• રાજકોટમાં આજે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે
  • સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ પોતાના ભાષણ દરમિયાન વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બદલે મુખ્યમંત્રી તરીકે રૂપાણીના નામનો ઉલ્લેખ કર્યો
  • નો રિપીટ થિયરી લાગુ થયા બાદથી જ ભાજપમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે

WatchGujarat. વિજય રૂપાણીએ રાજ્યનાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાને બે મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે. જો કે ભાજપનાં નેતાઓ હજી આ વાત સ્વીકારવા તૈયાર ન હોય અને તેઓના મનમાં રૂપાણી જ મુખ્યમંત્રી હોવાની વાત ઘર કરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગત રોજ ભાજપ કાર્યાલય ખાતે રૂપાણીને CM દર્શાવતા બોર્ડ લાગ્યા બાદ વિવાદ થતા કલાકોમાં પૂર્વ મુખ્યમંત્રી લખાયું હોવાની ઘટના હજુ તાજી છે. ત્યાં આજે વધુ એક મંત્રીએ CM તરીકે રૂપાણીનાં નામનો ઉલ્લેખ કરી નાખ્યો હતો. જો કે તરત જ પોતાની ભૂલનું ભાન થતા તેમણે ભુપેન્દ્ર પટેલનું નામ લીધું હતું.આ ઘટના કેમેરામાં કેદ થતા તેનો વિડીયો વાયરલ થયો છે.

રાજકોટમાં આજે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. જે અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ પોતાના ભાષણ દરમિયાન વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બદલે મુખ્યમંત્રી તરીકે રૂપાણીના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેને લઈ થોડા સમય માટે સમારોહ સ્તબ્ધ થઇ ગયો હતો. બાદમાં પોતાની ભૂલનું ભાન થતા તેમણે ભૂલ સુધારી CM ભૂપેન્દ્ર પટેલનું નામ લીધું હતું.

ભાજપનાં સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, સહકારમંત્રી જગદીશ વિશ્વકર્માએ થોડા દિવસો પૂર્વે પાટણ ખાતે પણ આવી જ ભૂલ કરી હતી. અને CM ભૂપેન્દ્ર પટેલના બદલે CM તરીકે વિજય રૂપાણીનું નામ બોલ્યા હતા.ભાજપના કાર્યકરોમાં એવું પણ ચર્ચાય છે કે, જગદીશ વિશ્વકર્મા દ્વારા ભુપેન્દ્ર પટેલના નેતૃત્વનો મંચ પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ કારણે જ તેઓ વારંવાર આ ભૂલ કરતા નજરે પડે છે. પાટણની એમ.એન.હાઇસ્કૂલમાં રાજયકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે 6 દિવસ પૂર્વે નિઃશુલ્ક મેગા કેમ્પનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારે પણ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ભૂપેન્દ્ર પટેલના બદલે CM તરીકે વિજય રૂપાણીનું નામ બોલ્યા હતા.

નોંધનીય છે કે, નો રિપીટ થિયરી લાગુ થયા બાદથી જ ભાજપમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં રાજકોટમાં જ આ વિવાદ ચરમ સપાટીએ જોવા મળ્યો હતો. જેમાં ભાજપનાં સ્નેહમિલનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારાસભ્ય ગોવિંદ પટેલને બોલાવી આમંત્રણ પત્રિકામા શું લોચો છે એમ કહી ખખડાવ્યા હતા. આ સમયે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા વચ્ચે પડ્યા હતા. ત્યારે રૂપાણીએ રામ મોકરિયાને રોકડું પરખાવી કહી દીધું હતું કે તમે બેસો તમારી સાથે વાત નથી કરતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. થોડીવાર માટે તો સ્ટેજ પર તણાવભરી સ્થિતિ પણ ઉદભવી હતી. આ બાબતને લઈને મોકરીયાને હાઈકમાન્ડે ઠપકો આપ્યો હોવાની ચર્ચા પણ ભાજપનાં આંતરિક વર્તુળોમાં ચાલી રહી છે.

Facebook Comments Box

Videos

Our Partners