• રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં હજારો માણસો દ્વારા ક્રિકેટ મેચનો સટ્ટો ચલાવતા બુકીઓનાં નામથી ભાગ્યે જ કોઈ અજાણ છે
  • 26 માર્ચથી IPL મેચ શરૂ થતાની સાથે જ સટ્ટો રમવાની શરૂઆત થઈ ચૂકી છે, અને 22 મેં સુધીમાં કુલ 70 મેચો રમાશે
  • મોટા બુકીને પોલીસ પકડી નહીં શક્તી હોવાનું અન્ય એક કારણ ટેકનોલોજી પણ માનવામાં આવે છે

કુલીન પારેખ(WatchGujarat).  ક્રિકેટનો સટ્ટો રમવા માટે સૌરાષ્ટ્રના અનેક લોકોમાં અનેરો ઉત્સાહ જોવાય છે. ત્યારે ગત તારીખ 26 માર્ચથી શરૂ થયેલા IPLનાં દરેક મેચ ઉપર અહીં કરોડો રૂપિયાનો સટ્ટો ખેલાય છે. જોકે આ બાબત જગજાહેર હોવા છતાં પોલીસ સટ્ટો ચલાવતા એકપણ બુકી સુધી પહોંચી શકી નથી. અને દરરોજ નાના-નાના 3-4 પંટરોને ઝડપી લઈને પોતાનો દાવ ઉતારે છે. જેને લઈને પોલીસની મીઠી નજર નીચે આ ખેલ ખેલાતો હોવાની ચર્ચા લોકોમાં સામાન્ય બની છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં હજારો માણસો દ્વારા ક્રિકેટ મેચનો સટ્ટો ચલાવતા બુકીઓનાં નામથી ભાગ્યે જ કોઈ અજાણ છે. જો કે આધુનિક ઓનલાઈન યુગમાં આ મોટા-મોટા બુકીઓ એટલા તો આગળ વધી ગયા છે કે, પોલીસનાં લાંબા હાથ તેમના સુધી પહોંચી શકે એમ નથી. IPLમાં ઓછા કલાકોમાં મોટી રકમની હારજીત થતી હોવાથી બુકીઓ સહિત પંટરો માટે પણ આ સટ્ટો હોટફેવરિટ છે. માત્ર રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અંદાજે 500 કરોડ રૂપિયા જ્યારે ગુજરાતમાં લગભગ 1000 કરોડથી પણ વધુનો સટ્ટો ખેલાતો હોવાનું બુકીઓનાં સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

એક નાના બુકીએ જણાવ્યા અનુસાર તા. 26 માર્ચથી IPL મેચ શરૂ થતાની સાથે જ સટ્ટો રમવાની શરૂઆત થઈ ચૂકી છે. અને 22 મેં સુધીમાં કુલ 70 મેચો રમાશે. માત્ર રાજકોટ અને સૌરાષ્ટ્રમાં IPL સિઝન દરમિયાન પ્રત્યેક મેચમાં ઓછામાં ઓછા રૂ. 10 કરોડ ગણીએ તો પણ અંદાજે 700 કરોડ રૂપિયાનો સટ્ટો ખેલાશે. જોકે આ તમામ બાબતોની પોલીસને પણ જાણ હોય છે. પરંતુ IPL દરમિયાન પોલીસ વિલન ન બને તે માટેની જરૂરી વ્યવસ્થાઓ નામચીન બુકીઓ દ્વારા પહેલેથી કરી લેવામાં આવી હોય છે. અને આ માટે સામ-દામ સહિત જરૂર પડ્યે દંડ અને ભેદનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ તેણે કહ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોટા બુકીને પોલીસ પકડી નહીં શક્તી હોવાનું અન્ય એક કારણ ટેકનોલોજી પણ માનવામાં આવે છે. હાલ સટ્ટો રમવો આસાન થઈ ગયો છે. જેમાં મોબાઈલમાં એકમાત્ર એપ્લિકેશનથી ક્રિકેટનો સટ્ટો રમી શકાય છે. ઓનલાઈન વેબસાઈટમાં લોગીન આઈડીથી પણ સટ્ટો રમવામાં આવે છે. એટલું જ નહીં કોઈ નાના ગામથી માંડી શહેરની ગીચ ગલીઓ પૈકી સટ્ટો રમાડનાર ખુદ ક્યાં છે તે શોધવું લોઢાનાં ચણા ચાવવા સમાન બની ચૂક્યું છે. જેને કારણે ઘણીવખત પોલીસ ઇચ્છતી હોવા છતાં મોટા માથા સુધી પહોંચી શકતી નથી.

સામાન્ય રીતે મોટા બુકીઓ હજારો માણસો મારફત પોતાનો આ કારોબાર ચલાવતા હોય છે. જેને લઈને ક્યારેક પોલીસનાં હાથ મોટા બુકી સુધી પહોંચી જાય ત્યારે પણ સીધી રીતે તેની સંડોવણી સાબિત ન થતા આવા મગરમચ્છો આબાદ સરકી જાય છે. કેટલાક મોટા બુકીઓ તો અનેક સારા કામો કરવાની સાથે જ રાજનેતાઓ સાથે પણ ઘરોબો ધરાવતા હોવાને લઇ તેમના સુધી પહોંચવું તો દૂર તેનું નામ લેવાની હિંમત પણ પોલીસ કરતી નથી. જોકે આવા મોટા માથાઓ પણ પોલીસને ક્યારેય ભૂલતા નથી. અને સમયસર મોટી-મોટી ભેંટો પણ પહોંચાડી દેતા હોય છે.

IPL સટ્ટોડિયા જ નહીં પણ પોલીસ માટે પણ સીઝન કહેવામાં આવે છે. પોલીસ નાના બુકીઓને ઝડપે છે. આગળ જ્યાં બુકી સટ્ટો કપાવતો હોય છે ત્યાં સુધીમાં તો પોલીસ માટે ઓફરો ચાલુ થઈ જાય છે. IPL શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં આમ તો પોલીસે સટ્ટો રમતા અનેક લોકો અને બુકીઓને ઝડપી પાડ્યા છે. પરંતુ આજ સુધી કોઈ મોટા બુકીને ગુજરાત પોલીસ ઝડપી શકી નથી શકી. હાલમાં IPL રમનારા જુના બુકીઓ ફરી સક્રિય બન્યા છે. તેમજ કરોડોનો સટ્ટો ખેલાઈ રહ્યો છે. ત્યારે પોલીસના હાથ બુકીઓ ઉપર રહે છે કે પછી તેઓને ઝડપવા સુધી પહોંચે છે. તે તો અવનારો સમય જ બતાવશે.

Facebook Comments Box

Videos

Our Partners