• અમરનાથ ફ્લેટમાં ગૌતમ વાઘેલાને ભાડાકરાર કરીને આપ્યો હતો
  • ભાડાની રકમ નહિ ચુકવી તથા ફ્લેટ નહિ ખાલી કરતા આખરે મકાન માલિકે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી
  • કલેક્ટરનાં આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગ હેઠળ આરોપી કોન્સ્ટેબલને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

WatchGujarat. શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદ સામે આવી છે. જેમાં અગાઉ રાજકોટ તેમજ મોરબી ફરજ બજાવી ચૂકેલા અને હાલ આહવા ડાંગ ખાતે કાર્યરત પોલીસ કોન્સ્ટેબલ દ્વારા જ ભાડે રાખેલા ફ્લેટ પર કબજો કરાયો હોવાનું સામે આવ્યું છે. આ પોલીસ કોન્સ્ટેબલે ફ્લેટ માલીકને બે વર્ષથી ફ્લેટનું ભાડું પણ ચુકાવ્યું નહોતું. અને તેના પર કબજો કરી બેઠો હોવાથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કલેક્ટરને જ ફરિયાદ કરવામાં આવી હતી. અને કલેક્ટરનાં આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગ હેઠળ આરોપી કોન્સ્ટેબલને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, શહેરના રૈયા રોડ ગુરૂ ગોલવાલકર માર્ગ શિવાજી પાર્ક પાસે રેવન્યુ સર્વે નં.૪૬૫ પૈકી ટી.પી.સ્કીમ નં.૦૧ ના મુળ ખંડ નં.૮૧ ફાઇનલ પ્લોટ નં.૯૪૭ પૈકી વિભાગ-ઇ જમીન ચોરસ મીટર ૧૦૧૬ ઉપર આવેલ “અમરનાથ ફલેટ” પૈકી બી બિલ્ડીંગમા કસ્ટ ફલોર મા આવેલ ફલેટ નં.બી/૨ ચો.ફુટ ૪૭૦ (કારપેટ એરીયા) જેનો સુપર બિલ્ટઅપ એરીયા ૬૩૪-૫૦ વાળો ફ્લેટ કે જે દિલીપભાઇ રતીભાઇ વાઢેર (ઉ.વ-૬૦ જાતે કડીયા ધંધો કન્સ્ટ્રકશન રહે.૪૭/૦૫ મીરા માધવ એપાર્ટમેન્ટની સામે મોટા મોવા ગામની પાછળ કાલાવડ રોડ)ની માલિકીનો છે તે તેમણે ગૌતમ જેમલભાઇ વાઘેલાને રાજકોટ ભાડાથી રહેવા માટે આપેલ હતો. જે ભાડા કરાર મુજબ ભાડુ નહી ચુકવી તથા ભાડા કરારનો સમય પુરો થયેલ હોય તેમ છતાં આરોપીએ સદરહુ ફલેટ ખાલી નહી કરી તેમજ આજદીન સુધી ભાડુ નહી આપી સદરહુ ફલેટમાં ગેરકાયદેસર કબ્જો કરી આ કામના ફલેટ પર ગેરકાયદેસર કબ્જો કરી મિલકત પચાવી પાડેલ હોઇ તેના વિરુધ્ધ લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા મુજબ ગુન્હો દાખલ કરવા માટે ફરીયાદીએ જીલ્લા કલેકટરશ્રીને અરજી આપેલ હતી.

આ અરજી અંતર્ગત જીલ્લા કલેકટરશ્રી ની કચેરી ખાતે તા.૧૬/૧૦/૨૦૨૧ ના રોજ કમિટીના નિર્ણય આધારે ઉપરોકત આરોપી વિરુધ્ધ ગુન્હો દાખલ થવા હુકમ થઇ આવેલ હોય જેથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ  તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળનઆરોપી વિરોદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિ.૨૦૨૦ ની કલમ ૩,૪(૩),૫(ગ),(ધ ૩,૪(૩),૫(ખ),(ગ) કરવામા આવેલ છે.અને આરોપીને હસ્તગત કરી સરકારીની ગાઇડ લાઇન્સ મુજબ કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરવામાં આવી છે.

આરોપી અગાઉ રાજકોટ શહેર ખાતે પોલીસ કોન્સટેબલ બતરીકે અને ત્યાર બાદ મોરબી શહેરમાં ફરજ બજાવી ચૂકેલ છે. ત્યાથી આહવા ડાંગ ખાતે બદલી થયેલ છે. હાલ પોલીસે આરોપી કોન્સ્ટેબલને ઝડપી લઈ તેનો કોરોના ટેસ્ટ કરાવવા સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે પોલીસ કર્મચારી દ્વારા જ ફ્લેટ પચાવી પાડવાનો આ મામલો સામે આવતા રક્ષક પોતે જ ભક્ષક બન્યાની ચર્ચાઓ ચાલી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud