- પાટોત્સવને લઈને હું અલગ અલગ ગામોમાં આમંત્રણ આપી રહ્યો હતો ત્યારે પડધરીના ખામટાં ગામમાં હરિભાઈ મળ્યા હતા – ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ
- ખોડલધામમાં નાના મોટા તમામ લોકો એકસમાન છે. મારા જેવા નાના માણસને આટલા મોટા કાર્યક્રમમાં લાભ મળ્યો તે મારૂ સદ્દભાગ્ય છે – ખેડૂત હરિભાઈ ટીંબાડિયા
- રાજકોટનાં અલય પાર્ક સહિતની વિવિધ સોસાયટીમાં આજે લોકોએ LED સ્ક્રીન પર પાટોત્સવની ઉજવણી કરી
WatchGujarat. ખોડલધામ મંદિરને 5 વર્ષ પુરા થતા ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાના સંક્ર્મણને કારણે આ પાટોત્સવ માત્ર મર્યાદિત લોકોની હાજરીમાં ઉજવાયો હતો. જો કે રાજકોટ શહેરની વિવિધ સોસાયટીઓમાં અને ગુજરાતના ગામેગામ અંદાજે 10 હજારથી વધુ LED સ્ક્રીન અને 7 ચેનલ પર આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરાયું હતું. જેમાં લાખો લોકો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. અને રાજકોટનાં અલય પાર્ક સહિતની વિવિધ સોસાયટીમાં લોકોએ LED સ્ક્રીન પર માઁ ખોડલનાં દર્શન-આરતી કરીને ધન્યતા અનુભવી હતી. આ પાટોત્સવની ખાસ વાત એ હતી કે, એક સામાન્ય ખેડૂત યજમાન બનીને પરિવાર સાથે યજ્ઞમાં બેઠા હતા.
સામાન્ય ખેડૂતને યજમાન બનાવવા અંગે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું કે, જ્યારે પાટોત્સવને લઈને હું અલગ અલગ ગામોમાં આમંત્રણ આપી રહ્યો હતો ત્યારે પડધરીના ખામટાં ગામમાં હરિભાઈ મળ્યા હતા. જેમાં હરિભાઇએ કહ્યું હતું કે, તેમણે 2011માં મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં જે લાડુનો પ્રસાદ મળ્યો હતો તે આજે પણ ઘરના મંદિર પરિસરમાં રાખ્યો છે. તેમની આ વાત સાંભળી ખેડૂત ખરેખર માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા હોવાનું જણાયું હતું. જેથી ટ્રસ્ટી મંડળની બેઠકમાં ચર્ચા બાદ તેમને પરિવાર સાથે આ લ્હાવો આપવાનો નિર્ણય લેવાયો હતો.
બીજીતરફ આ અંગે ખેડૂત હરિભાઈ ટીંબાડિયાએ કહ્યું હતું કે, હું નરેશભાઈનો આભાર માનુ છું કે મારા જેવા નાના ખેડૂતને આ લાભ મળ્યો છે. ખોડલધામમાં નાના મોટા તમામ લોકો એકસમાન છે. મારા જેવા નાના માણસને આટલા મોટા કાર્યક્રમમાં લાભ મળ્યો તે મારૂ સદ્દભાગ્ય છે. ટીંબાડિયા પરિવાર દ્રારા વર્ષ 2011થી લાડુનો પ્રસાદ મંદિરમાં એક શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રાખવામાં આવ્યો હતો. અને આજદિન સુધી વિશ્વાસ સાથે તેની પૂજા કરવામાં આવી હતી. આજે પરિવારે પાટોત્સવ પ્રસંગે માતાજીનો લાડુનો આ પ્રસાદ મંદિરમાં અર્પણ કર્યો હતો.
રાજકોટનાં અલય પાર્ક સહિતની વિવિધ સોસાયટીમાં આજે લોકોએ LED સ્ક્રીન પર પાટોત્સવની ઉજવણી કરી હતી. જે અંતર્ગત ગઈકાલે લોકોએ એકઠા થઇ રંગોળી કરી તોરણ બાંધ્યા હતા. જ્યારે આજે સમૂહમાં LED સ્ક્રીન પર માઁ ખોડલનાં દર્શન સાથે મહા આરતી કરી ધન્યતા અનુભવી હતી. કોરોનાની મહામારીને કારણે મહોત્સવ વર્ચ્યુઅલ યોજાતા લેઉવા પાટીદાર સમાજના લોકો વિવિધ માધ્યમોથી જોડાયા હતા.