• સાગઠિયાએ સોશિયલ મીડિયા દ્વારા એક વિડીયો જાહેર કર્યો
  • “હું અને ઈન્દ્રનીલ રાજગુરુ કોંગ્રેસમાં છીએ, અન્ય કોઈ પાર્ટીમાં જોડવાના નથી”
  • જો કે ગઈકાલે પ્રભારી રઘુ શર્મા સાથે મુલાકાત બાદ બંનેએ કોંગ્રેસ છોડવાનો નિર્ણય બદલ્યો હોવાની ચર્ચા

 WatchGujarat.કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ અને પૂર્વ વિપક્ષનાં નેતા વશરામ સાગઠિયા ‘આપ’માં જોડાનાર હોવાની વાતો વહેતી થઈ હતી. આ મામલે ઈન્દ્રનીલ રાજગુરુ બાદ વશરામ સાગઠિયાએ પણ સ્પષ્ટતા કરી છે. જેમાં સાગઠિયાએ સોશિયલ મીડિયા દ્વારા એક વિડીયો જાહેર કર્યો છે. જેમાં પ્રેસ-મીડિયાને કહ્યું છે કે, હું અને ઈન્દ્રનીલ રાજગુરુ કોંગ્રેસમાં છીએ, અન્ય કોઈ પાર્ટીમાં જોડવાના નથી. જો કે ગઈકાલે પ્રભારી રઘુ શર્મા સાથે મુલાકાત બાદ બંનેએ કોંગ્રેસ છોડવાનો નિર્ણય બદલ્યો હોવાની ચર્ચા આંતરિક વર્તુળોમાં ચાલી રહી છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકીય ગતિવિધીએ જોર પકડ્યું છે. કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ભાવનગરમાં પ્રભારી પદેથી રાજીનામું આપ્યું હતું. અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ તેમજ વશરામ સાગઠિયા AAPમાં જોડાશે તેવી ચર્ચાઓ શરૂ થઇ હતી. જો કે આ વખત કોંગ્રેસમાં કોઈ ફૂટ ન પડે તેને લઈને પહેલાથી સક્રિય થયેલા રઘુ શર્માએ બંનેની સાથે મુલાકાત કરી હતી. અને આ બંને દિગ્ગજ નેતાઓની નારાજગી દૂર કરવામાં તેમને સફળતા મળી છે.

ઉલ્લેખનીય છે કે, ઈન્દ્રનીલ રાજગુરુએ હમણાં થોડા દિવસથી કોંગ્રેસ પાર્ટીમાં ચાલતા આંતરિક ડખાને લઈ ભાવનગર પ્રભારી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમજ કોંગ્રેસનો હાથ છોડવાનું પણ મન મનાવી લીધું હતું. તે સાથે જ વશરામ સાગઠિયાએ પણ ઈન્દ્રનીલનો સાથ આપવા ‘આપ’માં જોડાવાનો નિર્ણય લીધો હોવાની અટકળો ચાલી હતી. તેવામાં પાર્ટીના પ્રભારી રઘુ શર્મા દ્વારા ઇન્દ્રનીલ અને સાગઠિયા સાથે મુલાકાત કરવામાં આવી હતી.

રઘુ શર્મા સાથેની આ મુલાકાત બાદ ઈન્દ્રનીલે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કોઈ નારાજગી નહીં પરંતુ કેટલાક પ્રશ્ને રજુઆત કરવા માટે મુલાકાત કરી હોવાનું કહ્યું હતું. સાથે જ પોતે કોંગ્રેસ છોડવાના હોવાની વાતને રદિયો આપ્યો હતો. તો આજે વશરામ સાગઠિયાએ પણ વિડીયો જાહેર કરી તેઓ પોતે અને ઈન્દ્રનીલ રાજગુરુ પણ કોંગ્રેસમાં જ રહેવાના હોવાનું જણાવતા કોંગ્રેસને રાહત થઈ છે. જો કે નરેશ પટેલ કોંગ્રેસ સાથે જોડાનાર હોવાની વાત કહી રઘુ શર્માએ બંનેને માનવી લીધા હોવાની ચર્ચા આંતરિક વર્તુળોમાં ચાલી રહી છે.

મહત્વનું છે કે AAP પાર્ટીમાં જોડાવવાની વહેતી વાતો વચ્ચે ઇન્દ્રનીલ રાજ્યગુરૂની સમર્થકો અને કાર્યકરોની બેઠક મળી હતી. જે બાદ 3 એપ્રિલના કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરૂ આપમાં જોડાઈ જશે તેમ નિશ્ચિત હતું. ત્યારે આજે મળેલી બેઠક બાદ ઈંદ્રનીલે કોંગ્રેસ નહીં છોડવા મન મનાવી લીધું હોવાની વિગતો મળી રહી છે

Facebook Comments Box

Videos

Our Partners