• ભોગ બનનાર વિદ્યાર્થીઓ પાસેથી મળેલી તમામ માહિતીની ખરાઈ કરવા માટે ગાંધીગ્રામ પોલીસની જુદી-જુદી ટીમ બનાવવામાં આવી – ડીસીપી મનોહરસિંહ જાડેજા
  • પ્રાથમિક તપાસમાં ક્રિષ્ના ભરડવા અને જેનીસ પરસાણા નામના વ્યક્તિની આ બાબતે સંડોવણી ખુલી
  • રિમાન્ડ દરમિયાન કરવામાં આવેલી પૂછપરછમાં ક્રિષ્નાએ તેના સાગરિત તરીકે ગાઝિયાબાદના આરીફ સિદ્દીકીનું નામ આપ્યું

WatchGujarat. રાજકોટ શહેરની ગાંધીગ્રામ પોલીસ દ્વારા એલ. આર. ડી – પીએસઆઇની પરીક્ષા મામલે ચાલતું ભરતી કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. ગાંધીગ્રામ પોલીસ દ્વારા આજરોજ મૂળ ગાજીયાબાદના આરીફ ભાઈ સિદ્દીકી અને રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા નિલેશભાઈ નાનાભાઈ મકવાણા નામેં બ્રોકરની ધરપકડ થઈ છે. આવતીકાલે આ બંને આરોપીઓને ગાંધીગ્રામ પોલીસ દ્વારા રીમાન્ડના માટે રજૂ કરવામાં આવશે. અગાઉ આ મુદ્દે ક્રિષ્ના ભરડવા અને જેનીસ પરસાણાની ધરપકડ કરવામાં આવી હતી. આ બન્નેનાં  રિમાન્ડ શુક્રવારના રોજ પૂર્ણ થતાં હોવાના કારણે તેમને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ડીસીપી મનોહરસિંહ જાડેજાનાં જણાવ્યા અનુસાર, ગત અઠવાડિયે કેટલાક ભોગ બનનાર વિદ્યાર્થીઓ મને મળ્યા હતા. તેમનું કહેવું હતું કે એક ગેંગ દ્વારા તેમની પાસેથી લાખો રૂપિયા લઇ એલઆરડી-પીએસઆઇની પરીક્ષામાં કોઈપણ જાતની ફિઝિકલ કે રાઇટીંગ ટેસ્ટ વગર પાસ કરાવી આપવામાં આવશે તે પ્રકારનો વાયદો આપવામાં આવ્યો હતો. ભોગ બનનાર વિદ્યાર્થીઓ પાસેથી મળેલી તમામ માહિતીની ખરાઈ કરવા માટે ગાંધીગ્રામ પોલીસની જુદી-જુદી ટીમ બનાવવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં ક્રિષ્ના ભરડવા અને જેનીસ પરસાણા નામના વ્યક્તિની આ બાબતે સંડોવણી ખુલી હતી. જે અંતર્ગત પ્રથમ ક્રિષ્ના ભરડવા અને જેનીસ પરસાણાની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીગ્રામ પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ સાત દિવસના રિમાન્ડની માગણી અર્થે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અને નામદાર કોર્ટ દ્વારા દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપી ક્રિષ્ના અને જેનીસના બેંક એકાઉન્ટની જાંચ પડતાલ પણ કરવામાં આવી હતી. રિમાન્ડ દરમિયાન કરવામાં આવેલી પૂછપરછમાં ક્રિષ્નાએ તેના સાગરિત તરીકે ગાઝિયાબાદના આરીફ સિદ્દીકીનું નામ આપ્યું હતું.

જે સંદર્ભે આરીફની પૂછપરછ માટે ગાંધીગ્રામ પોલીસ દિલ્હી પહોંચી હતી. પરંતુ તે ત્યાંથી નાસીને બેંગ્લોર પહોંચી ગયો હતો. ત્યારે ગાંધીગ્રામ પોલીસે આરીફને બેંગ્લોરથી ઝડપી પાડયો છે. તેમજ આવતીકાલે આરીફ તેમજ અન્ય આરોપી નિલેશભાઈ નાનાભાઈ મકવાણાને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ તપાસમાં આરોપી નીલેશભાઈ મકવાણાએ પોતાની ઓફિસમાં ભોગ બનનાર ફરિયાદી સહિતના છ સાહેદોને મુખ્ય આરોપીઓ સાથે મીટિંગ કરાવી આપી હતી. તેમજ ભોગ બનનાર પાસેથી રકમ મેળવી તેમાંથી કમિશન મેળવ્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners