• રાજકોટમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે
  • ગઈકાલ બાદ આજે સતત બીજા દિવસે વરસાદનું આગમન થતા શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ભીના થયા
  • વધુ એક માવઠાનાં આગમનથી જગતનો તાત ચિંતામાં મુકાયો

WatchGujarat. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે રાજકોટ શહેર અને જિલ્લા સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં રાજકોટ શહેરમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાટા પડતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે આ વરસાદી માહોલને કારણે ગ્રામ્ય વિસ્તારમાં પાક નિષ્ફળ જવાની ભીતિએ ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

રાજકોટમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને ધીમીધારે વરસતા વરસાદી છાટાને પગલે સ્નો ફોલ થતો હોય તેવો આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. ગઈકાલ બાદ આજે સતત બીજા દિવસે વરસાદનું આગમન થતા શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ભીના થયા છે. અચાનક વરસાદને કારણે ઠંડો પવન ફૂંકાતા તાપમાનનો પારો ગગડ્યો છે. જો કે ઠંડી સાથે વરસાદને કારણે સ્વેટર પહેરવું કે રેઇનકોટ તેની અવઢવ લોકોમાં જોવા મળી રહી છે.

માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકો બંધ કરાઈ

વધુ એક માવઠાનાં આગમનથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે. સાથે જ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે હવામાન વિભાગની આગાહીને લઈ સત્તાધીશો દ્વારા મગફળીની આવકો બંધ કરવામાં આવી છે. અને માત્ર પ્લેટફોર્મ પર ઉતરતી જણસની આવક થઈ રહી છે. જોકે મગફળી ખુલ્લામાં ઉતારવામાં આવતી હોવાથી નિણર્ય લેવાયો છે. આ માટે સત્તાધીશો દ્વારા ખેડૂતોનું રજિસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. અને દરરોજ મર્યાદિત ખેડૂતોને બોલાવી મગફળી લેવામાં આવી રહી છે. ગઈકાલે એક જ દિવસમાં 2000 ખેડૂતોએ આ માટે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. પરંતુ માત્ર 150 ખેડૂતોની મગફળી લેવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ સાથે માવઠામય માહોલ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે બપોર બાદ કમોસમી વરસાદ સાથે માવઠામય માહોલ જામ્યો છે. જે આજે બીજા દિવસે પણ યથાવત છે. આજે પણ વાદળછાંયુ વાતાવરણ યથાવત છે. આજે સવારે વાંકાનેર જોડિયા, મીઠાપુર, સુરજકરાડી, કચ્છના અમુક વિસ્તારોમાં સવારે ઝરમર વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ભાવનગર, અમરેલી, જામનગર ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud