરેક વિસર્જન સ્થળે પોલીસની સાથે મનપાની ફાયર વિભાગની ટીમ પણ કાર્યરત
  • આજે વિસર્જન પૂર્વે સાર્વજનિક ગણેશ મહોત્સવના આયોજકોને પોલીસ તંત્રએ મંજૂરીની સાથે રૂટ કલર કોડ આપવામાં આવ્યા
  • 253 સાર્વજનિક ગણપતિ મહોત્સવના આયોજકોએ અને 76 ભાવિકોએ ઘરમાં ગણપતિનું વિસર્જન કરવા મંજૂરી મેળવી

WatchGujarat. દસ દિવસ સુધી ગજાનનની પૂજા-અર્ચના, આરાધના બાદ આજે ભાવિકો ભાવભેર વિઘ્નહર્તાની સ્થાપિત મૂર્તિનું નદી-તળાવમાં વિસર્જન કરવા પહોંચ્યા હતા. પર્યાવરણની જાળવણી કરવા, જળસ્ત્રોતોમાં થતું પ્રદૂષણ અટકાવવા, કાયદો-વ્યવસ્થાની જાળવણી કરવા અને જળસૃષ્ટિ પર વિપરીત અસર થતી અટકાવવાના હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની ભાગોળે જુદા-જુદા સાત સ્થળોએ ગણેશ મૂર્તિ વિસર્જિત કરવાનું નક્કી કરાયું છે. અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

દરેક વિસર્જન સ્થળે પોલીસની સાથે મનપાની ફાયર વિભાગની ટીમ પણ કાર્યરત હતી અને તેમના દ્વારા ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. પાણીની અંદર જઈ કોઈપણ ભાવિકને મૂર્તિ વિસર્જિત કરવાની પરવાનગી આપવામાં આવી નથી. ભાવિકો મુહૂર્ત જોઈને ગજાનનના વિસર્જન માટે પહોંચ્યા હતા. અને ઢોલ-નગારા સાથે અબીલ ગુલાલ અને અશ્રુભીની આંખ સાથે વિઘ્નહર્તાને વિદાય આપવામાં આવી હતી.

આજે વિસર્જન પૂર્વે સાર્વજનિક ગણેશ મહોત્સવના આયોજકોને પોલીસ તંત્રએ મંજૂરીની સાથે રૂટ કલર કોડ આપવામાં આવ્યા છે. જે રૂટ કલર કોડના કાર્ડ હશે તે મુજબ જ માત્ર 15 વ્યક્તિઓ અને એક જ વાહન સાથે ગણપતિનું વિસર્જન કરવા જઇ શકાશે. જો કે 253 સાર્વજનિક ગણપતિ મહોત્સવના આયોજકોએ અને 76 ભાવિકોએ ઘરમાં ગણપતિનું વિસર્જન કરવા મંજૂરી મેળવી છે. વિસર્જન માટે પોલીસ અધિકારીઓ સહિત 1652 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં બે ડીસીપી, 6 એસીપી, 16 ઇન્સ્પેક્ટર, 65 સબ ઇન્સ્પેક્ટર, 686 એએસઆઇથી કોન્સ્ટેબલ, 54 એસઆરપી, 404 ટ્રાફિક બ્રિગેડ, 170 હોમગાર્ડઝ, 250 ગ્રામરક્ષક દળના જવાનોનો સમાવેશ થાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud