• આજે બે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે
  • યુવાન  એક્ટિવા લઇને જામનગર રોડ નજીકનાં એક ખુલ્લા મેદાનમાં ઉભો હોવાનું જોવા મળ્યું
  • એક્ટિવાની ડીકીમાં દેશી દારૂની કોથળીઓ ભરેલી નજરે પડે છે

WatchGujarat. ગુજરાતમાં દારૂબંધી છે. એટલું જ નહીં આ નિયમનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવતું હોવાના દાવા સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે. પરંતુ આ નિયમનાં લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. જે ઘટનામાં શહેરનાં જામનગર રોડ પર આવેલા મેદાનમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેંચાણ કરવામાં આવતું હોવાના વિડીયો સામે આવ્યા છે. દેશી દારૂનું વેંચાણ કરનાર આ શખ્સ જાણે પોલીસનું કોઈ અસ્તિત્વ ન હોય તેવી રીતે એક્ટિવાની ડીકીમાંથી દારૂ વેંચતો નજરે પડી રહ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ આજે પણ બે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેમાં યુવાન  એક્ટિવા લઇને જામનગર રોડ નજીકનાં એક ખુલ્લા મેદાનમાં ઉભો છે અને એક્ટિવાની ડીકીમાં દેશી દારૂની કોથળીઓ ભરેલી નજરે પડે છે. પોલીસના ડર વગર આ યુવાન બિન્દાસ રીતે ડીકી ખુલ્લી રાખી ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરતો વીડિયોમાં જોવા મળી રહ્યો છે.

આ વિસ્તારનો બીજો એક વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ દેશી દારૂ ખરીદી કર્યા બાદ ત્યાં જ ઉભા ઉભા દારૂની કોથળી તોડી પાણીની બોટલમાં ભરી રહ્યો છે. આથી તેમના પર કોઇ શંકા ન કરી શકે અને બિન્દાસ રીતે દેશી દારૂ પાણીની જેમ પી શકે. આ પહેલા પણ અનેકવાર દેશી દારૂના જાહેરમાં વેચાણના અનેક વીડિયો સામે આવી ચુક્યા છે. પરંતુ અત્યાર સુધી આવા કોઈપણ મામલે નોંધપાત્ર કાર્યવાહી થઈ નથી. ત્યારે ફરી સામે આવેલા આ બંને વિડીયો અંગે પોલીસ દ્વારા ક્યારે અને કેવી કાર્યવાહી થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.

Facebook Comments Box

Videos

Our Partners