• રવિવારે રાજકોટમાં પૂર્વ રાજ્યમંત્રી કુંવરજી બાવળીયાનાં શક્તિપ્રદર્શન સમાન અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી
  • બેઠકમાં અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનો તેમજ ભાજપના કોર્પોરેટર બાબુ ઉધરેજીયા પણ હાજર રહ્યા
  • ગુજરાતમાં કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારો માટે ખાસ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટની માંગ કરવાનો નિર્ણય પણ લેવાયો

WatchGujarat. આગામી વિધાનસભા ચૂંટણીને લઈ વિવિધ સમાજો દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રવિવારે રાજકોટમાં પૂર્વ રાજ્યમંત્રી કુંવરજી બાવળીયાનાં શક્તિપ્રદર્શન સમાન અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં ખાસ કોળી સમાજનું પ્રભુત્વ હોય તેવી વિધાનસભા બેઠકો માટે ટીકીટ માંગવાનો નિર્ણય લેવાયો હતો. જો કે હાલ સમાજનાં બે આગેવાનો દેવજી ફતેપરા અને કુંવરજી બાવળીયા વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. જેને લઈને ફતેપરા આ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા.

બેઠકમાં અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનો તેમજ ભાજપના કોર્પોરેટર બાબુ ઉધરેજીયા પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજકોટ શહેર અને જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખની વરણી કરવામાં આવી હતી. તેમજ સમાજને ગુજરાત સરકારમાં નેતૃત્વ મળે તેવી ચર્ચા કરવામાં આવી હતી. એટલું જ નહીં ગુજરાતમાં કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારો માટે ખાસ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટની માંગ કરવાનો નિર્ણય પણ લેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, હાલ ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. અને બંને નેતાઓ સમાધાન કરવા માટે તૈયાર નથી. ત્યારે આગામી દિવસોમાં ફતેપરા વધુ એક સંમેલન યોજે તેવી શક્યતા છે. તાજેતરમાં રાજકોટની મુલાકાત દરમિયાન પણ ફતેપરાએ પોતે સૌરાષ્ટ્રભરનાં કોળી સમાજનું સંમેલન યોજનાર હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ બંને દિગ્ગજોનાં ગજગ્રાહનો કોળી સમાજને ફાયદો થશે કે નુકસાન તે તો અવનારો સમય જ બતાવશે.

Facebook Comments Box

Videos

Our Partners