• પાટીદાર અગ્રણી નરેશ પટેલનું રાજકારણમાં આવવુ એક કોયડો બન્યુ છે
  • નરેશ પટેલને દરેક પાર્ટી પોતાના પક્ષમાં લેવા આતુર છે, પરંતુ હજુ સુધી તેઓ ક્યાં જોડાશે તે હજી સુધી સામે આવ્યુ નથી
  • પરિવાર તરફથી પિતાને પૂરો સપોર્ટ છે. મારા પિતા 30 એપ્રિલ બાદ પોતાનો નિર્ણય જાહેર કરશે – શિવરાજ પટેલ (પુત્ર)

WatchGujarat. ખોડલધામનાં ચેરમેન અને લેઉવા પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલનાં રાજકારણમાં પ્રવેશ અંગે વધુ એક તારીખ સામે આવી છે. જેમાં તેઓ હવે પોતાનો નિર્ણય તા. 30 એપ્રિલ સુધીમાં જાહેર કરવાના હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જો કે આ પહેલા તેમણે 20થી 30 માર્ચ સુધીમાં નિર્ણય જાહેર કરવાની વાત કરી હતી. પરંતુ હાલ તેઓ પોતાના વ્યવસાયનાં કામમાં ખૂબ વ્યસ્ત હોવાથી સમાજનાં અભિપ્રાયો લઈ શક્યા નથી. જેને લઈને નરેશ પટેલે હવે રાજકારણમાં પ્રવેશ અંગેનો નિર્ણય લેવા માટે 30 એપ્રિલ સુધીનો સમય નક્કી કર્યો હોવાનું તેમના નજીકના વર્તુળોએ જણાવ્યું છે.

પાટીદાર અગ્રણી નરેશ પટેલનું રાજકારણમાં આવવુ એક કોયડો બન્યુ છે. નરેશ પટેલને દરેક પાર્ટી પોતાના પક્ષમાં લેવા આતુર છે, પરંતુ હજુ સુધી તેઓ ક્યાં જોડાશે તે હજી સુધી સામે આવ્યુ નથી. ત્યારે નરેશ પટેલના રાજકારણમાં જોડાવવાના નિર્ણયને લઈને તેમના પુત્ર શિવરાજ પટેલનું મોટું નિવેદન સામે આવ્યુ હતું. જેમાં શિવરાજે એક મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મારા પિતાને રાજકારણમાં જોડાવવું જ જોઈએ. કયા પક્ષા સાથે જોડાવુ તે તેમનો અંગત નિર્ણય છે. પરિવાર તરફથી પિતાને પૂરો સપોર્ટ છે. મારા પિતા 30 એપ્રિલ બાદ પોતાનો નિર્ણય જાહેર કરશે. તો રાજકારણમાં જોડાયા બાદ શિક્ષણ – આરોગ્ય પિતાનો પહેલો મુદ્દો હોવાનું પણ તેમણે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા 2022ની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારથી ભાજપ – કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે નરેશ પટેલ બંધ બારણે બેઠકો યોજી રહ્યા છે. પરંતુ રાજકારણમાં જોડાવા અંગે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. અને સમાજ કહેશે તેમ કરીશ તેવું રટણ કરી રહ્યા છે. આ પહેલા 20થી 30 માર્ચની તારીખ આપનાર ખોડલધામ નરેશે આજે 27 તારીખ સુધી કોઈ જાહેરાત કરી નથી. અને તેમની કોઈ ચોખવટ સામે આવે તે પહેલાં જ વધુ એક 30 એપ્રિલની તારીખ વહેતી થતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners