• એકતરફ લગ્નની તૈયારીઓ અને બીજીતરફ પત્ની તેમજ પુત્રી ઘાયલ થતા પતિ સંદીપભાઈ પ્રજાપતિ મોટી મુશ્કેલીમાં મુકાયા
  • તંત્ર તો કોઈની ફરિયાદ સાંભળતુ નથી. એટલે ક્યાંય રજૂઆત કરવાનો કોઈ મતલબ નથી
  • અગાઉ પણ અમારા વિસ્તારમાં રખડતા ઢોરનાં ત્રાસ અંગે અનેક રજૂઆતો થઈ ચૂકી છે

WatchGujarat.શહેરનાં સંતકબીર રોડ પર રખડતી ગાયનાં હુમલામાં પ્રજાપતિ પરિવારના માતા નીલમબેન તેમજ તેમની 2 વર્ષની પુત્રી આંશી ઘાયલ થયા હતા. જેમાં માસુમ આંશીને માથામાં 10 ટાંકા આવ્યા હતા. આ પ્રજાપતિ પરિવારમાં આગામી 18 તારીખે નીલમબેનનાં નણંદ ઈશિયાબેનનાં લગ્ન યોજાનાર છે. ત્યારે એકતરફ લગ્નની તૈયારીઓ અને બીજીતરફ પત્ની તેમજ પુત્રી ઘાયલ થતા પતિ સંદીપભાઈ પ્રજાપતિ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કડિયાકામથી ઘરનું ગુજરાન ચલાવતા સંદીપભાઈએ કહ્યું હતું કે, જલ્દી બંને સ્વસ્થ થાય એ ભગવાનને પ્રાર્થના છે. બાકી તંત્ર તો કોઈની ફરિયાદ સાંભળતુ નથી. એટલે ક્યાંય રજૂઆત કરવાનો કોઈ મતલબ નથી. અગાઉ પણ અમારા વિસ્તારમાં રખડતા ઢોરનાં ત્રાસ અંગે અનેક રજૂઆતો થઈ ચૂકી છે. પણ ક્યારેય કોઈ પગલાં લેવાયા નથી.

બીજીતરફ આ ઘટના સમયે સાથે રહેનાર અને ભોગ બનનાર માતા-પુત્રીને સમયસર હોસ્પિટલ પહોંચાડનાર પૂજાબેને જણાવ્યું હતું કે, સાસુ-વહુ માસુમ બાળકીને સાથે લઈ ખરીદી માટે ગયા હતા. તેઓ પરત આવતા હતા ત્યારે સામેથી આવી રહેલી ગાયે અચાનક હુમલો કર્યો હતો. જેમાં માતા-પુત્રી બંને પડી ગયા હતા. જેમાં માતા કરતા વધુ માસુમ બાળકીને ઇજા થઇ હતી. જેને લઈને બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં માસુમ બાળકીને 10 ટાંકા લેવા પડ્યા હતા. આ દ્રશ્યો જોઈને કામ પરથી દોડી આવેલા બાળકીના પિતા સંદીપભાઈ પણ ચક્કર ખાઈને પડી ગયા હોવાનું પણ તેમણે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ મહાનગરોમાં ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ રખડતા ઢોર સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મનપા દ્વારા રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ વેગવંતી કરવામાં આવી છે. પહેલા 2 ટીમ દ્વારા ઢોર પકડવામાં આવતા હતા હવે 4 ટીમ મુકવામાં આવી છે. અને અગાઉ દરરોજનાં 500 ઢોર પકડવામાં આવતા હતા. જેની સામે હવે રોજ 900-1000 ઢોર પકડાઈ રહ્યા છે. પરંતુ આમ છતાં શહેરનાં અનેક વિસ્તરોમાં રખડતા ઢોરનાં કારણે લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. ત્યારે મનપા દ્વારા આ કામગીરી વધુ ઝડપી બનાવાય તે જરૂરી બન્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners