• યુવક ગે ગેંગની હનીટ્રેપમાં ફંસાયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી
  • આ અંગે ચાલી રહેલી તપાસમાં પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા
  • આરોપીઓએ પહેલા રૂપિયા 1.35 કરોડની માંગણી કરી હતી

WatchGujarat.શહેરનાં કાલાવડ રોડ પરનાં મંદિરમાં સેવાનું કામ કરતો યુવક ગે ગેંગની હનીટ્રેપમાં ફંસાયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે ચાલી રહેલી તપાસમાં પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સમગ્ર મામલે ભાવનગર જિલ્લાનાં 52 વર્ષીય ચીમન ઉર્ફ મુન્નો પાલજીભાઇ ગોહેલ, મનોજ ઉર્ફ અભય વિનોદભાઇ રાઠોડ તથા ગોંડલનાં ભોજરાજસિંહ ઉર્ફ ભોજુભા ગંભીરસિંહ ગોહિલ સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે. જેમાં ચિમને ફરિયાદી યુવાન સાથે સમલૈંગિક સંબંધો બાંધી તેનો હિડન કેમેરાથી વિડીયો ઉતારી આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હોવાનું પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓએ પહેલા રૂપિયા 1.35 કરોડની માંગણી કરી હતી. બાદમાં બીજા બે શખ્સો સાથે મળી 4 કરોડ માંગ્યા હતા. એટલું જ નહીં બળજબરીથી જ તેની પાસે રહેલા રૂ. 10 હજાર કઢાવી લીધા હતાં.

ભોગ બનનારે આ અંગે જણાવ્યું હતું કે, આશરે એકાદ વર્ષ પહેલા ભોપાલનો એક શખ્સ મયંક સત્સંગી તરીકે સંસ્થામાં આવતો હતો અને અહિ જ બે ટાઇમ જમતો હતો. તે મંદિરની પાછળ જ કયાંક મકાન રાખીને રહેતો હતો. તે લગભગ રોજ મને મળતો અને મેસેજ કરતો હતો. એક વખત 15 ઓગષ્ટના રોજ બપોરના સમયે તે સંસ્થાના બિલ્ડીંગના મારા રૂમમાં આવી ગયો હતો. અને પલંગ પર બાજુમાં બેસી મારા પગ દબાવ્યા હતા. થોડીવાર પછી મારી સાથે શારીરિક અડપલા ચાલુ કર્યા હતાં અને કહેલું કે હું સમલૈંગીક-ગે છું, તેમજ અગાઉ પણ જુનાગઢના એક મિત્રને શારીરિક સંબંધો હતાં પણ તે છોડીને જતો રહ્યો હોવાનું કહી મને ઉત્તેજીત કરીને તેણે મારી સાથે શારીરિક સંબંધ બાંધી લીધો હતો.

ત્યારબાદ તેણે રૂમના ટેબલ પરથી એક બેગ લીધી હતી અને એક પાવર બેંક જેવુ સાધન લીધુ હતું. બાદમાં મને કહેલું કે આ હીડન કેમેરો છે, તમારો વિડીયો બની ગયો છે. હવે હું તથા મારી સાથેના લોકો કહીએ એમ પૈસા આપવા પડશે કહી મારી નાંખવાની ધમકી આપી જતો રહ્યો હતો. થોડા સમય પછી સંસ્થાના એક અગ્રણીએ મને કહ્યું કે મયંક નામના છોકરાનો ફોન આવ્યો છે, જે પ્રમાણે વાત થઇ તે પ્રમાણે વિડીયો વાયરલ નહિ કરવા રૂ. ૧.૩૫ કરોડ માંગી વિદેશમાં નોકરીમાં સેટ કરી દેવાની માંગણી કરે છે. અને આ પૈસાની તાત્કાલીક વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. જોકે પોતે આ વાતનું રેકોર્ડિંગ કરી લીધું હોય તેના આધારે ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે પોલીસે આ ગેંગનાં ત્રણેય આરોપીને ઝડપી લીધા છે. અને તેમને રિમાન્ડની માંગ સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવનાર છે. ત્યારે આ ગેંગ દ્વારા અગાઉ કોને-કોને આ પ્રકારની અનોખી હનીટ્રેપમાં ફંસાવાયા છે તે સહિતનાં મુદ્દે પૂછપરછ કરવામાં આવશે. જો કે શહેર સહિત રાજ્યમાં કદાચ સૌપ્રથમ સામે આવેલી ગે ગેંગની હનીટ્રેપ શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. પોલીસે આ ગેંગનો શિકાર બનેલાને નામ અને ઓળખ ગુપ્ત રાખવાની ખાતરી આપી આ ગેંગના અન્ય સભ્યો છે કે કેમ? સહિતનાં મુદ્દે તપાસ શરૂ કરી દીધી છે. ત્યારે આવનારા સમયમાં આ મામલે મોટા ખુલાસાઓ થવાની શકયતા નકારી શકાય તેમ નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud